Get The App

પાલિતાણા શહેરના વિવિધ માર્ગો પર પ્રથમ વરસાદમાં જ ખાડાઓ પડી ગયા

Updated: Jun 27th, 2023

GS TEAM

Google News
Google News
પાલિતાણા શહેરના વિવિધ માર્ગો પર પ્રથમ વરસાદમાં જ ખાડાઓ પડી ગયા 1 - image


- ગટરના ઢાંકણાની કામગીરી પણ નબળી 

- વાહનચાલકોને પારાવાર મુશ્કેલી, નગરપાલિકાની કામગીરીની પોલ ખુલી જતા લોકોમાં કચવાટ

પાલિતાણા : પાલિતાણા નગરપાલિકા દ્વારા શહેરમાં આવેલા વાહન વ્યવહારથી ધમધમતા વિવિધ માર્ગો પર અગાઉ કામગીરી કરાઈ હતી ત્યાં ચોમાસાના પ્રથમ વરસાદથી જ નાના-મોટા ખાડાઓ પડી ગયા છે. જેના કારણે વાહનચાલકોને તથા રાહદારીઓને અવરજવરમાં પારાવાર હાલાકી વેઠવી પડે છે. 

પાલિતાણા શહેરના ભૈરવપરા વિસ્તારમાં અનેક મેડિકલ સેન્ટરો, હોસ્પિટલ આવેલ હોય સ્વાભાવિકપણે દિવસ દરમિયાન શહેર અને પંથકના લોકોની સતત અવરજવર રહેતી હોય છે. આ માર્ગમાં અગાઉ તંત્રવાહકો દ્વારા લાખો રૂપીયાના ખર્ચે રોડની કામગીરી હાથ ધરાઈ હતી.ત્યાં આગળ ગઈકાલે ચોમાસાની સિઝનના પ્રથમ વરસાદમાં જ ઠેર ઠેર ખાડાઓ પડી જતા તંત્રવાહકોની કામગીરીની પોલ ખુલ્લી જવા પામેલ છે. આ માર્ગના ગટરના ઢાંકણાની કામગીરી પણ નબળી રહેલ છે જે તંત્રની કામગીરીના ધજાગરા ઉડાડી રહી છે. આ ઉપરાંત અત્રેના મેઈન બ્રીઝ પર પણ અડધા અડધા ફૂટના ખાડાઓ, ગાબડાઓ પડી ગયા છે તેને લઈને છાસવારે નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. બાપા સિતારામ સર્કલથી લઈને પેલેસ રોડ, મેઈન બ્રીજ ગારિયાધાર રોડથી લઈને સર્કિટ હાઉસ સુધી રીંગ રોડ અને તળાજા રોડની કામગીરી પણ નબળી થઈ હોય અવારનવાર વાહનો સ્લીપ થઈ રહ્યા છે. અહિં બ્લોકની કામગીરી પણ વ્યવસ્થિત કરાઈ નથી. હજુ તો ભૈરવનાથ સર્કલ થી લઈને બાપા સીતારામ સર્કલ સુધીના રોડ બનાવ્યાને ત્રણ જ મહિના થયા છે ત્યાં આ રોડમાં પણ ખાડા પડવાની શરૂઆત થઈ ગઈ છે. જેથી લોકોમાં રોષ વ્યાપેલ છે. સત્તાધીશો દ્વારા જે જે રોડ પર ખાડાઓ પડી ગયા છે ત્યાં ત્યાં વ્યવસ્થિત કામગીરી કરાય તેવી લોકોમાં માંગ ઉઠવા પામેલ છે. 

Tags :