Get The App

શ્રાવણ વરસે: ભાયાવદરમાં ચાર, રાણાવાવમાં ત્રણ ઇંચ

ક્યાંક માત્ર સરવડાં તો ક્યાંક મુશળધાર વરસાદ

- ખંભાળિયામાં અઢી, ભાણવડ, દ્વારકા અને જામજોધપુરમાં બે, ગોંડલ, ઉપલેટા, જામકંડોરણા અને કાલાવડમાં દોઢ ઈંચ મેઘમહેર

Updated: Jul 25th, 2020

GS TEAM

Google News
Google News
શ્રાવણ વરસે: ભાયાવદરમાં ચાર, રાણાવાવમાં ત્રણ ઇંચ 1 - image


રાજકોટ, તા. 25 જુલાઈ, 2020 શનિવાર

સૌરાષ્ટ્રમાં આજે પણ ક્યાંક માત્ર શ્રાવણી સરવડા વરસ્યા હતા તો ત્યાંક મુસળધાર વરસાદ પડયો હતો. સૌથી વધુ ભાયાવદરમાં ચાર ઈંચ અને રાણાવાવમાં ત્રણ ઇંચ વરસાદ નોંધપાત્ર રહ્યો હતો. જો કે, ખંભાળિયા સહિત અન્ય ૧૨ જેટલા તાલુકા મથકોએ પણ આજે એકથી અઢી ઇંચ મેઘમહેર વરસી હતી. લાંબા સમય બાદ અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ પડતા ખેડૂતોને હાંશકારો થયો છે.

રાજકોટ જિલ્લામાં આજે સવારથી મેઘાવી માહોલ વચ્ચે છુટા-છવાયા ઝાપટા વરસવા ચાલુ થયા હતા. ગોંડલમાં આજે દોઢ ઇંચ તથા દેવચડી, બાંદરા, ક્ટોલીયા, શિવરાજગઢ, મોવિયા સહિતનાં ગામોમાં એકથી બે ઈંચ મેઘકૃપા વરસી હતી. ઉપલેટામાં દોઢ ઇંચ વરસાદ પડયો હતો, પણ ભાયાવદર સહિતના ગામોમાં મુશળધાર ચાર ઇંચ જેવા વરસાદથી જળબંબાકાર સર્જાયો હતો. આ સાથે જામકંડોરણામાં દોઢ ઇંચ અને ધોરાજીમાં અડધો ઇંચ વરસાદ પડયો હતો.

પોરબંદર જિલ્લામાં આજે છૂટા-છવાયા ઝાપટા વચ્ચે રાણાવાવમાં સવારે ચાર કલાકમાં ત્રણ ઇંચ વરસાદ તૂટી પડતા સ્થળ ત્યાં જળની સ્થિતિ જોવા મળી હતી. મોરબી જિલ્લામાં આજે વાંકાનેર અને ટંકારામાં અડધો ઇંચ વરસાદ પડયો હતો. ટંકારાના લજાઈ ગામે એક કલાકમાં મુશલધાર બે ઇંચ વરસાદ વરસ્યો હતો.

જૂનાગઢ જિલ્લામાં માણાવદર, જૂનાગઢ અને વંથલીમાં દિવસ દરમિયાન અડધા ઇંચ જેવા વરસાદથી માર્ગો ભીના થયા હતા. જ્યારે ગીર સોમનાથ જિલ્લામાં આજે કોડીનારમાં એક ઇંચ, ઉના અને ડોળાસામાં અડધોઇંચ મેઘ મહેર થી હતી. ઉનાના ગ્રામ્ય વિસ્તારોમાં બે ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. ભાવનગર અને બોટાદ જિલ્લામાં પણ આજે હળવાભારે ઝાપટા વચ્ચે મહુવામાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો. અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લામાં છુટા-છવાયા ઝાપટા પડયા હતા. જાફરાબાદમાં એક ઈંચ તથા બોટાદ અને થાનગઢમાં અડધો ઈંચ વરસાદ નોધાયો હતો. 

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથકમાં મેઘરાજા ફરી મહેરબાન થયા છે. છેલ્લા દિવસોમાં શ્રાવણી સરવડા વચ્ચે આજે શનિવારે મેઘરાજાએ નોંધપાત્ર વહાલ વરસાવ્યું છે. આજે સવારથી સર્જાયેલા ઘટાટોપ વરસાદી વાતાવરણ વચ્ચે બપોરે ગાજવીજ સાથે બે થી ચાર દરમિયાન એક ઈંચ જેટલું પાણી વરસી ગયું હતું. આ મેઘ મહેર અવિરત ચાલુ રહેતા સાંજે ૬ વાગ્યા સુધીમાં ૬૧ મીલીમીટર (અઢી ઇંચ) પાણી વરસી ગયું હતું. આ સાથે મોસમનો કુલ વરસાદ ૧૪૩૨ મી.મી. નોંધાયો છે.

આજના નોંધપાત્ર વરસાદના પગલે માર્ગો પર પાણી ચાલી નીકળ્યા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આ સાથે તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ પાકને ફાયદારૂપ એકથી દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. દેવભૂમિ દ્વારકા તાલુકામાં આજે દિવસ દરમિયાન ભારે ભારે ઝાપટા રૂપે ૪૬ મી.મી. પાણી વરસી ગયું હતું. આ સાથે મોસમનો કુલ વરસાદ ૭૮૪ મી.મી. નોંધાયો છે. આ રીતે ભાણવડમાં પણ સવા બે ઈંચ ૫૬ મી.મી. સાથે મોસમનો કુલ વરસાદ ૮૫૦ મી.મી. સુધી પહોંચ્યો છે.જ્યારે કલ્યાણપુર તાલુકામાં માત્ર હળવા ઝાપટા વરસ્યા હતા.

જામનગર શહેર અને જિલ્લામાં આજે હવામાનમાં પલટો આવ્યા પછી ફરીથી મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. કાળઝાળ ગરમી પછી ફરીથી વરસાદ શરૂ થઇ જતા ગરમીમાં રાહત જોવા મળી છે. જામનગર શહેર માં આજે બપોરે ત્રણ વાગ્યાના અરસામાં તોફાની વરસાદ શરૂ થયો હતો, અને અડધા કલાકના સમયગાળામાં અડધો ઇંચ પાણી પડી ગયું હતું. ત્યાર પછી સાંજે છ વાગ્યે ફરીથી વરસાદ શરૂ થયો હતો, અને ફૂલ એક ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. તોફાની વરસાદના કારણે શહેરના કેટલાક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.  

જામનગર શહેર ઉપરાંત કાલાવડ પંથકમાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી. બપોરે ચાર વાગ્યા થી ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. અને બે કલાકના સમયગાળા દરમિયાન દોઢ ઇંચ વરસાદ પડી ગયો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. તે જ રીતે જામજોધપુરમાં પણ ચાર વાગ્યાથી છ વાગ્યા સુધી ના બે કલાકના સમયગાળા દરમિયાન બે ઈચ વરસાદ વરસી ગયો છે. ઉપરાંત લાલપુરમાં એક ઇંચ જ્યારે જોડીયામાં અડધો જ વરસાદ પડયો છે. સડોદર ગામે ૧૨ દિવસના વિારમ બાદ આજે અઢી ઇંચ વરસાદથી આનંદ છવાયો હતો. જામનગર જિલ્લામાં મેઘરાજાના આગમનથી ખેતીવાડીના ઉભા પાકને જીવતદાન મળ્યું છે. જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Tags :