રાજકોટ દીવ બસના ડ્રાઈવર કંડક્ટર પર હોટલ કર્મચારીઓનો હુમલો
જેતલસર નજીકની હાઈવે હોટલમાં બનેલો બનાવ
ટેન્ડરની જોગવાઈ મુજબ રૃા.૨૪૦ની કંડકટરે માગણી કરી પણ નનૈયો ભણી દેતા ઉગ્ર બોલાચાલી બાદ હાથાપાઈ જતાં વીડિયો વાયરલ
જેતપુર: રાજકોટ દીવ રૃટની બસના ડ્રાઈવર કંડકટર સાથે જેતલસર હાઈવે પરની એક હોટલના કર્મચારીઓએ નાણાકીય બાબતે ઝઘડો કરી હાથાપાઈ કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આ ઘટના કોઈ મુસાફરે વીડિયો બનાવીને વાયરલ કરી દીધો હતો.
બનાવની
વધુ વિગત મુજબ જેતલસર નજીક હાઈવે પર આવેલી સોરઠ હોટલ પર દીવ રાજકોટ બસના ડ્રાઈવર
કંડકટરે હોલ્ટ લઈ બસને રોકી હતી. બધા મુસાફરોએ ત્યાં ચા નાસ્તો કર્યો હતો. અ પછી
એસ.ટીના ટેન્ડરની શરત મુજબ કંડકટરે રૃા.૨૪૦ની માગણી કરતા હાજર કર્મચારીઓએ આ નાણા
આપવાની ના પાડી દેતા રકઝક થઈ હતી. અને મામલો ઉગ્ર બન્યા બાદ બન્ને પક્ષે મારામારી
થઈ હતી. આ હાથાપાઈ દરમિયાન કોઈએ વીડિયો ઉતારી લઈ વાયરલ કરી દીધો હતો. આ બનાવ બાબતે
હોટલ સંચાલક ધસી આવ્યો હતો અને એણે પણ હાથાપાઈ કર્યાનો આક્ષેપ થયો છે.
આ બનાવ બાદ ડ્રાઈવર અને કંડકટરે જુનાગઢ સિવિલમાં સારવાર માટે દાખલ થયા હતા. અને આખો મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસ નિવેદન લેવા દોડી ગઈ છે. જો કે હજુ સુધી આ બાબતે અધિકૃત ફરિયાદ નોંધાઈ નથી.