Get The App

પાલિતાણા: સુહાગ રાતે પત્નીની નજર સામે જ પતિનું અગ્નિસ્નાન !

Updated: Nov 30th, 2018

GS TEAM


Google News
Google News
પાલિતાણા: સુહાગ રાતે પત્નીની નજર સામે જ પતિનું અગ્નિસ્નાન ! 1 - image

ભાવનગર, તા. 30 નવેમ્બર 2018, શુક્રવાર

કોઈ પણ યુવતી લગ્ન પૂર્વે ભાવિ ભરથાર સાથે નવજીવનના હજારો સમણા સજાવીને લગ્નના માંડવે આવતી હોય છે. પાલિતાણા પંથકમાં ગઈકાલે આયોજીત એક સમુહ લગ્નોત્સવમાં જીવનભરના સફર માટેના હમસફર બનેલા દંપતીઓ પૈકી એક દંપતી લગ્નની પ્રથમ રાત્રિએ જ ખંડિત થવાનું છે તેવી કોઈએ કલ્પના પણ કરી ન હતી.

નવવધુના ભીલવાડા વિસ્તારમાં કંકુ પગલા કરી ચોખાનો કળશ ઢોળી ઘરમાં વધામણા કરાયા ત્યારે પિયરને કાયમ માટે ત્યજીને આવેલી નવવધુએ સાસરીમાં સાકરની જેમ ભળી જવાની ભાવના સાથે ગૃહપ્રવેશ કર્યો હતો, પરંતુ સુહાગ રાતે જ પત્નીની નજર સામે જ પતિએ અગ્નિસ્નાન કરી લેતા પતિને બચાવવા પ્રયાસ કરનારી નવવધુ અવાક બનીને કૂદરતને કોસતી રહીં હતી. પરંતુ પતિએ ભાવનગર હોસ્પિટલ બિછાને દમ તોડી દેતા પત્નીનું સિંદુર લગ્નની પ્રથમ રાત્રિએ જ ભૂંસાઈ ગયુ હતુ.

કૂદરતની કહેર વરસાવતી ઉક્ત આઘાતજનક કરૂણાંતિકા અંગે મળતી સિલસિલાબધ્ધ વિગતો મૂજબ પાલિતાણાના ભીલવાડા  વિસ્તારમાં રહેતા જગદિશભાઈ બચુભાઈ રાઠોડ (ઉ.વ.25)ના હજુ ગુરૂવારે જ સમુહ લગ્નોત્સવમાં લગ્ન થયા હતા. સુહાગ રાતે પત્નીને નવજીવનના હજારો સમણા સાકાર કરવાની લાગણી દર્શાવવાના બદલે જગદિશના મનમાં કંઈક બીજુ જ તોફાન ચાલતુ હતુ. હજુ પત્નીની મહેંદીનો રંગ પણ તાજો હતો ત્યાં સુહાગ રાતે જ ગુરૂવારે મોડીરાત્રિના 12 કલાકના અરસા દરમિયાન પોતાના ઘરે પત્નીની નજર સામે જગદિશે કોઈ અગમ્ય કારણોસર જાતે કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લેતા તેને તાત્કાલિક સારવાર અર્થે ગંભીર હાલતે પ્રથમ પાલિતાણા માનસિંહજી હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર્થે  ભાવનગર સર ટી. હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજતા પત્ની પર કહેર વરસ્યો હતો.

આ ગંભીર ઘટના અંગે શુક્રવારે સાંજ સુધી પાલિતાણા પોલીસ અજાણ હોવાનું જણાવી રહીં છે. હોસ્પિટલ ચોકીથી કોઈ કાગળો પાલિતાણા પોલીસ મથકે પહોંચ્યા નહીં હોવાથી પાલિતાણા પોલીસ આ હૃદયદ્રાવક ઘટનાથી વાકેફ નહીં હોવાનું જાણવા મળ્યુ હતુ. જો કે, આ અંગે ભાવનગર હોસ્પિટલ પોલીસે વધુ વિગતો આપતા જણાવ્યું હતુ કે, યુવાને લગ્નની પ્રથમ રાત્રિએ જ અગન પછેડી ઓઢતા તેને બચાવવા જતા માતા શામુબેન અને પત્ની પણ થોડા દાઝ્યા હતા જેથી તેમને પ્રાથમિક સારવાર અપાયા બાદ તેમની સ્થિતિ ચિંતામૂક્ત હતી.

પરંતુ મૃતક યુવાનના પત્ની અને માતાને મલમપટ્ટીથી શરીરના ઘાવ રૂઝાયા હતા પણ હૈયે વાગેલા ઘાવ કદાચિત આજીવન બૂઝાશે નહીં ! યુવાનના મૃત્યુથી માતા શામુબેન, પિતા બચુભાઈ અને નવવધુ સહિતનો પરિવાર આઘાતમાં સરી પડયો છે. હોસ્પિટલ પોલીસે વધુમાં કહ્યું હતુ કે, મૃતક યુવાન 7 વર્ષ પૂર્વે માનસિક બિમારીની દવા લેતો હતો. ત્યારે કહીં શકાય કે માનસિક અસ્વસ્થ યુવાન સાથે લગ્ન કરી નવવધુનું જીવન ઝેર થઈ ગયુ છે.
Tags :