વગદાર ડોકટરોને ર્વિદ્યાનગર રોડ ઉપર કોવિદ કેર સેન્ટરોની લ્હાણી
- ત્રણ હોસ્પિટલને એક જ રોડ પર મંજૂરી અપાતા વિરોધ વંટોળ
- ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓ માટે પુરતી સુવિધાનો અભાવ
જનઆરોગ્ય માટે જોખમી સેન્ટરોથી સર્જાતી સમસ્યા
રાજકોટ, તા. 19 જુલાઈ, 2020, રવિવાર
રાજકોટના હાર્દસમા વિસ્તાર એવા વિદ્યાનગર રોડ પર કોવિદ-૧૯ની સારવાર માટે ત્રણ હોસ્પિટલને મંજૂરી આપી તંત્રએ આ વિસ્તારના રહેવાસીઓના આરોગ્ય સાથે ચેડા કરવાનો ગંભીર નિર્ણય લીધો હોય આ નિર્ણય તાત્કાલિક રદ કરવા મનહર પ્લોટ તેમજ વિદ્યાનગર મેઇન રોડના રહેણાંકવાસીઓની માંગ ઉઠી છે.
,રાષ્ટ્રીય શાળા રોડ સ્થિત ડો. ડોબરીયાની ઉદય હોસ્પિટલમાં ગોકુલ હોસ્પિટલ ગુ્રપને કોવિડ - ૧૯ કેર સેન્ટર શરૂ કરવાની મંજુરી આસપાસનાં લોકોના અભિપ્રાય કે જાણ વિના આંધળુકિયા અવિચારી પણે આપવામાં આવેલ હોય, વિસ્તારના રહેવાસીઓ દુકાન ધારકોમાં ચિંતા અને ફફડાટ વ્યાપી રહ્યો છે અને અપાયેલ મંજુરી તાકીદે રદ કરવાની લાગણી - માંગણી વ્યાપી રહી છે. જેથી રાજકોટના જવાબદાર ભારતીય સામ્યવાદી પક્ષ દ્વારા અપાયેલ મંજુરી રદ કરવા માગણી કરવામાં આવી છે.
વિદ્યાનગર મેઇન રોડ સ્થિત ૫, મનહર પ્લોટના કોર્નર ઉપર આવેલ ડોકટર વસાણીની કર્મયોગ હોસ્પિટલને કોવિડ-૧૯ કેર સેન્ટરની મંજુરી આપવી બિલકુલ હિતાવહ નથી. કારણ કે કોરોનાની ટ્રીટમેન્ટ આપનાર નિષ્ણાંત ડોકટરો - નર્સિંગ સ્ટાફ તથા તબીબી સુવિધા ઓકસીઝન, વેન્ટીલેટર, ડાયાલિસીસ તથા આઇસીયુ, હવા ઉજાસલક્ષી ક્રોસ વેન્ટીલર (બારીઓ) જેવી સવલતોનો અભાવ હોય, તથા જાહેર રોડ તથા શેરીના કોર્નર પર હોસ્પિટલ હોય ડોકટર - નર્સિંગ સ્ટાફ તથા અન્ય સ્ટાફના વાહનો પાર્કિંગની વ્યવસ્થા નથી.
ભાજપના પૂર્વ સાંસદ વલ્લભ કથીરિયાની શ્રેયસ હોસ્પટલ તો વિદ્યાનગર મેઇન રોડ સ્થિત ખાદી ભવન તથા દુકાનો ઉપર પ્રથમ માળે આવેલ છે. હોસ્પિટલનો સીડી માર્ગ ચાર - પાંચ ફુટ પહોળો માંડ છે. ત્રણ ચાર ફુટ પહોળા રવેશમાં હાર બંધ રૂમો છે. વેન્ટીલેટર આઇ.સી.યુ. ડાયાલિસીસ ઓકસીઝન વેઇટીંગ રૂમ, કેન્ટીન હવા ઉજાસના ક્રોસ વેન્ટીલેટર (બારીઓ) કોરોનાની ટ્રીટમેન્ટ આપનાર નિષ્ણાંત ડોકટરો - નર્સિંગ સ્ટાફ પુરતો ન હોય કોવિડ - ૧૯ કેર સેન્ટરની પરવાનગી રદ કરવી જોઇએ.
વિશેષમાં શહેરના વિદ્યાનગર મેઇન રોડ - મનહર પ્લોટ વિસ્તારમાં જ્યારથી પ્રથમ ગોકુલ હોસ્પિટલની મંજુરી અપાયેલ છે. ત્યારથી શિરોવેદના સમાન ટ્રાફીક - સમસ્યા વારંવાર સર્જાય છે. હોસ્પિટલના પેશન્ટ વાહન પાર્કિંગ કરાવાય છે. છતાં પોલીસ કે મ્યુ. કોર્પો. દ્વારા શાસકોની મીઠી હુંફ તળે આજ દિવસ સુધી વાહન ટ્રોઇંગ કરવાના કાનૂની શિક્ષાત્મક પગલાં હોસ્પિટલ સામે લેવાયા નથી. લોકોને કાયમ પરેશાની ભોગવવી પડે છે.