'મહા'ની ઈફેક્ટ: મહુવામાં કમોસમી પોણો ઈંચ વરસાદ
ભાવનગર, તા. 07 નવેમ્બર 2019, ગુરૂવાર
ભાવનગર જિલ્લામાં 'મહા' વાવાઝોડાની ઈફેક્ટથી સતત બીજા દિવસે કમોસમી વરસાદ વરસ્યો હતો. મહુવામાં સવારથી સાંજ સુધીમાં છુટાછવાયો પોણો ઈંચ વરસાદ થયો હતો. તો ભાવનગરમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ રહેતા નગરજનોને શિયાળાના પ્રારંભ જેવી ઠંડીનો અહેસાસ થયો હતો. મહુવાની સાથે તળાજા, ભાવનગર અને પાલિતાણામાં પણ મહાની અસરથી વરસાદની હાજરી નોંધાઈ હતી.
અરબી સમુદ્રમાં ઉદ્ભવેલું મહા વાવાઝોડું આફત બનીને ત્રાટકવાનું હતું. પરંતુ ગુજરાત પરથી મહા ઘાત ટળી હોય તેમ વાવાઝોડાની ગતિ મંદ પડતા તેની અસરના ભાગરૂપે માત્ર વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી હતી. તેના ભાગરૂપે આજે ગુરૂવારે ભાવનગર જિલ્લામાં સવારથી સાંજ સુધી છુટાછવાયા ઝાપટાં વરસ્યા હતા. ખાસ કરીને મહુવા શહેરમાં સવારથી જ વરસાદી માહોલ બંધાતા સવારે 10 થી 12 વચ્ચે 8 મિ.મી., 12 થી 2 અને 2 થી 4 વચ્ચે 3 અને 4 થી 6 વચ્ચે 4 મિ.મી. મળી દિવસ દરમિયાન પોણો ઈંચ જેટલું (18 મિ.મી.) પાણી વરસ્યું હતું.
જ્યારે તળાજામાં પણ સાંજે 4 વાગ્યા બાદ ઝરમર વરસાદ થતા પાંચ મિ.મી. પાણી વરસ્યાના વાવડ મળ્યા છે. તો પાલિતાણા અને ભાવનગરમાં સાંજના ૬ વાગ્યા સુધીમાં એક-એક એમ.એમ. વરસાદ થયાનું ફ્લડ કંટ્રોલ વિભાગમાં નોંધાયું છે. મહા વાવાઝોડાની અસરને કારણે ભાવનગરમાં વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડો પવન ફૂંકાયો હતો. જેના કારણે શિયાળાના પ્રારંભ જેવી ઠંડીનો અહેસાસ થયો હતો.
ઠળિયા પંથકમાં એક ઈંચ વરસાદ
તળાજાના ઠળિયા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે ગુરૂવારે સવારી જ વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ સાંજે એકાએક ગાજવીજ સાથે એક કલાકમાં ધોધમાર એક ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. જેના કારણે નિચાણવાળા વિસ્તારો અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. મહા વાવાઝોડાની અસરથી વરસેલા કમોસમી વરસાદને કારણે મગફળી, કપાસ, ડુંગળી અને ઘાસચારાને નુકશાન થવા પામ્યું હતું. ઓણ સાલ ખેડૂતો માટે લીલા દુષ્કાળ જેવી સ્થિતિનું નિર્માણ થયું હોય, સરકાર દ્વારા પાકવીમો અને અન્ય સહાય આપવામાં આવે તેવી તળાજા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેને માગણી કરી છે.
મહુવામાં 'મહા'નો માર, ખેડૂતો બેહાલ
મહુવા શહેર અને પંથકમાં આજે મુશળધાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે ખેતરમાં ઉભા પાક એવા કપાસને ઘણું નુકશાન થયું છે. મગફળીનું પાનું પણ ખેડૂતોના ખેતરમાં પડયું હોય તેને પણ નુકશાની થવા પામી હતી. મહા વાવાઝોડાના મારે ખેડૂતો બેહાલ કર્યા છે. ત્યારે કારતક મહિનામાં પણ વરસાદ થયો હોય તેવો ઘણાં લાંબા સમય બાદ લોકોને અનુભવ થયો છે. તેની સાથે હવે ચોમાસુ ક્યારે પુરૂ થશે તેવા સવાલો ખેડૂતોમાં સાંભળવા મળી રહ્યા છે. વધુમાં આજે પોણો ઈંચ વરસાદ થતાં મહુવા શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા.