Get The App

બરવાળાના રામપરા ગામે ભત્રીજાએ છરીના ઘા ઝીંકી કાકાની કરી હત્યા

- મહિલા સાથે આડસબંધની શંકાને લઇ થયેલી બોલાચાલીની અદાવતે

- ભરબપોરે બનેલા બનાવના પગલે ભારે અરેરાટી: હત્યારો પોલીસના હાથવેતમાં

Updated: Oct 18th, 2019

GS TEAM

Google News
Google News
બરવાળાના રામપરા ગામે ભત્રીજાએ  છરીના ઘા ઝીંકી કાકાની કરી હત્યા 1 - image


બરવાળા, તા. 18 ઓક્ટોબર 2019, શુક્રવાર

બરવાળા તાલુકાના રામપરા ગામે આજે ધોળા દિવસે સગ્ગા કાકાને ઉપરાછાપરી છરીના ઘા મારી ભત્રીજાએ કરપીણ હત્યા કરી નાખતા ભારે અરેરાટી છવાઇ જવા પામી હતી. મહિલા સાથે આડ સબંધ હોવાની શંકાને લઇ અગાઉ થયેલ બોલાચાલીની અદાવતે ભત્રીજાએ કાકાનું ઢીમ ઢાળી દીધું હોવાનું ખુલવા પામ્યું હતું.

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર બરવાળા તાલુકાના રામપરા ગામે રહેતા વિક્રમભાઇ નારશંગભાઇ ઢોળીયા (ઉ.વ.૩૭) આજે બપોરે ૧૨.૧૫ કલાકના અરસા દરમિયાન પોતાના હિરા ઘસવાનો વ્યવસાય કરતા હોય ત્યારે રાબેતામુજબ બપોરે રિસેશના સમયે પોતાના ઘરે જમવા માટે જઇ રહ્યા હતા. તે વેળાએ તેઓના મોટાભાઇનો પુત્ર સંજય રમેશભાઇ ઢોળીયાએ ધસી આવી તેના નેફામાં રાખેલ છરી કાઢી તેના કાકા વિક્રમભાઇને ઉપરાછાપરી છાતીના ભાગે છરીના ઘા ઝીંકી દઇ હત્યા કરી નાસી છુટયો હતો. ભરબપોરે બનેલા બનાવને લઇ ભારે ચકચાર મચી જવા પામી હતી અને બરવાળા પી.એસ.આઇ. ઝાલા સહીતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળ પર દોડી ગયો હતો.

ઉક્ત બનાવ અનુસંધાને મૃતકના પત્નિ સુનિતાબેન વિક્રમભાઇ ઢોળીયા (ઉ.વ.૩૫)એ બરવાળા પોલીસ મથકમાં સંજય રમેશભાઇ ઢોળીયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, તેઓના પતિનું મહિલા સાથે આડસબંધ હોવાનો શક સંજયને હોય જે બાબતે અગાઉ બોલાચાલી થયેલ. જેનું મનદુઃખ રાખી સંજયે તેઓના પતિની હત્યા કરી નાખી હતી. ફરિયાદ સંદર્ભે પોલીસે શખસ સામે આઇપીસી ૩૦૨, મુજબ ગુનો દાખલ કર્યો હતો. જ્યારે હત્યારો પોલીસના હાથવેતમાં હોવાનું જાણવા મળ્યું હતું.

Tags :