હવે કોરોના યાદ આવ્યો: રાજકોટની શનિવારી બજારમાં મનપાના દરોડા, નવ દુકાનો સીલ કરાઈ
રાજકોટ, તા. 21 નવેમ્બર 2020, શનિવાર
રાજકોટમાં દિવાળી પછી કોરોના સંક્રમણ વધી જતા અંતે મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જ્યાં ભીડ થાય છે ત્યાં કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
આજે સતત બીજા દિવસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાજકોટમાં જ્યાં દર વખતે ભીડ જામતી હોય છે તે શનિવારી બજાર પર કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને પોલીસે લાકડી વીંઝીને ટોળાઓને છૂટા કર્યા હતા અને ડિસ્ટન્સનું પાલન કરાયું હતું
બીજી તરફ પાલિકાની વિવિધ ટીમો દ્વારા શહેરમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જે અન્વયે આજે વધુ પડતા લોકો જમા થયા હતા તે 9 દુકાન તથા હોટલને સીલ કરવામાં આવી છે.
હવે સીલ થતી આ તમામ દુકાનો સાત દિવસ પછી ખોલી શકાશે તેમ મહાપાલિકાએ જણાવ્યું છે. આ ઉપરાંત મહાપાલિકા દ્વારા ગરીબ લોકો પાસેથી માસ્કનો દંડ વસૂલ્યોને બદલે માસ્કનું વિના મૂલ્ય વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
રાજકોટમાં કોરોના કેસનો પોઝિટિવિટી રેટ વધ્યો છે તેમજ ડિસ્ચાર્જનો રેટ પણ બે ટકા ઘટ્યો છે. હોસ્પિટલમાં દિવાળી પછી વધુ બસો લોકો એડમિટ થતાં સારવાર લેતા લોકોની સંખ્યા 400 હતી તે હવે 700 નજીક પહોંચી છે