રાજકોટ, જામનગર, ગોંડલ, સલાયામાં આંશિક લોકડાઉન
- સરકાર તાણે અનલોક ભણી, લોકો જાય લોકડાઉન ભણી
- સોનીબજાર,દિવાનપરા,દાણાપીઠ સહિત બજારોમાં આંશિક લોકડાઉન, ચેમ્બરે સરકારના સૂરમાં સૂર પૂરાવ્યો
- ચામુંડામાતાજીના ધામ ચોટીલામાં તા.૩૦ સુધી,સલાયામાં સપ્તાહમાં બે દિવસ વેપાર-ધંધા અર્ધો દિવસ બંધ
- કોરોનાની સ્ફોટક સ્થિતિ છતાં ભાજપ-કોંગ્રેસ કાર્યક્રમો બંધ રાખવા સ્વૈ. નિર્ણય લેતા નથી
- આજથી રાજકોટમાં સ્ટેશનરીની દુકાનો તા.૨૬ સુધી, જામનગરમાં ગ્રેઈન માર્કેટ તા.૩૦ સુધી અર્ધો દિવસ બંધ
રાજકોટ, તા. 15 સપ્ટેમ્બર 2020, મંગળવાર
માત્ર રાજકોટમાં હાલ રોજના ૩૦ના જીવ લેતા કોરોના મહામારી ચરમસીમા પર પહોંચી રહી છે તે ટાણે જ સરકાર અનલોક તરફ આગળ વધી રહી છે અને લોકો હવે સ્વૈચ્છિક લોકડાઉન કરી રહ્યા છે. એક સમયે જ્યારે કેસો નહીંવત્ હતા ત્યારે દુકાનો ખુલ્લી રાખવા ભારપૂર્વક માંગણી કરતા વેપારીઓ હવે તેમના,તેમના પરિવારજનો અને ગ્રાહકોમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે અંશતઃ લોકડાઉનનો નિર્ણય લઈ રહ્યા છે. રાજકોટમાં આજે સાંજે સ્ટેશનરી અને બૂક્સ વિક્રેતાઓએ સ્વૈચ્છિક રીતે તેમની દુકાનો આવતીકાલથી તા.૨૬ સુધી સાંજે ૫ વાગ્યા સુધી જ ખુલ્લી રાખવા તો જામનગરમાં જાણીતી ગ્રેઈન માર્કેટ આવતીકાલથી તા.૩૦ સુધી બપોરના ૨ વાગ્યા સુધી જ ખુલ્લી રાખવા નિર્ણય લેવાયો છે.
સૌરાષ્ટ્રમાં રાજકોટ,જામનગર, ભાવનગર સહિત શહેરોમાં કોરોનાનો ચેપ વ્યાપકપણે પ્રસરી ગયો છે અને ગંભીર વાત એ છે કે લોકો તેમાં મોટી સંખ્યામાં મૃત્યુ પામી રહ્યા છે ત્યારે જીવશું તો ધંધો કરશું તે વિચાર વેપારી સંગઠનોમાં થવા લાગ્યો છે. રાજ્ય સરકાર સાથે સંકલનમાં રહેતી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ આંશિક સમય માટે લોકડાઉનનો સમગ્ર શહેરમાં અમલી થાય તેવો નિર્ણય કરવામાં નિષ્ફળ રહી છે ત્યારે હવે વેપાર મૂજબના વિવિધ સંગઠનો પોતાની રીતે નિર્ણય લેવા માંડયા છે. આજે દિવાનપરા ક્લોથ માર્કેટ સજ્જડ બંધ રહી હતી, સોની બજાર અગાઉથી બંધ છે,, દાણીપીઠની દુકાનો બપોરે ૩ વાગ્યે બંધ કરી દેવાય છે.
રાજકોટના સ્ટેશનરી પેપર, એન્ડ બૂક્સ મરચન્ટ એસો.એ જણાવ્યું કે રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિ અત્યંત ભયજનક છે જે અનુલક્ષીને ટેલીફોનિક મીટીંગમાં હોદ્દેદારોની મીટીંગ બાદ શહેરની સ્ટેશનરીની દુકાનો તા.૨૬ને શનિવાર સુધી સવારે ૮થી સાંજે ૫ વાગ્યે બંધ થશે. એસો.ના સૂત્રોએ જણાવ્યું કે જેઓને સ્ટેશનરીની ખરીદી હોય છે તેઓને પણ કોઈ તકલીફ પડશે નહીં અને આનાથી એટલું ડિસ્ટન્સ જળવાશે, સંપર્કો ઓછા થશ.જામનગર સીડ્ઝ એન્ડ ગ્રેઈન મરચન્ટ્સ એસો.એ જણાવ્યું કે તમામ હોદ્દેદારો સાથે પરામર્શ બાદ કોરોનાની સ્થિતિને કારણે તા.૩૦ સપ્ટે.સુધી દુકાનો સવારે ૮થી બપોરે ૨ વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે અને ત્યારપછી કોઈએ વેચાણ કે ડીલીવરી કરવાની રહેશે નહીં.
આ ઉપરાંત આજે સલાયામાં સંક્રમણને વધતું અટકાવવા માટે શહેરની અનાજ, કરિયાણા, કાપડ, કટલેરી, પાન-બીડી, વાસણ, દરજી કામ સહિત તમામ દુકાનો અઠવાડિયામાં બે દિવસ રવિવાર અને સોમવાર અર્ધો દિવસ જ ખુલ્લી રહેશે તેવો નિર્ણય લેવાયો છે. જ્યારે પ્રસિધ્ધ ચામુંડા માતાજીનું યાત્રાધામ આવેલ છે તે ચોટીલા અગાઉ મહિનાઓ સુધી કોરોના મુક્ત રહ્યા બાદ કોરોનાના કેસો વધીને હવે ૨૧૧થી વધી જતા તા.૩૦ સુધી સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે.
કોરોનાની ગંભીર સ્થિતિ વચ્ચે આશ્ચર્યજનક બાબત એ છે કે જેમાં વધતા ઓછા અંશે સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ થતો હોય છે તેવા ભાજપના તેમજ કોંગ્રેસના કાર્યક્રમો કોરોનાની સ્થિતિના પગલે એક માસ બંધ રાખવા હજુ સુધી સ્વૈચ્છિક નિર્ણય લેવાયો નથી. એકંદરે લોકો કોરોના કંટ્રોલમાં આવે તે માટે પોતાના ધંધા રોજગાર ઓછા થાય તે ચલાવી લે છે પણ નેતાઓ અને સરકારને હજુ સુધી તેમના કાર્યક્રમોનું સ્વૈચ્છિક આંશિક લોકડાઉન કરવાની જરૂર જણાતી નથી.