જિલ્લામાં પ્રથમ દિવસે માંડ 12 ખેડૂત ટેકાના ભાવે મગફળી વેચવા આવ્યા
ભાવનગર, તા. 02 ઓક્ટોબર 2019, શનિવાર
રાજ્ય સરકાર દ્વારા ભાવનગર સહિત રાજ્યભરમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે અને તેના માટે ખેડૂતોનુ ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યુ હતું. મગફળીના ટેકાના ભાવ માટે ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવુ ફરજીયાત હતું. ઓનલાઈન રજીસ્ટ્રેશન એક માસ સુધી કરવામાં આવ્યુ હતુ, જેમાં ઘણા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે.
ભાવનગર જિલ્લામાં પાંચ સેન્ટર પર પ્રથમ દિવસે ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવી હતી પરંતુ ગણ્યા ગાઠયા ખેડૂતો જ હાજર રહ્યા હતાં. આજે શનિવારે બીજા દિવસે વરસાદી માહોલના પગલે મગફળી ખરીદવાનુ બંધ રાખવામાં આવ્યુ હતું.
ભાવનગર જિલ્લામાં મગફળીના ટેકાના ભાવના ખરીદી કેન્દ્રો જાહેર કરાયા છે, જેમાં મહુવા અને જેસર તાલુકા માટે APMC, મહુવા ખાતે, પાલીતાણા, શીહોર તાલુકા માટે APMC, પાલીતાણા ખાતે, ભાવનગર, ઘોઘા, ઉમરાળા, વલભીપુર તાલુકા માટે APMC, ભાવનગર ખાતે, ગારીયાધાર તાલુકા માટે APMC, ગારીયાધાર અને તળાજા તાલુકા માટે APMC, તળાજા ખાતે મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ગત તા. 1 થી 31 ઓકટોબર સુધીમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન ખેડુતોએ સંબંધિત ખરીદ કેન્દ્ર પર તથા પોતાના ગામની ગ્રામપંચાયત ખાતે વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રીન્યોર (વી.સી.ઈ) પાસે કરાવ્યુ હતુ, જેમાં ગત તા. 31 ઓકટોબર સુધીમાં કુલ 19,172 ખેડૂતે રજીસ્ટ્રેશન કરાવ્યુ હોવાનુ ખેતીવાડી વિભાગના સુત્રોએ જણાવેલ છે.
ગઈકાલ શુક્રવારથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનુ શરૂ થયુ હતુ, જેમાં ખેતીવાડી વિભાગ દ્વારા 115 ખેડૂતને મેસેજ કરવામાં આવ્યા હતા પરંતુ માંડ 12 ખેડૂત મગફળી વેચવા માટે આવ્યા હતાં. 215.95 કિવન્ટલ મગફળીની ખરીદી કરવામાં આવી હતી. ટેકાના ભાવે મગફળી વેચવામાં પ્રથમ દિવસે ખેડૂતોએ ઓછો ઉત્સાહ દેખાડયો હોવાનુ જણાય રહ્યુ છે. આજે શનિવારે બીજા દિવસે વરસાદી માહોલ હોવાના પગલે મગફળી ખરીદવાનુ બંધ રાખવામાં આવ્યુ હતું. વરસાદી માહોલના પગલે હવે મગફળી ખરીદવાનુ કયારે શરૂ થશે? તેની રાહ જોવી જ રહી. આ અંગે ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને જાણ કરવામાં આવશે તેમ જણાય રહ્યુ છે.