'મહા' વાવાઝોડાની આગાહીના પગલે માર્કેટીંગ યાર્ડમાં નવી આવકો બંધ કરાઇ
ભાવનગર, તા. 04 નવેમ્બર 2019, સોમવાર
ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં 'મહા' વાવાઝોડાની સંભવિત આગાહી વચ્ચે ખાના ખરાબી રોકવા અનાજ, કઠોળ, તેબીલીયા, કપાસ તમામ જણસીઓ તા. 07-11ને ગુરૂવાર સુધી નવી આવકો સદંતર બંધ કરાઇ છે. જ્યારે શાકભાજી અને લીંબુની આવક શરૂ રાખવા નિર્ણય કરાયો છે.
ભાવનગર માર્કેટયાર્ડ દ્વારા ક્યાર વાવાઝોડાના કારણોસર તા. 05-11ને મંગળવાર રાત્રીના 7 વાગ્યા સુધી ફક્ત મગફળી, કપાસની નવી આવકો સદંતર બંધ રાખવામાં આવેલ હતી. જે ક્યાર વાવાઝોડાનો ભય ટળ્યો ત્યા હવે આગામી તા. 06 અને 07 નવેમ્બર બુધવાર અને ગુરૂવારના રોજ ભાવનગર દરીયા કાંઠે મહા વાવાઝોડુ ત્રાટકવાની શક્યતા છે.
ત્યારે આ 'મહા' વાવાઝોડાના પગલે 80 થી 90 કિલો મીટર ઝડપે પવન ફુંકાશે અને ભારે વરસાદ પડવાની સંભાવના જણાતી હોય ભાવનગર માર્કેટયાર્ડ ખાતે અનાજ-કઠોળ, તેલીબીયા, કપાસ (શાકભાજી-લીંબુ સિવાય)ની જણસીઓ તા. 07-11ને ગુરૂવારે રાત્રે 7 વાગ્યા સુધી કોઇપણ ખેડૂતોએ-વાહન માલીકો ઉપરોક્ત જણસીઓની નવી આવકો ભાવનગર માર્કેટયાર્ડ ખાતે વેચાણ અર્થે લાવવી નહી. ખેડૂતોનો કિંમતી માલ બગડે નહી તેમજ તેનો કિંમતી સમય અને નાણાંનો દુરવ્યય ન થાય તે હેતુસર વ્યવસ્થાના ભાગરૂપે પ્રવેશબંધી કરેલ છે.