પાલીતાણાથી સોનગઢ અને તળાજા રોડની દુર્દશાથી ભારે હાલાકી
- ભાદાવાવ રોડ પર ઠેર-ઠેર ખાડાઓ
- વાહન વ્યવહારથી અવિરતપણે ધમધમતા સોનગઢ રોડ પર છાસવારે થીગડા મારતા લોકોમાં રોષ
પાલીતાણાથી સોનગઢ અને તળાજા સુધીનો માર્ગ પેવર બનાવવામાં આવ્યાને થોડા દિવસોમાં જ ત્યાં ખાડાઓનું સામ્રાજય વધી રહ્યુ છે. આ માર્ગમાં સરકારની કઈ યોજના અંતગર્ત કોની ગ્રાન્ટમાંથી,કયાંથી કયાં સુધીનો પેવર બન્યો અને કયા સુધી ડામર પાથરવામાં આવ્યો તે અંગેની જાણકારી દર્શાવતા બોર્ડ કોઈ સ્થળે દ્રશ્યમાન થતા નથી.૨૪ કલાક અવિરતપણે વાહન વ્યવહારથી સતત ધમધમતા આ રોડની દુર્દશા પ્રત્યે સત્તાધીશો,ચૂંટાયેલા ધારાસભ્યો અને નેતાઓ જાણે કે, મૂકબધિર હોય તેવુ જણાઈ રહ્યુ છે. આ રોડ પર વારંવાર પાણી ભરાઈ જાય છે તેના કારણે ત્યાં આગળ મોટા મોટા ખાડાઓ પડી રહ્યા છે. પાલીતાણાથી બગદાણા, ભગુડા, કોટડા, મહુવા અને ગોપનાથને સાંકળતા બિસ્માર માર્ગો પર પણ વાહનચાલકોની સતત અવરજવર રહેતી હોય છે. પાલીતાણાથી ભાદાવાવ સુધી અને તળાજા રોડ પર ખાડાઓનું સામ્રાજય જોવા મળી રહેલ છે. મોટી પાણીયાળી, લાખાવાડ, અનિડા, માંડવડા વગેરે ગામોના રસ્તા પણ સારા નથી. સોનગઢ હાઇવે ૧૦ વર્ષ પુર્વે લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ હોય આ રસ્તા પર હજુ થીગડા મારવામાં આવે છે. જયારે કોઈ રાજકીય આગેવાન કે મોટા યાત્રિકો આવવાના હોય ત્યારે થીગડા થતા હોય છે અથવા ફરી નવો રસ્તો બનાવવામાં આવે છે. પાલીતાણા તાલુકાના વડીયા ચોકડીથી લઈને વાળુકડ ,બાપા સીતારામ સર્કલથી લઈને વડીયા, જાળીયા, બાદલપર, પીથલપુર, નોંઘણવદર સુધીનો માર્ગ પણ તદ્રન બિસ્માર હાલતમાં જોવા મળે છે. નવા બનાવેલા રસ્તા ત્રણ મહિનામાં ખખડધજ બની જતા હોય છે. ત્યારે ઉપરોકત માર્ગોની યોગ્ય રીતે મરામત થાય તેવી લોકોની માંગ છે. જયાં ડાયવર્ઝન આપી દેવાયું છે ત્યાં પણ રસ્તો ચાલવાલાયક નથી ત્યારે અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવી જરૂરી છે.