Get The App

લગ્નના બીજા જ દિવસે રફુચક્કર થનાર 'દુલ્હન' પોલીસ સકંજામાં

- ગારિયાધારના યુવાન પાસેથી રૂપિયા મેળવી લગ્ન કર્યા હતા

- ગુનાના કામે ઝડપાયેલ પેટલાદનો શખસ રિમાન્ડ પર પીપલાવની મહિલા જેલ હવાલે

Updated: Nov 21st, 2019

GS TEAM

Google News
Google News
લગ્નના બીજા જ દિવસે રફુચક્કર થનાર 'દુલ્હન' પોલીસ સકંજામાં 1 - image


ભાવનગર, તા. 21 નવેમ્બર 2019 ગુરૂવાર

સાત માસ પૂર્વે ગારિયાધારના યુવાન સાથે રૂપિયા મેળવી લગ્ન કર્યા બાદ લગ્નના બીજા જ દિવસે જેઠાણી સાથે બજારમાં ગયેલ દુલ્હન સ્કૂટર સાથે રફુચક્કર બની હતી. જે મામલે ગારિયાધાર પોલીસે પીપલાવની મહિલા અને પેટલાદના શખસની ધરપકડ કરી લીધા બાદ મહિલાને જેલ હવાલે કરી દીધી છે. જ્યારે શખસના પોલીસ રિમાન્ડ મેળવ્યા છે. યુવાનને ચુનો ચોપડી ફરાર બનનાર દુલ્હનને પોલીસે સકંજામાં લઇ રિમાન્ડની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગારિયાધારમાં રહેતા મહેશભાઇ ભુપતભાઇ કુંચાલાના આજથી સાત માસ પર્વે રૂપાવટી ગામના જટાશંકર ગોરની મધ્યસ્થી બાદ મોનાલીબેન નામની મહિલા સાથે લગ્નનું નક્કી કરી સુશિલાબેન, નરેન્દ્રભાઇ રામી સહિતનાએ રોકડ રૂા.૧.૫ લાખ મેળવી ગત તા.૨૭-૪ના રોજ ભાવનગર કોર્ટ મેરેજ મહેશભાઇને કરાવી આપ્યા હતાં. લગ્ન કરાવ્યા બાદ બીજા દિવસે નવવધુ મોનાલી તેના જેઠાણી સાથે બજારમાં ખરીદી કરવા ગઇ હતી ત્યાંથી સ્કૂટર લઇ રફુચક્કર બની યુવાન સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરતા ભદ્રેશભાઇ ભુપતભાઇ કુંચાલાએ ફરિયાદ નોંધાવી હતી.

ઉક્ત ફરિયાદના કામે ગારિયાધાર પોલીસે પેટલાદ તાલુકાના સાંગા ગામના નરેન્દ્ર ધીરૂભાઇ રામીની ધરપકડ કરી આજે કોર્ટમાં રજૂ કર્યા બાદ ચાર દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા છે. જ્યારે અન્ય સુશિલાબેન દશરથભાઇ ઉપાધ્યાયને જિલ્લા જેલ હવાલે કરી દીધી હતી. યુવાન સાથે લગ્ન કરી બીજા જ દિવસે ફરાર બનનાર દુલ્હન મોનાલીબેન સુભાષભાઇ નીકમ (ઉ.વ.૨૩, રે.મુળ પીપલા ગાવ ગ્રામ પંચાયત, તા.જી.યેવતમલ, મહારાષ્ટ્ર)ની ગારિયાધાર પી.એસ.આઇ. પંડયા સહિતના સ્ટાફે રાજકોટ જિલ્લાના અને ગોંડલ તાલુકાના ધુડશીયા ગામેથી ઝડપી પાડી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.

Tags :