ભાવનગર રેલવે વર્કશોપમાં અસુવિધાના મામલે કર્મચારીઓમાં આક્રોશ
- ફેકટરી ઈન્સ્પેકશન કરાવવા કર્મચારીઓએ માંગ કરી
- વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ વર્કશોપના પ્રશાસનની વિરૂદ્ધ ધરણાં પર બેસવા અને ઉગ્ર આંદોલન કરવા મજબૂર થશે
ભાવનગરના રેલવે વર્કશોપના કર્મચારીઓ પરેશાનીનો સામનો કરી રહ્યા છે. આ ગંભીર બાબતે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ ભાવનગર રેલવે વર્કશોપના મુખ્ય સી.ડબલ્યુ.એમ.સામે નારાજગી દર્શાવી રહ્યા છે.વર્કશોપમાં અસુવિધાઓ સામે વ્યાપક રાવ ઉઠવા પામેલ છે. જેમાં શુદ્ધ પીવાના પાણી માટે કર્મચારીઓ રઝળી રહ્યા છે.જયાં ૧૨૦૦ થી પણ વધુ કર્મચારીઓ કાર્ય કરે છે તે વર્કશોપનું પ્રશાસન ફક્ત પોતાના કાયદાની જો હુકમી ચલાવી કર્મચારીઓનું શોષણ કરી રહ્યા છે, હેડ કવાર્ટરની વાહ વાહી લેવા અહીના કર્મચારીઓની બલી ચડાવી રહ્યા છે, ભર ઉનાળે તડકામાં પતરાના શેડમાં કાર્ય કરતા કર્મચારી માટે પૂરતા પ્રમાણમાં અને હોવા જોઈએ તેટલા પંખા પણ નથી, પીવાનું પાણી પણ ઉપલબ્ધ નથી, જે કર્મચારીઓ રેલવે કવાર્ટરમાં રહે છે તેમની ફરિયાદ સાંભળનાર પણ કોઈ નથી જે કવાર્ટરમાં એચ.આર.એ.માં માધ્યમથી તેમના પગારમાંથી જ ભાડાના રૂપે અને પાણી, સફાઈ અને ઇલેક્ટ્રિકના મળી દર મહિને નિયત રૂપીયા પણ પગારમાંથી જ કાપી લેવામાં આવે છે તે કર્મચારીઓના કવાર્ટરની અગવડતા યાને રીપેરીંગની ફરિયાદ વારંવાર કરી રહ્યા છે. કવાર્ટરમાં છતથી પાણી પડે છે, પ્લાસ્ટર તૂટી ગયા છે,બારણાં બંધ થતા નથી, બારી તૂટી ગઈ છે, બાથરૂમમાં પાણી લોક થઈ જાય છે, ઉપરના બાથરૂમનું ગંદુ પાણી નીચેના રૂમમાં પડે છે,કાદવ કીચડ થઈ જાય છે, પતરાની છતવાળા કવાર્ટરમાં પાણી પડે છે. આ બધી સામાન્ય જરૂરિયાત પુર્ણ કરાવવા માટે કર્મચારી છ મહિનાથી એક વર્ષ સુધી આઈ.ઓ.ડબલ્યુ. ઓફિસમાં ધક્કા ખાતા રહે પણ યોગ્ય જવાબ કે રીપેરીંગ થતું જ નથી. ડબલ્યુ.આર.એમ.એસ.ના ડીવીઝનલ સેક્રેટરી ડાભી આ મુદ્દે વર્કશોપના અધિકારીઓને વારંવાર રજૂઆત કરી ચુક્યા છે.પણ તેનું પરિણામ મળ્યુ નથી. આ અસુવિધા માટે ફેક્ટરી ઇન્સ્પેકટરનું પણ ધ્યાન દોરી ભાવનગર વર્કશોપના કર્મચારીઓ સાથે સંપર્ક કરવા અને ઇન્સ્પેકશન કરવા માંગ કરાઈ છે.