પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોમાં પાયાના પ્રશ્નોથી રહીશો ત્રસ્ત
- ફુલસર આવાસ યોજનાના નબળા બાંધકામ મુદ્દે રજૂઆત
- બે માસ પૂર્વે ફાળવાયેલા મકાનની નબળી ગુણવત્તા, પાણી અને ગટરના પ્રશ્ને રજૂઆત કરવામાં આવી
શહેરના ફુલસરમાં આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજના ફાઈનલ પ્લોટ નં.૧૬માં બે માસ પૂર્વે રહીશોને મકાન ફાળવી દેવામાં આવ્યા હતા. પરંતુ આ મકાનોની ગુણવત્તા અને પાયાના પ્રશ્નોથી અહીંના રહીશોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. આવાસ યોજનામાં ગ્રીન માર્બલનું રસોડું બનાવવામાં આવશે તેવી સરકારની લેખિત બાંહેધરી છતાં આવાસ યોજનાના બધા જ ફ્લેટનું રસોડું કોટાસ્ટોનનું બનાવવામાં આવ્યું છે. ઉપરાંત ફ્લેટના ટોઈલેટ બાથરૂમમાં ૯૦ ટકા લીકેજના પ્રશ્નો છે. આવાસ યોજનાના ત્રણ બ્લોકમાં લીફ્ટ ઈન્સ્ટોલેશન બાકી છે જ્યારે બાકીની લીફ્ટમાં વારંવાર બંધ થઈ જાય છે. પાંચથી છ બ્લોકમાં ફાયર સેફ્ટીના પાણીના ટાંકામાં સંપૂર્ણ લીકેજ છે અને બાંધકામ નબળું હોવાના લીધે ક્યારેક ગંભીર અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. સાથે જ પાણી પણ પુરતા પ્રમાણમાં મળતું નહી હોવાથી રહીશોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. તેમજ અહીં ડ્રેનેજ લાઈનો આડેધડ ફીટ કરી હોવાથી ડ્રેનેજની પાઈપો લીકેજ થઈ રહી છે જે ત્વરિત રિપેઈર થાય તે જરૂરી છે. આમ ફુલસરમાં આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોમાં ઉદ્ભવેલા પાયાના પ્રશ્નોને લઈને સ્થાનિકો દ્વારા મનપા કમિશનર અને આવાસ વિભાગના અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.