'મહા' મુસીબત: ભાવનગર બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ
ભાવનગર, તા. 06 નવેમ્બર 2019, બુધવાર
અરબી સમુદ્રમાં ઉદ્ભવેલું મહા વાવાઝોડું રાજ્યના દરિયાકાંઠે ટકરાઈ તે પૂર્વે તેની ગતિ મંદ પડવા લાગતા 'મહા'ની સંભવત્ મુસીબતમાંથી થોડી રાહત મળી છે. જો કે, તેમ છતાં ભાવનગર જિલ્લાના દરિયાકાંઠાના ગ્રામ્ય વિસ્તારોના લોકોને સાવચેત રહેવા વહીવટી તંત્રએ તાકીદ કરી છે. મહા વાવાઝોડાની આગાહીને પગલે ભાવનગર બંદર પર હાલ ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
વિશાળ દરિયોકાંઠો ધરાવતા ભાવનગર જિલ્લા પર મહા વાવાઝોડાની અસર થવાની સંભાવનાને કારણે દરિયાકાંઠાના 42 ગામોને એલર્ટ પર રખાયા છે. આવતીકાલે ગુરૂવારે મહા વાવાઝોડું જિલ્લાના ત્રાટકે તે પહેલાથી તેની ગતિમાં સતત ઘટાડો થતાં વહીવટી તંત્ર અને દરિયાકાંઠાના લોકોએ થોડો રાહતનો દમ લીધો છે. જો કે, વાવાઝોડાની આગાહીને પગલે આવતીકાલ તા. 07-11ને ગુરૂવારે દરિયામાં તેજ પવનની સાથે વરસાદ થવાની અને દરિયા કિનારો વાવાઝોડાથી પ્રભાવિત થઈ શકે તેવી સંભાવના રહેલી હોવાથી ભાવનગર બંદર પર હાલ ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
માછીમારોને હજુ પણ બે-ત્રણ દિવસ સુધી દરિયો ન ખેડવા સુચના અપાઈ છે. જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોના લોકોને પણ એલર્ટ પર રહેવા તાકીદ કરાઈ છે. નોંધનિય છે કે, વાવાઝોડાની ગતિમાં સતત ઘટાડો થઈ રહ્યો હોવાથી આ વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ જશે તેવું જણાઈ રહ્યું છે.