ગોંડલનાં વિક્રમસિંહ રાણાં હત્યા કેસમાં રામજી મારકણાં અને હરેશ ચોથાણીને આજીવન કેદ
-વિનુ શીંગાળાનાં સમર્થક નિલેશ રૈયાણીને પણ રહેંસી નખાયા હતા
-અન્ય 11 આરોપી નિર્દોષ જાહેર, કાવતરાખોર મનાતા વિનુ શીગાળાની રાજકોટમાં તેમના જ નિવાસે હત્યા થઈ હતી
ગોંડલ,તા.28 માર્ચ 2019,ગુરૂવાર
ગોંડલનાં અત્યંત ચકચારી કરોડોની કિંમતની રજવાડીની જમીનનાં પ્રકરણમાં અને રાજકારણમાં વિક્રમસિંહ રાણાની હત્યા થઈ હતી. ૨૦૦૩માં આ બનાવ બન્યો હતો. ૧૬ વર્ષ જૂના આ કેસમાં રામજી ઉર્ફે રામલો પ્રાગજી મારકણો (રહે. ઈશ્વરિયા હાલ સુરત) તથા હરેશ મકનજી ચોથાણી (રહે. વાછરા)ને તકસીરવાન ગણી આજીવન કેદની સજા એડિશનલ સેશન્સ જજ જે.એન. વ્યાસે ફટકારી છે.
જ્યારે આ કેસનાં ૧૧ આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા હતાં. આ કેસ ચાલતો હતો એ દરમ્યાન જ બે આરોપી કાનજી વેકરીયા, લાલજી સીદપરાનાં મૃત્યું નિપજ્યા હતાં. જ્યારે મુખ્ય કાવતરાખોર મનાતા વિનુ શિંગાળાની કેસ ચાર્જ ફ્રેમ થાય તે પહેલા જ રાજકોટમાં હત્યા થઈ હતી. આ સમગ્ર કેસમાં કુલ ૭૨ સાહેદોને કોર્ટે ચકાસ્યા હતાં. જે પૈકી ૨૧ હોસ્ટાઈલ જાહેર થયા હતાં.
ગોંડલનાં કોટડાસાંગાણી રોડ ઉપર આવેલ રાજવી પરીવારનાં ગુણાદિત્યસિંહ (ધનાબાપા)ની કરોડોની કિંમતની રાજવાડીની જમીન વિક્રમસિંહ રાણાની હત્યાંનું કારણ બની હતી. આ ઉપરાંત ગોંડલ પંથકના રાજકારણમાં વર્ચસ્વ જમાવવાંની વિનુ શિંગાળાની અપેક્ષા પણ એક કારણ ગણી શકાય.
રાજવાડીની માલિકી ધરાવતા ધનાબાપા મુખ્યત્વે મુંબઈ રહેતાં હોય રાજવાડીનો કબ્જો વિક્રમસિંહ રાણા પાસે હતો. સુત્રો અનુસાર રાજવાડીની મિલ્કત અંગે વિક્રમસિંહ અને ધનાબાપા વચ્ચે વેંચાણ કરાર પણ કરાયો હતો. છતાં વિવાદ હોય ધનાબાપા એ રાજવાડીનું કુલમુખત્યાર નામું એ સમયે જિલ્લા ભાજપ પ્રમુખ લાલજીભાઈ સાવલીયાને કરી આપ્યું હતું. બાદમાં લાલજીભાઈએ લલીતભાઈ પાનસુરીયા અને વિનુભાઈ શિંગાળાને રાજવાડીનું વેંચાણ કરી આપ્યું હતું.
ગોંડલ પંથક લેઉવા પાટીદારની બહુમતી ધરાવતો વિસ્તાર હોય તત્કાલીન ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયાની હત્યા બાદ રિબડાનાં મહિપતસિંહ જાડેજા અને બાદમાં જયરાજસિંહ જાડેજા ગોંડલમાં ધારાસભ્ય તરીકે ચુંટાયા હોય ખાસ કરીને પાટીદાર મતદારોમાં વર્ચસ્વ જમાવવાં એ સમયનાં જીલ્લા યુવા ભાજપ પ્રમુખ વિનુભાઈ શિંગાળાએ ગોંડલને કાર્યક્ષેત્ર બનાવ્યું હતું.
તેમની મહેચ્છા ગોંડલનાં ધારાસભ્ય બનવાની હતી. એ સમયે તેમણે વિધાનસભાની ટીકીટ પણ માગી હતી. પરંતુ ભાજપે જયરાજસિંહને પસંદ કર્યા હતા.
ગોંડલ પંથકમાં ધાક જમાવવાં વિનુભાઈ શિંગાળાએ રાજવાડી ઉપર કબજો કરી જુથ બનાવતાં પાટીદારો અને ક્ષત્રિયો વચ્ચે વર્ચસ્વનો સવાલ પણ ઉભો થવાં પામ્યો હતો.
રાજવાડી અને રાજકારણ બન્ને જુથ માટે અસ્તિત્વનો મુદ્દો બનતાં એકસ મિલ્ટ્રીમેન વિક્રમસિંહ રાણાની વિનુભાઈ શિંગાળા જુથ દ્વારા હત્યાં કરાઈ હતી, આ હત્યાને પગલે હાહાકાર મચી જવાં પામ્યો હતો. હત્યાનાં આ બનાવમાં રામજી ઉર્ફે રામલો મારકણા અને હરેશ ચોથાણી હથિયારો વડે હુમલો કરવામાં મુખ્ય હતાં.
રામજી મારકણા વિનુ શીંગાળાનો મામાનો દિકરો થતો હતો. તેમજ તેમનાં જુથનો મુખ્ય સુત્રધાર મનાતો હતો. બીજી બાજુ વિક્રમસિંહ રાણાની હત્યાંનો બદલો તુરંત જ લેવાયો, રાણા જુથ દ્વારા પ્રથમ વિનુભાઈ શિંગાળાનાં સમર્થક ગણાતાં વાછરાનાં નિલેશ રૈયાણીની સરાજાહેર હત્યાં કરાઈ હતી. જેમાં એ સમયનાં ધારાસભ્યા જયરાજસિંહ સહિત આરોપી હતાં.
બાદમાં ટુંકા સમયમાં જ રાજકોટ ખાતે વિનુભાઈ શિંગાળાની તેમાં નિવાસસ્થાને જ ગોળી ધરબી હત્યા કરાઈ હતી. આમ વિક્રમસિંહ રાણાની હત્યાનો બદલો ખુન કા બદલાં ખુનની માફક લેવાયો હતો. ટુંકમાં રાજવાડીની મિલ્કત અને રાજકીય અસ્તિત્વ લોહીયાળ બની ત્રણ ત્રણ હત્યાઓ દ્વારા રક્તરંજિત બનવાં પામ્યા હતાં.