ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના સામે ગુનો નોંધો
- અભિવાદન સમારોહમાં મેદની એકઠી થઈ હતી
- સોમનાથ અને રાજકોટના એડવોકેટ દ્વારા ડી.જી.પી. અને સી.પી.ને રજુઆત કરી પગલા લેવા કરી માંગણી
રાજકોટ, તા.24 ઓગસ્ટ 2020, સોમવાર
એક તરફ કોરોનાના પગલે જાહેરનામનો ભંગ કરનાર સામન્ય લોકો વિરૂધ્ધ પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. ત્યારે બીજી તરફ સોમનાથ અને રાજકોટ સહિતના સ્થળે યોજાયેલા ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના અભિવાદન સમારોહમાં નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરાયું હોવા છતાં કોઈપણ કાર્યવાહી ન થતા અનેક ચર્ચાઓ જાગી છે. ત્યારે આ મામલે રાજકોટ અને વેરાવળના એડવોકેટ દ્વારા ડિ.જી.પી. અને રાજકોટ શહેર પોલીસ કમિશનરને લેખીત રજુઆત કરી પગલા લેવા માંગણી કરી હતી.
વેરાવળના એડવોકેટ ઉમેશ પટેલ રાજયના પોલીસ વડાને લેખીતમાં જણાવ્યું કે, ભાજપ પ્રદેશ પ્રમુખના સોમનાથ સહિતના સ્થળોએ અભિવાદન સમારોહમાં કાયદા કાનુનનું પાલન કરાયું ન હોય હાલ કોરોના મહામારીમાં માસ્ક ન પહેરવું, અંતર જાળવા માટે જાહેરનામું બહાર પડાયું છે. અને કોઈપણ મેળાવડા ન કરવા તેમજ જણાવાયું છે. છતાં નિયમોનાં ચિથરા ઉડાવી આ કાર્યક્રમોમાં ટોળાઓ એકઠા થયા હતાં. જો કે તેમ છતાં પોલીસ મુકપ્રેક્ષક બની હતી. સામાન્ય લોકો પર કાયદા કાનુન લાગુ પડે છે. ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ, તેના પદાધીકારીઓ, આગેવાનો, કાર્યકરોએ શક્તિ પ્રદર્શન કર્યું હોય પ્રદેશ પ્રમુખ સહિત તમામ સામે ફોજદારી રાહે ગુનો નોંધવા માંગ કરી હતી. તેમજ જો તંત્ર દ્વારા કામગીરી કરવામાં ન આવે તો તમામ સામે ન્યાયિક પ્રક્રિયા કરવામાં આવશે તેમ પત્રમાં જણાવ્યું હતું. જયારે રાજકોટમાં પણ એડવોકેટ જીજ્ઞોશ જોષીએ પોલીસ કમિશનરને જણાવ્યું હતું.
ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા ૫ હજારથી વધુ લોકોની હાજરી વાળી રેલી યોજાઈ હતી. અને એક ખાનગી કોલેજ પોતે ૧ હજારથી વધુ લોકોની મીટીંગ કરી હતી. જેથી ભાજપ પ્રમુખ ઉપરાંત અન્ય આગેવાનો સામે ગુનો નોંધવા અને માસ્ક ન પહેલેલ હોય તેમ ને દંડ કરવા સહિતની માંગ કરી હતી.