રાજકોટનો લોકમેળો નહીં યોજાય, સત્તાવાર નિર્ણયમાં તંત્ર કરે છે ઢીલ
- અષાઢી બીજ રથયાત્રા જેવું નહીં કરી સાંસ્કૃતિક લોકમેળાના નિર્ણય તંત્રએ વહેલા લેવાની જરૂર
- સાતમ આઠમના મેળાને પચીસ દિવસની વાર છતાં નિર્ણય બાકી!
રાજકોટ, તા. ૧૫ જુલાઈ, ૨૦૨૦, બુધવાર
રાજકોટનો પ્રસિધ્ધ રેસકોર્સનો લોકમેળો કે જેમાં દર વર્ષે પંદર લાખ જેટલા લોકો હૈયે હૈયુ દળાય એટલી ભીડમાં હોંશે હોંશે ઉમટતા હોય છે તેનું આયોજન આ વર્ષે નહીં થાય તેવા નિર્દેશો મળ્યા છે. કોરોના જે રીતે ચરમસીમા પર પહોંચી રહ્યો છે તે જોતા પણ તે સંભવ નથી. આ મેળાનું આયોજન કરતા રાજકોટ કલેક્ટ તંત્ર દ્વારા આ વર્ષે તેની તૈયારી કરાઈ નથી અને લોકમેળો રદ થવાનું નક્કી મનાય છે પરંતુ, આમ છતાં સરકારી તંત્ર સત્તાવાર નિર્ણય જાહેર કરવામાં ઢીલ કરી રહ્યું છે. માત્ર રાજકોટ નહીં, સૌરાષ્ટ્રમાં અન્ય સ્થળોએ શ્રાવણ માસમાં સેંકડો મેળાઓ થતા હોય છે જે અંગહજારો વેપારીઓએ અગાઉથી તૈયારી કરવાની હોય છે.
આગામી તા.૧૦ ઓગષ્ટે રાંધણછઠ સાથે મોટાભાગના લોકમેળાઓ શરુ થતા હોય છે. આમ, માત્ર પચીસ દિવસનો સમય બાકી છે. આ સમયમાં વહીવટીતંત્રએ અથવા મેળા આયોજકોએ લોકમેળાની તૈયારીઓ કરવાની હોય છે, વેપારીઓએ માલના ઓર્ડર આપવાના હોય છે. આ મુદ્દે રાજકોટ વહીવટીતંત્રનો સંપર્ક સાધતા હજુ સુધી મેળા અંગે નિર્ણય નહીં લેવાયાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે અષાઢી બીજની રથયાત્રા મુદ્દે છેલ્લી ઘડી સુધી લોકોમાં અવઢવ રહી હતી ત્યારે લોકમેળા મુદ્દે સરકારી તંત્ર પહેલેથી જ નિર્ણાયક બનીને લોકોને નિર્ણયની જાણકારી આપે તે જરૂરી છે.
બીજી તરફ, કોરોનાની સ્થિતિ જોઈ તો પચીસ દિવસમાં કોરોના કાબુમાં આવી જાય તેવા કોઈ પણ પ્રકારના નિર્દેશ મળતા નથી, ઉલ્ટુ કોરોના મહામારી વધુ ગંભીર રૂપ ધરે તેવા સંકેતો મળી રહ્યા છે. અગાઉ અઢી-ત્રણ માસમાં જેટલા કેસ નથી થયા એટલા ગત પખવાડિયામાં થવા લાગ્યા છે અને મૃત્યુ આંક પણ વધી રહ્યો છે. વળી, જ્યારે મેળાની સીઝન આવે છે ત્યારે, શ્રાવણ માસમાં આમેય વરસાદી માહૌલ હોય છે ત્યારે વાયરસનું જોર પણ વધારે રહેતું હોય છે.
માત્ર લોકમેળા નહીં પણ ત્યારબાદ અન્ય તહેવારો અને આ વખતે અધિક માસને કારણે નવરાત્રિ એક મહિનો મોડી આવતી હોવા છતાં ત્યારે પણ દાંડીયારાસના આયોજનો સામે પ્રશ્નાર્થ છે. એકંદરે કોરોના મહામારી કાળમાં ઉજવણી અને ભક્તિ લોકોએ ઘરમાં પરિવાર સાથે જ કરવી પડે તેવી સ્થિતિ હાલ જણાય છે.