For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પ્રથમ દિવસે 30 હજાર યાત્રાળુએ પાવનકારી શેત્રુંજય મહાયાત્રા કરી

Updated: Nov 19th, 2021

Article Content Image

- આદિનાથ દાદાના જયઘોષ સાથે શાશ્વત તીર્થ ગુંજી ઉઠયું

- દોઢ વર્ષ બાદ દાદાના દ્વાર સંપૂર્ણપણે ખુલ્યા, અગાઉના વર્ષોની તુલનામાં યાત્રિકોની સંખ્યા ઘટતી જોવા મળી

પાલિતાણા : વિશ્વ વિખ્યાત શાશ્વત તીર્થ પાલિતાણા ખાતે શુક્રવારે કાર્તિકી પૂનમના અવસરથી પાવનકારી શેત્રુંજય મહાયાત્રાનો પ્રારંભ કરાયો હતો. કોરોનાની મહામારીને અનુલક્ષીને ગાઈડલાઈનની અમલવારી સાથે પ્રથમ દિવસે અંદાજે ત્રીસેક હજાર જેટલા આબાલ-વૃધ્ધ યાત્રિકોએ આદિનાથ દાદાના જયઘોષ સાથે યાત્રા કરીને ધન્યતાની અનુભૂતિ કરી હતી.

મંદિરોની નગરી તરીકે જાણિતા યાત્રાધામ પાલિતાણા ખાતે જૈન સમાજના ચાતુર્માસ પૂર્ણ થતા શુક્રવારે કાર્તિકી પૂનમના અવસરથી શેત્રુંજયની મહાયાત્રાનો વિધિવત શુભારંભ કરાયો હતો. શેત્રુંજય તળેટી ખાતે યાત્રિકોએ ચૈત્યવંદન કરીને ભાવ અને ભક્તિમય માહોલમાં યાત્રા શરૂ કરી હતી. આજના આ અવસરે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી દ્વારા તમામ યાત્રિકો માટે ગિરિરાજ ઉપર ગરમ અને ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. અત્રેના જય તળેટી ખાતે યાત્રિકોના હાથ સેનિટાઈઝરથી ધોવડાવ્યા હતા.

શ્રધ્ધાળુઓએ શેત્રુંજય ગિરિરાજ ઉપરાંત આસપાસના હસ્તગિરિ, કદમ્બગિરિ સહિતના તીર્થોમાં દર્શનનો લ્હાવો લીધો હતો. કાર્તિકી પૂનમની યાત્રાને અનુલક્ષીને તીર્થનગરી પાલિતાણા શહેરમાં છેલ્લા ૧૦ દિવસથી યાત્રિકોનો ધમધમાટ જોવા મળતો હતો. અગાઉના વર્ષોની તુલનામાં યાત્રિકોની સંખ્યા ઓછી રહી હોવા છતાં પણ મોટાભાગની ધર્મશાળાઓ યાત્રિકોથી ભરચક્ક થઈ ગઈ હતી. કોરોનાને લઈને દોઢ વર્ષ બાદ દાદાના દ્વાર સંપૂર્ણપણે ખુલ્લા મુકાયા હતા. જેથી શ્રધ્ધાળુઓમાં અપૂર્વ હર્ષોલ્લાસ પ્રવર્તેલો જોવા મળ્યો હતો.

Gujarat