સોમનાથ મંદિરમાં પ્રવેશતા જ હવે થઈ શકશે દ્વાદશ જ્યોર્તિલીંગનાં દર્શન
-શ્રાવણ માસમાં શિવભક્તો માટે દર્શનની વિશિષ્ટ સુવિધા
-માત્ર 10 કલાકમાં એવા ઢાળ સાથેનાં સ્ટ્રક્ચરનું નિર્માણ કરાયું કે ભાવિકો સભાખંડમાંથી કતારમાં ઉભા રહે ત્યાં જ સોમનાથ મહાદેવના થઈ જાય દર્શન
પ્રભાસપાટણ, તા.18 ઓગષ્ટ 2018,શનિવાર
ભારતના બાર જ્યોર્તિલીંગમાંના પ્રથમ દેવાધિદેવ ભગવાન સોમનાથના દર્શને આવતા દેશ-વિશ્વના ભાવિકોની લાગણી સમજી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રભુ દર્શનની વિશિષ્ટ સુવિધા ઊભી કરવામાં આવી છે. જેમાં હવેથી સોમનાથ મંદિરમાં પ્રવેશતા જ ભગવાન ભોળાનાથના દર્શન થઈ જશે.
અત્યાર સુધી મંદિરના સભામંડપથી ગર્ભગૃહના કઠોડા સુધી દર્શનાર્થી પુરુષ-મહિલા એમ બન્નેની બે બે લાઈનો મળી કુલ ચાર લાઈનમાં પસાર થતા હતા. જેમાં ઘણીવાર કોઈના માથા આડા આવે અગર બે પગના પંજા ઉપર ઊંચા થઈને જોવાથી જ્યોર્તિલીંગ દર્શનની ઝાંખી માત્ર થતી હતી.
જેથી સોમનાથ ટ્રસ્ટે દર્શનાર્થીઓની આ મુશ્કેલી નિવારવા માત્ર દસ કલાકની કામગીરી કરી રાત્રીના એકથી સવારના અગીયાર વાગ્યા સુધીમાં દર્શનાર્થી પથ ઉપર એક ખાસ માળખું બનાવ્યું, જેમાં ગેલ્વેનાઈઝડ લોખંડ સ્ટ્રકચર ઊભુ કરી તેની ઉપર ફાયબર સીટ રેલીંગની વચ્ચે ઢોળાવ સ્વરૂપે જડી દીધી છે.
તેનો ઢાળ એવી રીતે અપાયો છે કે, મંદિરના સભાખંડમાંથી જેવા દર્શનાર્થી લાઈનમાં ઉભે કે ભલે તે છેલ્લે ઉભેલા હોય, પરંતુ ત્યાંથી જ ભગવાન સદાશિવના દર્શન થાય અને જેમ જેમ લાઈન ભગવાન સુધી ખસતી જાય તેમ તેમ તેના દર્શનનું સાતત્ય- એકાગ્રતા એકસરખી જળવાઈ રહેશે.
આવી પુરુષ માટેની બે લાઈનો અને મહિલાઓ માટેની બે લાઈનો ચાલે ત્યાં ૫૦ ફૂટ સુધી ઢાળ બનાવાયો છે. આ ઢાળમાં પણ ત્રણ સ્ટેપ આપાવમાં આવ્યા છે. ઢાળ ફ્લોરથી દોઢ ફૂટ ઊંચો અપાયેલો છે. જેમાં દર્શનાર્થી ઢાળથી જેમ જેમ આગળ વધે તેમ તેમ વધુને વધુ દર્શન સુખ પ્રાપ્તિ સાથે છેલ્લે મંદિરના કઠોડા પાસે પહોંચે ત્યારે જીરો લેવલ થાય છે.
જેથી મંદિરના કઠોડા પાસે વિશેષ દર્શનાર્થી કોઈવાર હોય તો પણ લાઈનના દર્શનાર્થી સરળતાથી દર્શન કરી શકે છે. કારણ કે દર્શનાર્થીનો દર્શનપથ ઊંચો છે.
સોમનાથ ટ્રસ્ટે પવિત્ર શ્રાવણ માસમાં જ અને કાયમી ધોરણે આ વ્યવસ્થા ઊભી કરી લાખો કરોડો આસ્થાળુઓની મનોકામના પુરી કરી છે. જે વ્યવસ્થા કદાચ ગુજરાતના એકમાત્ર આ મંદિરમાં કરાયેલી હોવાનું યાત્રિકો કહે છે.