પોલીસની આબરૂ બચી : લાખોનું ફુલેકું ફેરવનાર દંપતિ અંતે શરણે
- રાજકોટથી ભાગી રાજસ્થાનનાં કોટામાં રહેતા હતા
- આરોપી દંપતિ કહે છે લોન ધારકોએ હાથ ઉંચા કરી દેતાં 'ફસાઈ' જતા ભાગવું પડયું
રાજકોટ, તા. 10 જુલાઈ, 2020, શુક્રવાર
શહેરનાં દૂધસાગર રોડ પર ઓફિસ રાખી કેડીઆર કો.ઓ. સોસાયટી, કેડીઆર મહિલા મિત્ર મંડળ અને કેડીઆર એન્ટરપ્રાઈઝનાં નામે ડેઈલી, માસિક અને ફિકસ ડિપોઝીટની જુદી જુદી સ્કીમો તરતી મૂકી ખાસ કરીને ગરીબ અને શ્રમિક વર્ગનાં સંખ્યાબંધ રોકાણકારોનાં લાખો રૂપિયા ચાઉં કરી પલાયન થઈ ગયેલી કરિશ્મા બુંબીયા (૪૦) અને તેનો પતિ મહમદ અહેમદ ઈસમાઈલ બુંબીયા (૪૫) ગઈકાલે રાત્રે થોરાળા પોલીસમાં સરન્ડર થતાં બંનેના કોરોના ટેસ્ટ પોલીસે કરાવ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ વિધિવત ધરપકડ કરવામાં આવશે.
આરોપી દંપતિની છેલ્લા ઘણાં સમયથી ક્રાઈમ બ્રાંચ અને થોરાળા પોલીસ શોધતી હતી. પરંતુ મોબાઈલ સ્વીચ ઓફ હોવાથી કોઈ લોકેશન મળતું ન હતું. આ સ્થિતિમાં સામેથી પોલીસ સમક્ષ હાજર થઈ આરોપી દંપતિએ પોલીસની આબરૂ બચાવી લીધી હતી.
આરોપી દંપતિ વિરૂધ્ધ થોરાળા પોલીસમાં ૮૩ લોકોનાં ૭૧ લાખ ચાઉં કરી ગયાની ફરિયાદ નોંધાઈ હતી. આ ઉપરાંત બીજા પોલીસ મથકોમાં અરજી કરી હતી. પોલીસે જણાવ્યું કે, આરોપી દંપતિ પ્રાથમિક પુછપરછમાં એમ કહી રહ્યું છે કે તેમણે ૩૦થી લઈ ૫૦ હજારની ૨૫૦થી ૩૦૦ લોકોને લોન આપી હતી. પરંતુ તેમણે હાથ ઉંચા કરી દેતાં તેમનાં દોઢેક કરોડ બ્લોક થઈ જતાં બીજા રોકાણકારોને નાણાં પરત આપી શકે તેમ ન હોવાથી ભાગી ગયા હતાં.
ભાગીને રાજસ્થાનનાં કોટા પહોંચ્યા હતાં. ત્યાં એક ભાડાનાં મકાનમાં રહેતાં હતાં. ત્યાં સતત આપઘાતનાં વિચાર આવતાં હતાં. અઠવાડીયા પહેલા મહમદ અહેમદે કોટા રહેતાં ભાઈ રફીકનો સંપર્ક કરતાં તેણે પોલીસથી ભાગવાને બદલે પરિસ્થિતિનો સામનો કરી સરન્ડર થવાની સલાહ આપતા તેને ત્યાં પોતાની પુત્રી અને બે પુત્રોને રાખી બંને બસમાં કોટાથી રાજકોટ આવી અને સરન્ડર થઈ ગયા હતાં.
આરોપી દંપતિએ જે રીતની પ્રાથમિક માહીતી આપી છે તે જોતા હવે કેટલા ભોગ બનનારાઓને તેમની રકમ પરત મળશે તેવો સવાલ ઉઠયો છે. ઠગાઈ, છેતરપીંડીનાં મોટાભાગનાં કિસ્સાઓમાં આરોપીઓ તો પકડાઈ જાય છે પરંતુ તેમની પાસેથી રકમ પોલીસ વસુલ કરી શકતી ન હોવાથી ભોગ બનનારાઓને ફરિયાદ નોંધાવવાનો સંતોષ લેવા સિવાય કોઈ ફાયદો થતો નથી.