ખોડલધામનો પાટોત્સવ પાટીદાર સમાજ પુરતો મર્યાદિત રહેશે
- કોરોનાને કારણે ઉજવણી પર નિયંત્રણો રાખવા ટ્રસ્ટનો નિર્ણય
- ખોડલધામ ટ્રસ્ટની રિવ્યુ બેઠક મળી, કોરોના કેસનો ટ્રેન્ડ જોતા ઉજવણીનાં કાર્યક્રમોમાં ફેરફારની શકયતા
- પાટોત્સવની તૈયારીઓ શરુ કરવામાં આવી, ૧૦૮ કૂંડી યજ્ઞા માટે હવન કૂંડ બનાવવાનું શરુ
વીરપુર,જેતપુર
લેઉવા પટેલ સમાજનાં લોકોનાં આસ્થાનાં પ્રતિક એવા ખોડલધામ મંદિર - કાગવડને પાંચ વર્ષ પૂર્ણ થતા ભવ્ય પાટોત્સવ ઉજવવા તૈયારીઓ શરુ કરવામાં આવી છે પરંતુ કોરોનાનાં કેસ વધી રહયા હોવાથી ઉજવણી પર કેટલાક નિયંત્રણો મુકવામાં આવી રહયા છે. ખોડલધામ પાટોત્સવની ઉજવણી પાટીદાર સમાજનાં લોકો પુરતી જ સિમિત રાખવાનો મહત્વનો નિર્ણય ખોડલધામ ટ્રસ્ટે કર્યો છે. લાખો લોકો પાટોત્સવમાં સામેલ થનાર હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કાગવડ પાસે તા. ર૧ જાન્યુઆરી ર૦૧૬ નાં રોજ ખોડલધામ મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. દેશ - વિદેશનાં કરોડો લોકોનાં આસ્થાનાં પ્રતિક ખોડલધામ મંદિરને પાંચ વર્ષ પૂર્ણ થતા ભવ્ય પાટોત્સવ ઉજવવામાં આવશે. આ મહોત્સવ માટે ખોડલધામ ટ્રસ્ટનાં ચેરમેન નરેશ પટેલ ગુજરાતભરમાં પાટીદાર સમાજી સંસ્થાઓ અને આગેવાનોને આમંત્રણ આપવા ફરી રહયા છે. ગામે ગામથી લાખો લોકો આ ઉત્સવમાં હાજરી આપશે આવી સ્થિતિ વચ્ચે કોરોનાનું જોખમ વધી રહયુ હોય ખોડલધામ ટ્રસ્ટનાં ચેરમેને જણાંવ્યુ હતું કે, ટ્રસ્ટી મંડળે એવો નિર્ણય કર્યો છે કે ખોડલધામનો પાટોત્સવ પાટીદાર સમાજ પુરતો જ સિમિત રહેશે. વડાપ્રધાન સહિતનાં નેતાઓને આમંત્રણ અપાયુ છે પરંતુ મંદિર સુધી આવવા માટે રોડ - રસ્તાની સ્થિતિ વીવીઆઈપી ની મુવમેન્ટ માટે મુશ્કેલ ભરી છે જો કે પાટીદાર સમાજનાં નેતાઓ હાજર રહે તેવી શકયતા છે.
દરમિયાન આજે મંદીર સંકુલમાં ૧૦૦૮ કુંડી યજ્ઞા માટે હવન કુંડ બનાવવાનું શરુ કરી દેવામાં આવ્યુ છે. લાખો લોકો હાજરી આપશે તે જોતા પાર્કિંગની કોઈ સમસ્યા ઉભી ન થાય તે માટે પાર્કિંગથી માંડી ડિઝાસ્ટર સુધીનાં પ્રબંધ માટે ર૯ કમિટિઓ બનાવવામાં આવી છેે. દરમિયાન આજે ખોડલાધામ ટ્રસ્ટનાં ચેરમેને મંદિર પરિસરમાં સમિતિનાં હોદેદારો સાથે રિવ્યુ બેઠક કરી હતી. પાટોત્સવને હજુ વાર છે પરંતુ એ સમયગાળા દરમિયાન કોરોના કેસમાં ઉછાળો આવે તેવી શકયતા છે અને સરકારનાં કોઈ નિયંત્રણો આવે તો પાટોત્સવની ઉજવણી પર અંકુશ આવી શકે તેવા સંકેતો પણ મળી રહયા છે.
લીલાખા પદયાત્રાનાં સ્વાગત બાદ ખોડલધામ પહોંચ્યા
પાટિલ અને નરેશ પટેલ વચ્ચે બેઠક થતા રાજકીય અટકળો તેજ બની
પાટોત્સવની તૈયારી નિહાળ્યા બાદ નરેશ પટેલ સાથે ભોજન લીધું
ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટિલનો સૌરાષ્ટ્રનો પ્રવાસો વધી રહયા છે દરમિયાન આજે તેમણે લેઉવા પટેલ સમાજનાં આસ્થાનાં પ્રતિક સમાન ખોડલધામ મંદિર - કાગવડની મુલાકાત લીધી હતી અને ટ્રસ્ટનાં ચેરમેન નરેશ પટેલ સાથે બેઠક કરતા રાજકીય અટકળો તેજ બની હતી.
લેઉવા પટેલ સમાજનાં આગેવાન નરેશ પટેલે જો સમાજ કહેશે તો રાજકારણમાં જોડાશે તેવો સંકેત આપ્યા બાદ ભાજપ - કોંગ્રેસ સહિતનાં રાજકીય પક્ષોએ તેમને પક્ષમાં જોડાવા ખુલ્લુ આમંત્રણ આપ્યુ છે પરંતુ નરેશ પટેલે હજુ તેમનું મન કળવા દીધુ નથી. દરમિયાન આજે બપોરે પાટિલ સુરતનાં એક ઉધોગપતિએ ચમારડીથી લીલાખા ગામની પદયાત્રા યોજી હતી તેમાં લીલાખા ખાતે સ્વાગત સમારોહમાં હાજરી આપ્યા બાદ ખોડલધામ પહોંચ્યા હતા અને દર્શન કર્યા બાદ પાટોત્સવની તૈયારી નિહાળીને નરેશ પટેલ સાથે ભોજન લીધુ હતુ. જો કે પાટિલે આ મુલાકાતને અણધારી નહિ પણ અગાઉથી નકકી હતુ તેવી સ્પષ્ટતા કરી હતી.