For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પીજીવીસીએલએ 9 દિવસમાં 10.32 કરોડની વસૂલાત કરી

Updated: Mar 18th, 2023

Article Content Image

- માર્ચ એન્ડીંગને કારણે બાકીદાર ગ્રાહકો સામે રિકવરી ડ્રાઈવ તેજ બનાવાઈ

- 60,554 ગ્રાહકો બાકી બીલની રકમ ભરપાઈ કરી, 1336 ગ્રાહકના મીટર સર્વિસ ઉતારી લેવાયા

ભાવનગર : ભાવનગર જિલ્લામાં પીજીવીસીએલ દ્વારા કરોડો રૂપિયાની બાકી બીલની રકમ વસૂલવા માટે રિકવરી ડ્રાઈવને તેજ બનાવી દેવામાં આવી છે. નાણાંકીય વર્ષનો અંતિમ મહિનો હોવાથી વીજ તંત્રની ટીમો રોજેરોજ બાકીદાર ગ્રાહકો પાસેથી નાણાં વસૂલવા મેદાનમાં ઉતરી રહી છે. જેના કારણે છેલ્લા નવ દિવસમાં પીજીવીસીએલએ બાકી બીલના નાણાં પેટે રૂા.૧૦.૩૨ કરોડથી વધુની રકમની વસૂલાત કરી હતી. જ્યારે બીલના નાણાં ભરપાઈ ન કરનાર ગ્રાહકોના મીટર સર્વિસ ઉતારી લઈ વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો.

ભાવનગર પીજીવીસીએલ દ્વારા ગત તા.૧૦-૩થી તા.૧૮-૩ના નવ દિવસ દરમિયાન શહેર-જિલ્લામાં રિકવરી ડ્રાઈવ યોજવામાં આવી હતી. આ નવ દિવસમાં વીજ તંત્રની ૩૬૪૩ ટીમોએ બાકીદાર ગ્રાહકના ઘરે પહોંચી બીલના નાણાંની કડક ઉઘરાપી કરતા ૬૦,૫૫૪ ગ્રાહકોએ તેમના બાકી બીલના ૧૦.૩૨ કરોડ રૂપિયાની સ્થળ પર જ ભરપાઈ કરી આપી હતી. જ્યારે ૬૭.૫૬ લાખની બાકી રકમ ભરપાઈ ન કરનાર ૧૩૩૬ ગ્રાહકના કનેક્શન કાપી નાંખવામાં આવ્યા હતા. વીજ તંત્ર દ્વારા નાણાંકીય વર્ષના અંતિમ દિવસો હોય, ૩૧મી માર્ચ સુધી રોજેરોજ રિકવરી-ડિસ્કનેક્શન ડ્રાઈવ શરૂ રાખવામાં આવશે. જેથી વીજ ગ્રાહકોએ કનેક્શન કટની આકરી કાર્યવાહીથી બચવા માટે પોતાના બાકી બીલના નાણાં ભરપાઈ કરી દેવા તાકીદ કરાઈ છે. વધુમાં રજાના દિવસોમાં પણ બીલના નાણાં સ્વીકારવા કેશ કલેક્શન બારીઓને ખુલ્લી રાખવામાં આવશે તેમ જણાવાયું છે.

Gujarat