શનિવારે પેમેન્ટ કરો, સોમવારે તમને કાયમી ઓર્ડર મળી જશે!
-વ્હોટ્સએપમાં નિમણૂંકનો ઓર્ડર મોકલ્યો હતો
- ફરિયાદી મહિલા અને તેનાં સગાસંબંધીઓ મળી નવ જણાં પોસ્ટમાં નોકરીની લાલચે ૧૯ લાખમાં છેતરાયા હતા
રાજકોટ, તા. 19 જુલાઈ, 2020, રવિવાર
ડાક સેવક ગઠીયા દીપક ભટ્ટ વિરુદ્ધ મવડીનાં પાળ રોડ પર ક્રિસ્ટલ રેસિડેન્સીમાં બ્લોક નંબર સી-૨૦૪માં રહેતા પૂજાબેન ભાલોડીયા(૩૩) એ અરજી કરી હતી. હવે તેને ફરિયાદી બનાવી ક્રાઈમ બ્રાંચે ગુનો દાખલ કર્યો છે. તેણે પોલીસને કહ્યું કે ગઈ તા.૨૭ના રોજ તેની માતાએ તેને કોલ કરી આરોપી વિશે વાત કરી કહ્યું કે તેણે આરોપી સાથે તેને પોસ્ટમાં કાયમી નોકરી અપાવવાની વાત કરી લીધી છે. બદલામાં આરોપીએ દોઢ લાખ માગ્યા છે. તેણે પણ તે વખતે આરોપી સાથે વાત કરતા શનિવારે પેમેન્ટ કરો એટલે સોમવારે કાયમી ઓર્ડર આવી જશે તેમ કહ્યું હતું.
કોઈને પણ ખ્યાલ આવી શકે કે આ રીતે સરકારી નોકરી મળતી નથી. આમ છતાં ફરિયાદી આરોપીની વાતોમાં આવી ગયા હતા અને સાસુ જ્યોત્સનાબેન સાથે જઈ તેને આંગડિયામાં દોઢ લાખ રૂપિયા મોકલી આપ્યા હતા.
તેનાં બીજા દિવસે આરોપીએ ફરિયાદીનાં ઘરે આવી ઊંચી પોસ્ટ અપાવવાની વાત કરી બીજા દોઢ લાખ માગ્યા હતા પરંતુ તેણે ના પાડતા ધો.૧૦ પાસ તેનાં પતિ કિરણ કે જે ફેબ્રીકેશનનું કામ કરે છે તેને પણ તેની સાથે બીપીએલમાં કાયમી ઓર્ડર અપાવી દેવાનું કહી બીજા દોઢ લાખ માગતા તેમાંથી ૭૫ હજાર આંગડિયામાં ફરીથી મોકલી દીધા હતા.
એટલું જ નહીં બાદમાં આરોપીએ વધુ કોઈ ઉમેદવાર હોય તો કહો તેનું પણ કરાવી આપું તેમ કહેતા ફરિયાદીએ તેનાં જેઠ હિરેનની નોકરી માટે દોઢ લાખમાં સોદો કર્યો હતો. આ રકમ અને પતિની નોકરી માટેના બાકીના ૭૫ હજાર મળી ૨.૨૫ લાખમાંથી ૧ લાખ ફરીથી આરોપી રાજકોટ આવ્યો ત્યારે હાથોહાથ આપી બાકીની રકમનું આંગડિયુ કરી દીધું હતું.
આ રીતે ફરિયાદી તેની જાળમાં ફસાતા ગયા હતા અને જેઠાણી મીતાબેન હિરેન, માસીજીની પુત્રી મીતલ મનિષ ભાલોડીયા, માસીજીનાં દીકરાની વહુ હેતલબેન મિલન ફળદુ, મામાજીનાં પુત્ર ધુ્રવ મનોજ જારસાણીયા, માસીજીના દીકરાની પત્ની ભાવના કૌશિક, માતાનાં પાડોશી જીગર અને સગાભાઈ રાકેશ કાનજી પણ મળી કુલ નવ જણાંને પોસ્ટમાં નોકરી અપાવવા માટે આરોપીને કુલ ૧૯ લાખ આપ્યા હતા.
ત્યારબાદ આરોપીને અવારનવાર ઓર્ડર બાબતે પૂછતાં ત્યારે ગલ્લાં-તલ્લાં કરતો હતો અને એક દિવસ ફરિયાદીનાં નામનો ઓર્ડર તેને વ્હોટ્સએપમાં મોકલી દીધો હતો.!!
બાદમાં આરોપીના સાળા મનિષે જ ફરિયાદીને કોલ કરી કહ્યું કે, આરોપી તેનો બનેવી છે તેને પોસ્ટમાં નોકરી માટેના રૂપિયા ન આપો તે ખોટો માણસ છે. તમારા પૈસા પરત આપશે નહીં. તમારો કોઈ ઓર્ડર થશે નહીં, તેણે બીજા ઘણાં લોકોનાં પૈસા પણ પડાવી લીધા છે તેમ કહ્યું ત્યારે સત્ય હકીકતોની જાણ થતાં પોલીસ પાસે ગયા હતા.
આજે પોલીસની સૂચનાથી વધુ એક ઉમેદવારની નોકરી માટે આરોપીને બોલાવતાં તે ટાવેરા કાર ભાડે લઈને આવતાં તેને ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધો હતો.