app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

ખંઢેરીના આધેડની હત્યામાં નામચીન રામદેવ સહિત ત્રણ આરોપી ઝડપાયા

Updated: Aug 30th, 2023


ક્રાઈમ બ્રાંચની ટીમે કચ્છના અંજારથી દબોચ્યા

આરોપી રામદેવના કાકા સાથે મૃતકને જમીનના મામલે માથાકૂટ ચાલતી હતી, મંદિરમાં મૃતકે રામદેવને કુહાડીના ઘા ઝીકી દેતા તેને પતાવી દેવાનો નિર્ણય લીધો

રાજકોટ: પડધરીના ખંઢેરી ગામે રહેતા પ્રકાશ કાનાભાઈ સોનારા (ઉ.વ.૪૪)ની ગત શનિવારે રાત્રે જામનગર રોડ પરની જમાવડો હોટલ નજીક માથામાં પાઈપના ઘા ઝીકી હત્યા કરી ભાગી ગયેલા નામચીન રામદેવ લક્ષ્મણભાઈ ડાંગર સહિતના ત્રણ આરોપીઓને ક્રાઈમ બ્રાંચની ટીમે કચ્છના અંજારમાંથી ઝડપી લીધા છે. આ કેસની ફરિયાદમાં આરોપી તરીકે રામદેવના ભાઈ મહિપતનું નામ અપાયું હતું. પરંતુ ક્રાઈમ બ્રાંચની પ્રાથમિક તપાસમાં મહિપતને બદલે રામદેવના પિત્રાઈ જનક ડાંગરની સંડોવણી ખુલી છે. 

આ બનાવ અંગે હત્યાનો ભોગ બનનાર પ્રકાશના ભાઈ વિજયે ગાંધીગ્રામ-ર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે મર્ડરના આગલા દિવસે તેના ભાઈને ગામમાં રહેતા રામદેવ સાથે શંકર ભગવાનના મંદિરે પુજા કરવા બાબતે ઝઘડો થયો હતો. જેના સમાધાન માટે રામદેવે તેના ભાઈને જમાવડો હોટલ પાસે બોલાવી ત્યાં તેના ભાઈના માથામાં હથિયારોના ઘા ઝીકી હત્યા નિપજાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે રામદેવ  તેના ભાઈ મહિપત અને ઘંટેશ્વરના સતિષ મેરામભાઈ બાલાસરા સામે ગુનો નોંધ્યો હતો. 

આ ત્રણેય આરોપીઓને પકડવા ગાંધીગ્રામ-ર પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાંચની પાંચેક ટીમોને કામે લગાડાઈ હતી. આખરે પીઆઈ બી.ટી. ગોહિલને મળેલી માહિતીના આધારે આરોપી રામદેવ, તેના પિત્રાઈ જનક (રહે. ગાંધીગ્રામ, જીવંતિકાનગર શેરી નં.૩) અને સતિષને ક્રાઈમ બ્રાંચની ટીમે કચ્છના અંજારથી ઝડપી લઈ એક સ્કોર્પિયો કબ્જે કરી હતી. 

ત્રણેય આરોપીઓની પૂછપરછ કર્યા બાદ ક્રાઈમ બ્રાંચના સૂત્રોએ જણાવ્યું કે આરોપી રામદેવના કાકા પોલાભાઈ ડાંગર સાથે હત્યાનો ભોગ બનનાર પ્રકાશને જમીન બાબતે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલતો હતો. જેમાં રામદેવ કાકા પોલાભાઈને સપોર્ટ કરતો હોવાથી પ્રકાશને ગમતું ન હતું. જેને કારણે બંને વચ્ચે તકરાર ચાલતી હતી. રામદેવ શ્રાવણ માસમાં ખંઢેરી ગામમાં આવેલા ધારેશ્વર મહાદેવના મંદિરે દરરોજ પુજા કરવા જતો હતો. મર્ડરના આગલા દિવસે પણ તે ત્યાં ગયો હતો ત્યારે પ્રકાશ સાથે પુજા કરવા બાબતે ઝઘડો થતા ઉશ્કેરાઈ જઈ પ્રકાશે પોતાના બાઈકમાં રહેલી કુહાડી કાઢી તેના વડે  હુમલો કરતા રામદેવે હાથ આડો ધરી દેતા તેના હાથમાં ૮ ટાંકા આવ્યા હતા. 

જો કે આ વાત તેણે કોઈને કરી ન હતી. ઘરે પણ તેણે પતરૂ લાગતા ઈજા થયાનું બ્હાનું બતાવી દીધું હતું. પોતાની ઉપર હુમલો થયા બાદ તેણે તેના પિતરાઈ જનક અને મિત્ર સતિષને કહ્યું કે જો હવે આપણે પ્રકાશને નહીં પાડી દઈએ તો તે આપણને પાડી દેશે. આ પછી જનકને પ્રકાશની રેકી કરવાના કામે લગાડી દીધો હતો. 

બનાવના દિવસે રામદેવે પ્રકાશને કોલ કરી સમાધાન માટે જમાવડો હોટલે બોલાવતા તે ત્યાં ગયો હતો. જયાં જનક  પોતાની સ્વીફટમાં ગયો હતો. જયારે રામદેવ અને તેનો મિત્ર સતિષ હુન્ડાઈની કારમાં ત્યાં પહોંચ્યા હતા. સ્થળ પર પ્રકાશ આવતા જ શરૂઆતમાં તેને પ્રકાશે આપણે એક જ જ્ઞાાતિના છીએ, છતાં તું કેમ માથાકૂટ કરે છે તેમ કહ્યા બાદ અગાઉથી તૈયારી સાથે બેઠેલા રામદેવે પ્રકાશના માથામાં પાઈપનો ઘા ઝીકી પાડી દીધા બાદ બાકીના આરોપીઓ પણ માથામાં પાઈપના ઘા ઝીકી દીધા હતા.

ત્યારબાદ ત્રણેય આરોપીઓ એક જ કારમાં ભાગી ગયા હતા. અમરેલીમાં પોતાની કાર મુકી મિત્રની સ્કોર્પિયો લઈ અંજારમાં કોઈ વાડીમાં રોકાવા જાય તે પહેલાં ક્રાઈમ બ્રાંચે દબોચી લીધા હતા.

Gujarat