Get The App

સિદસરમાં તળાવ પાસેના 50 જેટલા ગેરકાયદે દબાણ હટાવ્યા

Updated: Sep 19th, 2022

GS TEAM

Google News
Google News
સિદસરમાં તળાવ પાસેના 50 જેટલા ગેરકાયદે દબાણ હટાવ્યા 1 - image


- સિદસર-વાળુકડ રોડ પર આવેલ જાળીયા તળાવને વિકાસવવા માટે કાર્યવાહી કરાઈ 

- તળાવ પાસેના દબાણ હટાવી લેવા ૬ માસ પૂર્વે મનપાએ નોટીસ આપી હતી : મનપાએ કાર્યવાહી કરતા દબાણકર્તાઓમાં કચવાટ 

ભાવનગર : ગેરકાયદે દબાણ હટાવવા માટે આજે સોમવારે ભાવનગર મહાપાલિકાએ લાલ આંખ કરી હતી અને શહેરના સિદસરમાં તળાવ પાસેના પ૦ જેટલા ગેરકાયદે દબાણ દુર કર્યા હતા તેથી દબાણકર્તાઓમાં કચવાટ ફેલાયો હતો. દબાણકર્તાઓને અગાઉ નોટીસ આપવામાં આવી હતી પરંતુ કોઈ કારણસર તેઓએ ગેરકાયદે દબાણ નહી હટાવતા આજે મનપાએ કડક કાર્યવાહી કરી હતી. 

ભાવનગર શહેરના સિદસર-વાળુકડ રોડ પર આવેલ જાળીયા તળાવને મહાપાલિકાના વોટર વર્કસ વિભાગ દ્વારા વિકાસવવામાં આવશે. આ તળાવનો વિકાસ કરવાનો હોવાથી તેની આસપાસના ગેરકાયદે દબાણ હટાવવા મહાપાલિકાએ આશરે ૬ માસ પૂર્વે દબાણકર્તાઓને નોટીસ આપી હતી પરંતુ તેમ છતા દબાણ હટાવવામાં આવ્યા ના હતાં. આ બાબતે અગાઉ કોર્ટ મેટર પણ થઈ હતી તેમ મનપાના અધિકારીએ જણાવ્યુ હતું. આજે સોમવારે સવારે મહાપાલિકાએ ગેરકાયદે દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી અને તળાવની પાસેના આશરે પ૦ નાના-મોટા દબાણ હટાવ્યા હતા, જેમાં મકાન, દિવાલ સહિતના ગેરકાયદે દબાણનો સમાવેશ થાય છે. કાચા-મકાન મનપા દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા તેથી દબાણકર્તાઓમાં રોષ જોવા મળ્યો હતો. 

મહાપાલિકાએ ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરતા સ્થાનીક રહીશોએ એકઠા થઈ ગયા હતા અને સ્થળ પર લોકોના ટોળા જોવા મળ્યા હતાં. મહાપાલિકાના કર્મચારીઓએ સાંજ સુધીમાં મોટાભાગના દબાણ દુર કરી નાખ્યા હતા અને જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. મનપાની કાર્યવાહીના પગલે દબાણકર્તાઓમાં કચવાટ ફેલાયો હતો પરંતુ મહાપાલિકાએ કાર્યવાહી યથાવત રાખી હતી.  

Tags :