ઘરશાળા પીટીસી કોલેજમાં હાજર થવા આવેલા પ્રિન્સિપલને સ્વીકારવા ઈનકાર
ભાવનગર, તા. 26 સપ્ટેમ્બર 2018, બુધવાર
સુરત પીટીસી કોલેજ બંધ થતા ફાજલ થયેલા મહિલા પ્રિન્સિપલને ભાવનગરની ઘરશાળા પીટીસી કોલેજમાં હાજર થવા હૂકમ કરાયો હતો. જેથી અહીં હાજર થવા આવેલા મહિલા પ્રિન્સિપલને કોઈ કારણોસર ચાર્જ લેવા દેવાયો ન હતો. આ મામલે શિક્ષણજગતમાં ચકચાર મચાવી હતી.
આ અંગે જિલ્લા શિક્ષણાધિકારીનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યુ હતુ કે, સુરત પીટીસી કોલેજ બંધ થઈ જતા ત્યાંના મહિલા પ્રિન્સિપલ ફાજલ થયા હતા. જેમને ભાવનગર પીટીસી કોલેજમાં મૂકાતા તેમને હાજર કરવા આજે બુધવારે શિક્ષણાધિકારી કચેરીના પાંડે સહિતનો સ્ટાફ ઘરશાળા પીટીસી કોલેજે ગયો હતો. પરંતુ કોઈ કારણોસર મહિલા પ્રિન્સિપલને ચાર્જ લેતા ઘરશાળાના સંચાલકોએ અટકાવતા અમારો સ્ટાફ પરત ફર્યો હતો. આ અંગે સંબંધિત કચેરીને રિપોર્ટ કરી દેવાશે. મહિલા પ્રિન્સિપલનો પગાર ઘરશાળા અધ્યાપન મંદિરના હેડેથી ગણાવાનો હોવાનું તેમણે ઉમેર્યું હતુ.