રાજુલાના નિવૃત્ત પ્રિન્સીપાલનો ડેમમાં જંપલાવી લઇ આપઘાત
- કેન્સરની અસહ્ય પીડાથી કંટાળી જઇ ભર્યું અંતિમ પગલું
- એક દિવસ પૂર્વે ઘરેથી નિકળી ગયા બાદ ડેમમાંથી મૃતદેહ મળી આવતા અરેરાટી: સ્યુસાઇટ નોટ મળી
રાજુલા,તા.05 ફેબ્રુઆરી 2020 બુધવાર
રાજુલાના નિવૃત્ત પ્રિન્સીપાલે કેન્સરની અસહ્ય પીડાના કારણે ગઇકાલે પોતાના ઘરેથી નિકળી ગયા બાદ ધાતરવાડી ડેમમાં ઝંપલાવી લઇ આપઘાત કરી લેતા અરેરાટી છવાઇ જવા પામી હતી. મૃતકના કબજામાંથી તેના માતાને સંબોધન કરતી સ્યુસાઇટ નોટ મળી આવી હતી જેમાં બિમારીથી કંટાળી જીવન ટુંકાવી રહ્યાનું તેઓએ જણાવ્યું હતું. દરમિયાન પોલીસે મૃતકનો કબજો સંભાળી આગળની તપાસ હાથ ધરી હતી.
બનાવની જાણવા મળતી વિગતો અનુસાર રાજુલાના ઇતડીયા રોડ પર રહેતા અને દાતરડી હાઇસ્કૂલના નિવૃત્ત પ્રિન્સીપાલ અરૂણભાઇ મનુભાઇ મહેતા (ઉ.વ.૬૨) છેલ્લા પાંચ વર્ષથી કેન્સરની બિમારીથી પીડાતા હોય જેનાથી કંટાળી જઇ ગઇકાલે બપોરના અરસા દરમિયાન પોતાના ઘરેથી નિકળી ગયા હતાં. સાંજ સુધી ઘરે પરત ન ફરતા તેઓના ભાઇઓ સહિતના પરિવારે ભારે શોધખોળ હાથ ધરી પોલીસને વાકેફ કરતા નિવૃત્ત પ્રિન્સીપાલના મોબાઇલ લોકેશનની તપાસ કરતા ધાતરવાડી ડેમ જણાતા પરિવારજનો અને પોલીસે ધાતરવાડી ડેમ-૧ પહોંચી તપાસ કરતા તેઓનું સ્કુટર, મોબાઇલ મળી આવ્યા હતાં. જ્યારે ડેમમાંથી તેઓનો મૃતદેહ મળી આવતા ભારે અરેરાટી છવાઇ જવા પામી હતી.
મૃતકના કબજામાંથી સ્યુસાઇટ નોટ મળી આવી હતી જેમાં તેના માતાને સંબોધીને હું સખ્ત બિમારીથી કંટાળી ગયો છું મને માફ કરજો હું મારૂ જીવન ટુંકાવું છું તેમ સંબોધ્યું હતું. ઉક્ત બનાવના પગલે રાજુલા બ્રહ્મ સમાજ અને સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી હતી. જ્યારે રાજુલા પોલીસે દોડી જઇ તેઓના મૃતદેહનો કબજો સંભાળી પી.એમ. અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી અકસ્માત મોત સંદર્ભે કેસકાગળ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.