રાજકોટ સેન્ટ્રલ જેલ હાઉસફુલ, ક્ષમતા કરતા 500 કેદીઓ વધુ
- બીજી જેલ માટે જમીન ફાળવવા કલેક્ટરને દરખાસ્ત
- સૌરાષ્ટ્ર-કચ્છમાં બે કરતા વધુ વર્ષની સજા પામેલા કેદીઓ મોકલવામાં આવતા હોવાથી ઓવરક્રાઉડની સમસ્યા
રાજકોટ
સૌરાષ્ટ્રની એક માત્ર રાજકોટ સેન્ટ્રલ જેલ હાઉસ ફુલ થઈ ગઈ છે. હાલ જેલમાં ક્ષમતા કરતા અંદાજે પ૦૦ કેદીઓ વધુ છે. જેને કારણે હવે બીજી જેલ શરૂ કરવાની જરૂરીયાત ઉભી થઈ છે. આ માટે જેલ સતાવાળાઓએ કલેકટર પાસે જમીનની માંગણી કરી છે.
ર૦૧૧-૧ર ની સાલમાં રાજકોટ જિલ્લા જેલને અપગ્રેડ થઈ સેન્ટ્રલ જેલમાં તબદીલ કરવામાં આવી હતી. સેન્ટ્રલ જેલમાં ૧ર૩૦ કેદીઓની ક્ષમતા હતી, જેની સામે હાલમાં ૧૭૬૦ કેદીઓ છે. જે ક્ષમતા કરતા અંદાજે પ૦૦ વધુ છે.
જેલ વર્તુળોના જણાવ્યા પ્રમાણે રાજકોટ સેન્ટ્રલ જેલ અત્યારથી નહી છેલ્લા બે કરતા વધુ વર્ષથી ઓવરક્રાઉડેડ છે,જેનું કારણ છે કે સૌરાષ્ટ્ર-કચ્છમાં બે વર્ષથી વધુ સજા પામેલા કેદીઓને અહીં મોકલવામાં આવે છે. આ ઉપરાંત ગુજસીટોક, લેન્ડ ગ્રેબીંગ જેવા નવા ઉપરાંત પાસા જેવા જુના કાયદાઓને કારણે પણ જેલ ઓવરક્રાઉડેડ થઈ ગઈ છે. વધતી જતી ગુનાખોરી પણ જેલ ઓવરક્રાઉડેડ થઈ ગયા પાછળનુ એક કારણ છે.
પરિણામે હવે કલેકટર પાસે બીજી જેલ બનાવવા માટે જમીનની માંગણી જેલ સતાવાળાઓ દ્વારા કરવામાં આવી છે. ટુંક સમયમાં જો આ બાબતે નિર્ણય લેવાશે તો શહેરમાં બીજી જેલનું નિર્માણ કાર્ય શરૂ કરાશે.
ઉલ્લેખનીય છે કે એક સમયે અવાર-નવાર મળતા મોબાઈલને કારણે રાજકોટ જેલ સમગ્ર રાજયમાં બદનામ જેલની વ્યાખ્યામાં સમાવિષ્ટ થઈ ગઈ હતી.