Get The App

સૌરાષ્ટ્રમાં નોટરીઝ એમેન્ડમેન્ટ બિલ સામે નોટરીઝમાં ભભૂકતો વિરોધ

- લાયસન્સની મુદ્દત માત્ર પંદર વર્ષ કરાશે તો અનેકની રોજી છીનવાશે

Updated: Dec 14th, 2021

GS TEAM

Google News
Google News
સૌરાષ્ટ્રમાં નોટરીઝ એમેન્ડમેન્ટ બિલ સામે નોટરીઝમાં ભભૂકતો વિરોધ 1 - image


- વકીલાત છોડીને આ વ્યવસાયમાં આવનારાઓને પછીથી મોટી વયે ક્લાયન્ટ્સ મળવા પણ મુશ્કેલ 

- રાજકોટ-ગોંડલમાં આવેદન અપાયા, પોરબંદરમાં નોટરીઓ કામકાજથી અળગા રહ્યા, મોરબીમાં પણ લડત આપવા ઘડાતું આયોજન

રાજકોટ

કેન્દ્ર સરકારે નોટરીઝ એમેન્ડમેન્ટ બિલ લાવીને તેનાં અમલ બાબતે વાંધા- સૂચનો મગાવ્યા છે ત્યારે સૌરાષ્ટ્રભરમાં આ સુધારા વિધેયક સામે ભારે વિરોધ ઊભો થયો છે. આજે રાજકોટ, મોરબી, ગોંડલ, પોરબંદર ખાતે નોટરીઓનાં સંગઠનો દ્વારા આ મામલે  વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને સુધારા વિધેયકની વાંધાજનક જોગવાઈઓ પડતી મૂકવા માગણી ઉઠાવવામાં આવી રહી છે.

એક તો વકીલ તરીકેની ૧૦ વર્ષની પ્રેક્ટિસ બાદ નોટરી તરીકેનું લાયસન્સ મળે છે, અને આ વ્યવસાય કરવા માટે વકીલાતની પ્રેક્ટિસ છોડી દેવી પડે છે કેમ કે બંને એકસાથે શક્ય નથી. હવે સરકારે નોટરી તરીકેનાં લાયસન્સની અવધિ રીન્યુઅલ સહિત મહત્તમ ૧૫ વર્ષની કરવા ધારી છે ત્યારે રાજકોટ નોટરી એસોસીએશને આ મામલે વડાપ્રધાન, કેન્દ્રીય કાયદા મંત્રી વગેરેને લેખિત રજૂઆતો મોકલીને તથા ડ્રાફ્ટ સામે ઓનલાઈન સૂચનો પણ રજૂ કરીને જણાવ્યું છે કે જો આમ કરવામાં આવશે તો અનેક નોટરીઝનાં ભરણપોષણનો પ્રશ્ન થઈ પડશે. મોટી ઉમરે હાથ- પગ પૂરતાં ચાલતા ન હોય ત્યારે તેમને વકીલ તરીકે  ક્લાયન્ટ મળવા પણ મુશ્કેલ બનશે. નવા વકીલોને નોટરી તરીકે કામ મળે એવા કહેવાતા ઉદ્દેશ સાથેનાં આ સુધારાને ગુજરાત નોટરી ફેડરેશને પણ તર્કહીન ગણાવીને વિરોધ નોંધાવતું આવેદન કલેક્ટર મારફત સરકારને મોકલ્યું છે.

મોરબીમાં નોટરી એસો. દ્વારા આ મામલે વિરોધ નોંધાવવા ઉપરાંત નોટરીઓનાં અભિપ્રાય- સૂચનો માગવામાં આવ્યા છે તથા લડત આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગોંડલ નોટરી એસો. દ્વારા આજે રાષ્ટ્રપતિ- વડાપ્રધાન, કાયદામંત્રીને સંબોધીને નાયબ કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું.

પોરબંદરમાં આજે કામકાજથી અળગા રહીને નોટરી એસો. દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું તથા કથિત સુધારાઓથી આવી પડનારી તકલીફોનું વર્ણન કરી અમુક મુદ્દા સદંતર પડતા મુકવા સહિત રજૂઆતો કરવામાં આવી હતી.

પોરબંદર નોટરી એસો.ની વિવિધ મુદ્દે રજૂઆતો...

* સુધારાનો અમલ માત્ર નવી નિમણુંકો પૂરતો કરવામાં આવે. *   નોટરી બનવાની લાયકાત હાલનાં ૧૦ વર્ષને બદલે ૫ વર્ષ કરવામાં આવે. * ૧૫ વર્ષ નહીં બલ્કે ૩૦ વર્ષનો નિયમ રાખવો જરુરી. * હાલ જેમની ઉમર ૪૦ વર્ષ કે વધુ છે તેને લાયસન્સ આજીવન રિન્યુ કરી આપવામાં આવે. * કોઈ પણ નોટરી સામે ફરિયાદ મળે તો તેનું લાયસન્સ સસ્પેન્ડ કરતાં પહેલાં તેને સાંભળવાની તક આપવામાં આવે. * ડિજિટલાઈઝેશનનો પ્રારંભ માત્ર જિલ્લા કક્ષાએથી કરવામાં આવે. * હાલનાં નોટરી ડોક્યુમેન્ટેશનનાં ફીનાં માળખાંમાં સુધારો કરવામાં આવે.

Tags :