Get The App

સોમનાથ, ગીર, ધોરાજી, અમરેલી, દિવ, ઉના, જુનાગઢમાં માવઠાં

- ઋતુની રીત નિરાળીઃ ઠંડી,ગરમી,ભૂકંપ સાથે સૌરાષ્ટ્રમાં વરસાદ

- માણાવદર, વંથલી વગેરે સ્થળોએ પણ વરસાદઃ આજે સુરત, ભરુચ, અમરેલી, ભાવનગર વિસ્તારમાં માવઠાંની આગાહી

Updated: Dec 10th, 2020

GS TEAM


Google News
Google News

- વાદળોના પગલે અમરેલી, સુરત, દ્વારકા, ઓખા, દિવ, વેરાવળમાં પારો ૨૦ સે.પાર

- રાજકોટ,અમદાવાદ,વડોદરા સહિત સ્થળે ૧૭ સે.તાપમાને સવારે ગુલાબી ઠંડી અનુભવાઈ

- કમોસમી માવઠાંથી કપાસ અને જીરુના ઉભા પાકને નુક્શાન થવાની થઈ ચિંતા 

- શનિવાર-રવિવારથી રવિપ્રકાશિત દિવસો સાથે ફરી ઠંડીનો દૌર

સોમનાથ, ગીર, ધોરાજી, અમરેલી, દિવ, ઉના, જુનાગઢમાં માવઠાં 1 - image

રાજકોટ,તા.11 ડિસેમ્બર 2020,ગુરુવાર

સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં પૂર્વાનુમાન મૂજબ આજે  કમોસમના વાદળો  છવાયા હતા અને ગીર સોમનાથ, રાજકોટ જિલ્લાના ધોરાજી તથા ગીર ગઢડા સહિત સોમનાથ, ગીર, જુનાગઢ,  દિવ સહિત વિસ્તારમાં  વરસાદી  ઝાપટાં વરસ્યા હતા. ભાવનગરમાં પણ માવઠું વરસ્યાના અહેવાલો છે. હવામાન ખાતા અનુસાર શનિવારથી હવામાન સુકુ થશે અર્થાત્ બીનમૌસમના વાદળો વિખેરાઈ જશે અને બે દિવસ બાદ તાપમાન ૩-૪ સે.સુધી ઘટવાની શક્યતા છે.

ગીર ગઢડા સહિત ગીર વિસ્તારમાં અને ધોરાજીમાં હવામાનમાં પલટા સાથે કમોસમી વરસાદ વરસતા ખેતીવાડીને નુક્શાનની  ચિંતા ખેડૂતોમાં સર્જાઈ છે. તો પર્યટન સ્થળ દિવમાં ૮ મિ.મિ.વરસાદ નોંધાયો છે અને માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. ગીર સોમનાથ જિલ્લામાં પણ હવમાનમાં પલટા સાથે સૂત્રાપાડા, કોડીનાર, ઉના, વગેર ેવિસ્તારમાં માવઠું વરસતા ખેડૂતોને પાક બગડવાની ચિંતા જાગી હતી. તો માણાવદરમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો અને સાંજ પછી જ્યાં જ્યાં વરસાદ વરસ્યો ત્યાં તીવ્ર ટાઢનો અનુભવ થયો હતો.  જુનાગઢ જિલ્લામાં મોડી સાંજે વરસાદી ઝાપટું વરસતા માર્ગો ભીંજાયા હતા તો વંથલીમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. 

અમરેલી જિલ્લામાં વિક્ટર બંદર, પીપાવાવ બંદર, જાફરાબાદબંદરે ભારે પવનની અસર જોવા મળી હતી. આ સાથે પીપાવાવ, છતડીયા, કડીયાળી, ટીંબી, વેરાઈ સહિતના ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.  તેજ રીતે ઉના, ગીરગઢડા, નવા બંદર, સૈયદ રાજપરા સહિતના ગામોમાં પણ ૩૦ મીનીટ સુધી માવઠું વરસ્યું હતું.

આવતીકાલ તા.૧૧ના સુરત, ભરુચ, ભાવનગર અને અમરેલી પંથકમાં છૂટાછવાયા સ્થળે કમોસમી માવઠાં વરસવાની આગાહી થઈ છે અને તા.૧૨થી હવામાન સુકુ રહેવાની અર્થાત્ વાદળો વિખેરાઈ જવાની અને તેની સાથે જ ઠંડીમાં વધારો થવાની આગાહી કરાઈ છે.

આજે રાજ્યમાં સવારના સમયે ગુલાબી ઠંડી રહી હતી, વાદળોના પગલે તાપમાન ઉંચકાયું હતું અને સુરત ૨૩.૪, અમરેલી અને દ્વારકા ૨૦, વેરાવળ, દિવ અને ઓખામાં ૨૨ સે. એમ પારો ૨૦ સે.ઉપર પહોંચ્યો હતો તો રાજકોટ ૧૭,અમદાવાદ ૧૭.૫, વડોદરા ૧૬.૮ સાથે મોટાભાગના સ્થળોએ ૧૭-૧૮ સે.તાપમાને સવારે ગુલાબી હળવી ઠંડી અને બપોરે થોડી ગરમી અનુભવાઈ  હતી. 

એક તરફ મહામારીનું સંક્રમણ વધી રહ્યું છે, મેલેરિયા-ડેંગ્યુના કેસો સાથે મચ્છરજન્ય રોગચાળો અને મિશ્રઋતુના કારણે વાયરલ  રોગચાળો પણ વધ્યો છે, તો તલાલા સહિત સૌરાષ્ટ્રમાં આજે પણ ભૂકંપના આંચકા આવ્યા છે, થોડા સમય પહેલા તીવ્ર ઠંડી અને હવે ડબલ ઋતુ છે અને તેમાં હવે વાદળિયુ વરસાદી હવામાન ઉમેરાયું છે. 

Tags :