પેરામેડીકલ ક્ષેત્રના વિદ્યાર્થીઓને શૈક્ષણિક લોન નહીં મળતા મુંઝવણમાં
- પછાત વિકાસ નિગમમાં લોનની રકમની ગ્રાન્ટ આવી નથી
- પ્રથમ સેમેસ્ટરની ફી તો ભરી પણ બીજા સેમમાં પણ લોન નહીં મળતા વાર્ષિક પરીક્ષાની ચિંતા
ગરીબ અને મધ્યમ વર્ગ માટે અનેક નાની મોટી યોજનાઓ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગને સરકાર મદદરૂપ થઇ રહી છે ત્યારે વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએટ અને ગ્રેજ્યુએટના અભ્યાસક્રમ માટે નજીવા વાર્ષિક ૪ ટકાના દરે રૂા. પંદર લાખ સુધીની ગુજરાત સરકાર દ્વારા શૈક્ષણિક લોનની યોજના બનાવીને ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને તેમના ઉચ્ચ શિક્ષણ મેળવવા સરકાર મદદરૂપ થઇ રહી છે. સને ૨૦૨૨-૨૩ના વર્ષમાં ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓએ શૈક્ષણિક લોનના સહારે પ્રાઇવેટ મેડીકલ પેરા મેડીકલની ઉંચી ફી ધરાવતી કોલેજોમાં પ્રવેશ મેળવેલ છે. પ્રથમ સેમેસ્ટરની ફી એડમિશન સમયે વિદ્યાર્થીઓના વાલીઓએ સગા સબંધીઓ અને સમાજના સહારે ફી ભરીને એડમિશન કન્ફર્મ કરાવેલ છે. બીજા સેમેસ્ટરની ફી ભરવા માટે વિદ્યાર્થીઓએ પછાત વર્ગ વિકાસ નિગમને ઓનલાઇન અરજી કરીને પોતાને મળવાપાત્ર શૈક્ષણિક લોન પાસ કરાવીને માર્ચ ૨૦૨૩ થી દરેક વિદ્યાર્થીઓ પોત પોતાની લોન એગરીમેનટ ફાઇલ પછાત વર્ગ વિકાસ નિગમ ગાંધીનગરને પહોંચતી કરી રહ્યા છે પરંતુ સરકાર તરફથી હજુ સુધી નિગમને ગ્રાન્ટની ફાળવણી કરવામાં ન આવતા પછાત વર્ગ વિકાસ નિગમ ગાંધીનગર વિદ્યાર્થીઓને પોતાની પાસ થયેલ શૈક્ષણિક લોનની રકમની ચુકવણી કરી રહ્યા નથી. જે અંગે વારંવાર ટેલીફોનીક તેમજ રૂબરૂ મુલાકાત કરીને પાસ થયેલ શૈક્ષણિક લોનની રકમની ચુકવણી માટે કોન્ટેક્ટ કરેલ પરંતુ સરકાર તરફથી નિગમને ગ્રાન્ટ નહીં ફાળવાતા સમગ્ર મામલો ચકડોળે ચડયો છે. આમ બીજા સેમમાં જ લોનનું ગાડુ અટકી જતા અનેક વિદ્યાર્થીઓ મુંઝાયા છે.
હાલ કોલેજ દ્વારા બીજા સેમેસ્ટરની ફી ભરવાનું દબાણ થઇ રહ્યું છે અને જો બીજા સેમેસ્ટરની ફી નહીં ભરીએ તો કોલેજ દ્વારા લેવામાં આવતી વાર્ષિક પરીક્ષા આપવા માટે બેસવા દેવામાં આવશે નહીં એવું દબાણ થતું હોવાથી ગુજરાત સરકાર દ્વારા પછાત વર્ગ વિકાસ નિગમને વહેલાસર ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે તો પછાત વર્ગ વિકાસ નિગમ ગાંધીનગર ખાતેથી વિદ્યાર્થીઓની મંજૂર થયેલ શૈક્ષણિક લોનની રકમની ચુકવણી કરી શકે જેથી કરીને કોલેજમાં બીજા સેમેસ્ટરની ફી ભરીને વિદ્યાર્થી વાર્ષિક પરીક્ષા આપી શકે અને જો ચુકવણી કરવા માટે વિલંબ થસે તો વાર્ષિક પરીક્ષા આપવા માટે મુશ્કેલી સર્જાશે. મોટાભાગના વિદ્યાર્થી પાસે બીજા સેમેસ્ટરની ફી ભરવા માટે અન્ય કોઇ વ્યવસ્થા કે વિકલ્પ નથી તેવું જણાયું છે. જે અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરાઇ છે.