ગારિયાધાર તાલુકા પંચાયતના મોબાઇલમાં વ્યસ્ત રહેતા કર્મચારીઓને નોટીસો ફટકારાઇ
- ધારાસભ્યની સ્પે. સ્ક્વોર્ડે ભોપાળુ બહાર પાડયું
- લોકોના કામો જ્યારે થવા હોય ત્યારે થાય મો. એપ્લીકેશનથી પોતાની કમાણી કરવામાં કર્મચારીઓ વ્યસ્ત
ગારિયાધાર તાલુકા પંચાયતમાં છેલ્લા થોડા સમયથી જાણે કર્મચારીઓ તથા મોટાભાગના તલાટીઓ તથા મળતીયાઓ કોઇક કંપનીની ખાનગી એપ્લીકેશન કે જેની મોબાઇલ ફોનમાં લીંક આવે છે તેમાં પૈસાનું રોકાણ કરી રોજીંદુ વળતર મેળવવાની લોભામણી સ્કીમનો સ્વાદ ચાખી ગયા હોય કામના સમયે પણ મોબાઇલમાં વ્યસ્ત રહેતા હોવાનું જણાયું છે. જ્યારે ધારાસભ્ય ગારિયાધાર દ્વારા તમામ સરકારી કચેરીઓમાં લોકોના કામો અને તેમને પડતી મુશ્કેલીઓ હલ કરવા હેતુ પોતાની પ્રાઇવેટ સ્ક્વોર્ડ બનાવીને આ ટીમ દ્વારા લોકોના વણઉકેલ પ્રશ્નો કર્મચારી તથા અધિકારીને રજૂ કરીને તાત્કાલીક નિરાકરણ લાવવામાં આવે છે ત્યારે આ ટીમના જ મેમ્બરો આ પ્રશ્ને ફરિયાદ મળતા ટીમ દ્વારા સ્થળ તપાસ કરાઇ જેમાં આ પૈકી કેટલાક કર્મચારીઓ મોબાઇલ એપ્લીકેશનમાં વ્યસ્ત દેખાયા હતા. આ મામલો ગારિયાધાર તાલુકા વિકાસ અધિકારી સુધી પહોંચ્યો હતો અને તેમના દ્વારા તમામ કર્મચારી તથા તલાટીઓને આ અંગે નોટીસ ફટકારી હોવાનું તાલુકા વિકાસ અધિકારી ગારિયાધાર દ્વારા જાણવા મળેલ છે. જો કે, હાલ પુરતો મામલો નોટીસ આપી થાળે પાડયો છે પરંતુ સરકારી પગાર ખાઇને પોતાના સ્વાર્થ સિદ્ધ કરી પ્રજાના કામો ટલ્લે ચડાવવા કે ડીલે કરવાની નીતિનો વ્યાપક વિરોધ થવા પામ્યો હતો.