સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ભાદર ડેમ અંતે ઓવરફલો
- 34 ફુટની ઊંચાઇ ધરાવતા ડેમમાં 6648 એમસીએફટી પાણીનો સંગ્રહ
- રાજકોટ, જેતપુર સહિત 15 ગામોની 22 લાખની વસ્તીની પીવાના પાણીની તથા 46 ગામોના ખેડૂતોની સિંચાઈના પાણીની સમસ્યા એક ઝાટકે દૂર
જેતપુર,તા. 22 સપ્ટેમ્બર 2019, રવિવાર
સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો એવો ભાદર ડેમ કે જેની ઓવરફ્લો થવાની સમગ્ર સૌરાષ્ટ્ર આતુરતા પૂર્વક રાહ જાવાતી હતી તે ડેમ આજે ઓવરફ્લો થઈ જતા રાજકોટ, જેતપુર સહિતના પંદરેક ગામોની ૨૨લાખની વસ્તી પીવાના પાણીની અને ૪૬ ગામોના ખેડૂતોને સિંચાઇ માટેની પાણીની સમસ્યા એક ઝાટકે દૂર થઈ ગઈ છે.
ઈ.સ .૧૯૫૪માં ૪૫૪.૭૫ લાખના ખર્ચથી સિંચાઇના હેતુથી બનાવેલ ભાદર ડેમ ૩૪ ફૂટની ઉંચાઈ અને ૨૯ દરવાજા સાથે સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ડેમ છે. આ ડેમની પાણી સમાવવાની કુલ ક્ષમતા ૬૬૪૮ એમસીએફટીની છે. છેલા ૬૫ વર્ષથી અડીખમ ઊભેલ આ ડેમ અત્યાર સુધીમાં ૨૨વખત ઓવરફ્લો થયો છે.
આ ડેમમાંથી રાજકોટ અને જેતપુર શહેરની ૨૨ લાખ જેટલી પ્રજાને પીવાનું પાણી પૂરુ પાડવામાં આવે છે. આમ, તો સિંચાઇના હેતુ માટે જ બનાવેલ આ ડેમ તેની ૭૮ કિમી લંબાઈ ધરાવતી કેનાલ દ્વારા ૪૬ ગામોની ૩૬૮૪૨હેક્ટર જમીનને સિંચાઇનુ પાણી પૂરુ પાડે છે.
ભાદર ડેમની ઓવરફ્લો થવાની ઘણા દિવસોથી રાહ જોવાઇ રહી હતી જેમાં આજે ડેમના ૨૯-૨૯ દરવાજાઓ પરથી છલીને પાણી જતું હોય ડેમ ઓવરફ્લો થઈ ગયો હતો આ અંગે ડેમ સાઈટના ઈજનેરે જણાવેલ કે અમારી યાંત્રિક ભાષામાં ડેમ ભરાવામાં બે સેમી ઘટે છે પરંતુ ડેમના તમામ દરવાજા પરથી પાણી છલીને જતું હોવાને કારણે ડેમ ઓવરફ્લો થઈ ગયો પણ કહી શકાય.
એટલે કે ડેમ છેલ્લે ૨૦૧૫માં ઓવરફ્લો થયાના ચાર વર્ષ બાદના લાંબા ઇન્તઝાર બાદ ચાલુ વર્ષે ઓવરફ્લો થતા ડેમ અત્યાર સુધીમાં ત્રેવીસમી વાર ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થઈ જતા રાજકોટ, જેતપુર સહિતના લોકોની પીવાના પાણીની સમસ્યા એક ઝાટકે દૂર થઈ ગઈ અને ૪૬ ગામોના ખેડૂતોને રવિ પાક માટે સિંચાઈનું પાણી પણ મળી રહેશે જેથી ખેડૂતોમાં પણ ખૂબ આનંદની લાગણી ફેલાઇ ગઇ છે.