ભાવનગરમાં બાળ રેલીમાં 500 વિદ્યાર્થીઓ જોડાયા
ભાવનગર, તા. 20 નવેમ્બર 2019, બુધવાર
આજે તા.20 નવેમ્બરના રોજ ભાવનગરના મોતીબાગ નજીક આવેલા ટાઉનહોલ ખાતેથી આંતરરાષ્ટ્રીય બાળદિનની ઉજવણી અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા આયોજીત બાળ રેલીને ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ડિરેક્ટર, મહાનગરપાલિકાના કમિશ્નર, સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન સહિતના મહાનુભાવોએ લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યુ હતુ.
આ બાળ રેલીમાં જોડાયેલા અંદાજે 500 જેટલા બાળકોએ વેઠીયા પ્રથા નાબુદ કરો બાળપણ બચાવો સુત્ર બોલી લોક જાગૃતિ માટેનો નમ્ર પ્રયાસ કર્યો હતો. આ રેલી ઘોઘાગેઈટ, હલુરીયા ચોક થઈને માજીરાજ ગલ્સ સ્કુલ ખાતે પુર્ણ થઈ હતી. અહી એકત્રિત થયેલા બાળકોને રાજ્ય બાળ અધિકાર આયોગના ડિરેક્ટર પ્રભાબેન પટેલએ જણાવ્યુ હતુ કે આંતરરાષ્ટ્રીય બાળદિન સમગ્ર રાજ્યમા તેમજ દેશમા અને વિદેશમા ઉજવવામા આવે છે. આ પ્રકારની ઉજવણીથી બાળકોમા જાગૃતિ નિર્માણ થાય તેમનો સર્વાંગી વિકાસ થાય બાળક કુપોષણ મુક્ત બની તંદુરસ્ત બને તે વર્તમાન સમયની માંગ છે.
રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ બાળકોના હિતોનુ રક્ષણ કરવા માટે પ્રતિબધ્ધ છે તેથી બાળકોએ જો તેમને કોઈપણ પ્રકારની મુશ્કેલી હેરાનગતી થતી હોય તો સ્થાનિક બાળ સુરક્ષા અધિકારીનો સંપર્ક કરવો જોઈએ. દેશના પ્રધાનમંત્રીએ બાળકોના સંર્વાગી વિકાસ માટે અનેકવિધ યોજનાઓ અમલમા મુકી છે.