ભાવનગરમાં ડુંગળીના ભાવમાં ભડકો, રૂા. 70 થી 100ની કિલો
- ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી મોંઘી થતા લોકો હાલત કફોડી
- ડુંગળીના ભાવ આસમાને પહોંચી જતા મહિલા સહિતના લોકોમાં કચવાટ: ભાવ વધારાના કારણે ડુંગળીનો સ્વાદ તીખો બન્યો
ભાવનગર, 03 ડીસેમ્બર 2019 મંગળવાર
ગરીબની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવમાં ભડકો થયો છે અને ડુંગળીના ભાવ આસમાને પહોંચી ગયા છે તેથી લોકોની હાલત કફોડી થઈ છે. ડુંગળી ખાવી હાલ લોકોને મોંઘી બની છે તેમ કહી શકાય. થોડા દિવસ પૂર્વે ડુંગળી સસ્તી હતી પરંતુ અચાનક ડુંગળીના ભાવ વધવા લાગતા ડુંગળીનો સ્વાદ લોકો માટે તીખો થઈ ગયો છે. હાલ બજારમાં ડુંગળીના ઉંચા ભાવ બોલાય રહ્યા છે તેથી ગ્રાહકો કચવાટ કરતા નજરે પડી રહ્યા છે.
ભાવનગર જિલ્લાના મહુવા અને તળાજા પંથકમાં ડુંગળીનુ મોટા પાયે ઉત્પાદન થાય છે. મહુવા તો ડુંગળીનુ પીઠુ ગણાય છે અને મહુવાની લાલ ડુંગળી અન્ય રાજ્યોમાં મોકલવામાં આવતી હોય છે તેથી મોટાભાગે ભાવનગર જિલ્લામાં લાલ ડુંગળીના ભાવ ઓછા હોય છે. ડુંગળી સસ્તી હોવાથી લોકોને ડુંગળીની કીંમત હોતી નથી પરંતુ જયારે ડુંગળીના ભાવ વધે છે ત્યારે લોકોને ડુંગળીની સાચી કીંમત થાય છે. હાલ આવુ જ ચિત્ર ભાવનગર શહેર અને જિલ્લામાં જોવા મળી રહ્યુ છે. ડુંગળીના ભાવમાં છેલ્લા બે માસમાં
રૂ. પ૦ થી રૂ. ૭પ સુધીનો વધારો થયો છે તેથી ડુંગળીનુ હાલ નામ લેવાતુ નથી.
બે માસ પૂર્વે લાલ ડુંગળીના એક કિલોના ભાવ રૂ. ર૦ થી રપ હતા પરંતુ ત્યારબાદ ડુંગળીના ભાવ ધીરે ધીરે વધતા ગયા હતાં. હાલ ડુંગળીના એક કિલોના ભાવ રૂ. ૭૦ થી રૂ. ૧૦૦ બોલાય રહ્યા છે. શહેરની શાકમાર્કેટમાં ડુંગળીનો કિલોનો ભાવ રૂ. ૭૦ થી ૧૦૦ છે. નબળી ડુંગળીના ઓછા ભાવ હોય છે, જયારે સારી ડુંગળીના ભાવ વધુ બોલાય રહ્યા છે. વધુ વરસાદ અને કમોસમી વરસાદ પગલે ડુંગળીના પાકને નુકશાન થયુ છે તેથી ડુંગળીના ભાવ વધી ગયા હોવાનુ જાણવા મળેલ છે. હાલ ડુંગળીના ભાવ વધતા મહિલા સહિતના લોકો કચવાટ કરતા જોવા મળી રહ્યા છે. ડુંગળીના ભાવ વધતા લોકોને ડુંગળીની કીંમત સમજાય હોય તેમ જણાય રહ્યુ છે.