7 વર્ષની માસુમ બાળા પર દુષ્કર્મના મામલે શખસને 10 વર્ષનો કારાવાસ
- ભાવનગરમાં ઢગાના કુકર્મના પગલે ચકચાર મચી હતી
- શખસના ઘરે ટીવી જોવા માટે જતી બાળાને ગોંધી રાખી અવારનવાર દુષ્કૃત્ય કરતા ગુનો નોંધાયો હતો
ભાવનગર, તા.19 નવેમ્બર 2019, મંગળવાર
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા ૫૫ વર્ષીય ઢગાએ ૭ વર્ષિય માસુમ બાળાને પોતાના ઘરે ટીવી જોવા માટે બોલાવી અવારનવાર દુષ્કર્મ ગુજારતા ભારે ચકચાર મચી હતી. જે મામલે ઢગા સામે પોક્સો એક્ટ તળે ગુનો નોંધાયો હતો. જે કેસ આજરોજ ભાવનગર ન્યાયલયમાં ચાલી જતા ન્યાયમૂર્તિશ્રીએ દુષ્કર્મ સબબ શખસને તક્સીરવાન ઠેરવી ૧૦ વર્ષ કારાવાસની સજા ફરમાવી હતી.
બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારના મોતીતળાવમાં રહેતા અબુતાલીબ નુરમીયા વાહેજ (ઉ.વ.૫૫) નામના શખસે ગત તા.૨૦-૮-૨૦૧૮થી ૨૪-૮-૨૦૧૮ના સમયગાળા દરમિયાન ૬ વર્ષ અને ૧૧ માસની બાળાને પોતાના ઘરે ટીવી જોવા માટે બોલાવી બાળા સાથે અવારનવાર દુષ્કર્મ કરી જો કોઇને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.
સમગ્ર મામલે બહાર આવતા ઢગા સામે ફિટકાર સાથે અરેરાટી છવાઇ જવા પામી હતી. ઉક્ત બનાવ અનુસંધાને ભોગ બનનાર બાળાના માતાએ બોરતળાવ પોલીસ મથકમાં અબુતાલીબ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી ૩૭૬(છ),(ટ),(ઢ),(થ), ૫૦૬(૨) તેમજ પોક્સો એક્ટ ૬ મુજબ ગુનો દાખલ કરી શખસની ધરપકડ કરી હતી.
ઉક્ત કેસ આજરોજ ભાવનગરના સ્પેશ્યલ પોક્સો જજ અને સેકન્ડ એડીશ્નલ જજશ્રી એમ.જે. પરાસરની અદાલતમાં ચાલી જતા ૩૦ દસ્તાવેજી પુરાવા, ૧૪ મૌખિક પુરાવા તેમજ સરકારી વકીલ બી.જે. ખાંભલીયાની દલીલોને ધ્યાન પર લઇ આરોપી અબુતાલીબ નુરમીયા વાહેજને પોક્સો કલમ ૬ મુજબના ગુનામાં તકસીરવાન ઠેરવી ૧૦ વર્ષ સખત કેદની સજા તેમજ ૧૦ હજારનો દંડ જો દંડ ન ભરે તો વધુ ૬ માસની કેદ, આઇપીસી ૫૦૬(૨) મુજબના ગુનામાં આરોપીને ૫ વર્ષની કેદ તેમજ રૂા.૫૦૦૦નો દંડ જો દંડ ન ભરે તો વધુ ૬ માસની સજા ફરમાવી હતી. તેમજ દંડની રકમ પૈકીની ૫૦ ટકા રકમ ભોગબનનારને વળતર પેટે ચુકવી આપવા નામદાર કોર્ટે હુકમ કર્યો હતો.