પ્રિયા બ્લુ કંપની પાસેથી આઇ.ટી. વિભાગે 10 કરોડની બેનામી સંપતી જપ્ત કરી
- એક માસ પૂર્વે કંપનીના 38 સ્થળો પર સર્ચ હાથ ધરાયું હતું
- ઇન્ડસ્ટ્રીઝે 100 કરોડ રૂપિયાનો નફો હોવા છતા વિવિધ ખર્ચા દર્શાવી ટેક્સ નહોતો ચુકવ્યો
ભાવનગર,31 ડીસેમ્બર 2019 મંગળવાર
ભાવનગર અલંગ સાથે સંકળાયેલ નામી પ્રિયા બ્લુ ઇન્ડસ્ટ્રીઝ પર એક મહિના પહેલા આયકર વિભાગે સઘન ચેકીંગ હાથ ધર્યું હતું અને સંલગ્ન ૩૮ સ્થળો પર તપાસ હાથ ધરી કરોડોની કરચોરી ઝડપી હતી. વધુ તપાસમાં ૬૦ કરોડના બેનામી વ્યવહારો મળી આવ્યા છે. જ્યારે દસ કરોડની બેનામી સંપત્તી આઇ.ટી.એ. ઝપ્ત કરી હોવાનું પણ જાણવા મળ્યું છે.
અલંગની શિપ બ્રેકર્સ કંપની પ્રિયા બ્લુ ઇન્ડસ્ટ્રીઝ પર ૧ મહિના અગાઉ આવકવેરા વિભાગે દરોડા પાાડીને કરોડો રૂપિયાની કરચોરી પકડી પાડી હતી. જેમાં આવકવેરા વિભાગે કંપનીના માલિક સંજય મહેતા અને ગૌરવ મહેતાના ઘર અને કંપનીના ૩૮ સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જે બાદ તપાસના અંતે આજે ૪.૪૦ કરોડ રૂપિયા રોકડ અને ૩.૯૪ કરોડની જ્વેલરી મળી કુલ ૧૦ કરોડ રૂપિયાની બેનામી સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.
આવકવેરા વિભાગની તપાસમાં જાણવા મળ્યું કે, આ કંપનીના માલિકો દ્વારા વિદેશોમાં કંપની બનાવીને ભારત અને હોંગકોંકથી ટેક્સ ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી અપનાવવામાં આવી હતી. પ્રિયા બ્લુ ઇન્ડસ્ટ્રીઝે ૧૦૦ કરોડ રૂપિયાનો નફો હોવા છતા અલગ અલગ ખર્ચા દર્શાવીને ટેક્સ નહતો ચૂકવ્યો.
ઇન્કમેક્સ વિભાગની તપાસમાં કંપનીના ૬૦ કરોડ રૂપિયાના બેનામી વ્યવહારો મળી આવ્યા છે. જેમાં કંપનીએ વિદેશી ફંડમાં જંગી રોકાણ કર્યું હોવાનું સામે આવ્યું છે. હાલ આવેકવેરા વિભાગે કંપનાના ૨૨ લોકરની તપાસ કરીને ૧૦ લોકર સીઝ કર્યા છે અને કંપનાના માલિક વિરૂદ્ધ બ્લેકમની કાયદા હેઠળ કાર્યવાહી કરવા માટે તજવીજ હાથ ધરી છે.