પાલિતાણા S.T. ડેપોનો ડ્રાઈવર પીધેલી હાલતમાં પકડાયો
ભાવનગર, તા. 10 નવેમ્બર 2019, રવિવાર
ભાવનગર એસ.ટી. વિભાગના પાલિતાણા ડેપોમાં ફરજ બજાવતો ડ્રાઈવર ચાલું ફરજ દરમિયાન પીધેલો પકડાતા ચકચાર મચી જવા પામી છે. ડ્રાઈવર નશાની હાલતમાં બસ હંકારતો હોય, મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા હતા. હાલ વિભાગ તરફથી પીધલી ડ્રાઈવર સામે ખાતાકીય પગલા ભરી બરતરફ કરવાનો હુકમ કરાયો છે.
પાલિતાણા એસ.ટી. ડેપોની પાલિતાણા-લાપળિયા-તળાજા લોકલ બસનો ડ્રાઈવર જીતેન્દ્ર હરિરામભાઈ જોશી ગઈકાલે શનિવારે ચાલુ ફરજે નશો કરેલી હાલતમાં બસ ચલાવતો હોવાની હકીકત મળતા પાલિતાણા ડેપોના ઈન્ચાર્જ-ભાવનગર એસ.ટી. ડેપો મેનેજર નિર્મળ સહિતનાઓએ દોડી જઈ બસને રસ્તા પર રોકી તપાસ કરતા ડ્રાઈવર જીતેન્દ્ર જોશી કેફી પીણું પીધેલો મળી આવ્યો હતો.
જેથી ડેપો મેનેજરે સમગ્ર ઘટના અંગે વિભાગીય વડા સહિતનાઓએ જાણ કર્યો બાદ આજે રવિવારે ડેપો મેનેજરે પીધલી ડ્રાઈવર સામે પ્રથમ પોલીસમાં ત્યારબાદ ખાતાકીય કાર્યવાહી કરી તેને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે. આ ઘટનાથી એસ.ટી.ના કર્મચારીઓમાં ચકચાર મચી છે.
નોંધનિય છે કે, પોતાની કુટેવને કારણે અનેક મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા. ત્યારે આવા કર્મચારીઓને કાયમ માટે નોકરીમાંથી છુટા કરવા સુધીના પગલા ભરવા જરૂરી બન્યા છે. જો કે, ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ પોલીસની ઢીલી નીતિને કારણે નશેડીઓને ગમે ત્યાંથી દારૂ મળી રહે છે તે પણ હકીકત છે.
સ્થળ છુટયું પણ લત ન છુટી, ભુજથી ભાવનગર બદલી થઈ'તી
પાલિતાણા ડેપોનો ડ્રાઈવર જીતેન્દ્ર જોશી કેફી પીણાની લત ધરાવનાર છે. દોઢ માસ પહેલા જ ભુજમાં તે નશાની હાલતમાં પકડાતા તેની ભુજથી ભાવનગર બદલી કરવામાં આવી હતી. સ્થળ છુટયું પણ લત ન છુટી હોય હજુ ભુજનો કેસ ઉભો છે. ત્યાં અહીં પણ તેણે મુસાફરોના જીવની પરવાહ કર્યો વિના કેફી પીણું પી બસ ચલાવી હતી. ડ્રાઈવરના આ કૃત્યનો રિપોર્ટ વિભાગીય નિયામકને કરવામાં આવશે અને ત્યારબાદ તેની સામે આગળની કાર્યવાહી થશે તેમ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.