લાપરવાહી : માસ્ક ન પહેરતા 1582 લોકો સામે કાર્યવાહી
- ભાવનગર શહેર અને જિલ્લાભરમાં માસ્ક ડ્રાઇવ
- એક જ દિવસમાં ૩.૧૬ લાખની જ્યારે અનલોકના સમયગાળા દરમિયાન ૧.૦૨ કરોડનો લોકોએ દંડ ભર્યો
ભાવનગર, તા. 22 જુલાઈ 2020, બુધવાર
કોરોના વાયરસનાં સંક્રમણને અટકાવવા લોકોને સાવચેતી સાથે માસ્ક પહેરવું ફરજિયાત બનાવાયું છે ત્યારે ભાવનગર શહેર જિલ્લામાં પોલીસ અને પ્રશાસને સંયુક્ત કામગીરી હાથ ધરી હતી. ગઇકાલે માસ્ક ડ્રાઈવમાં એક જ દિવસમાં ૧૫૮૨ લોકો ઝપટે ચડી આવતા તેઓ સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરી ૩.૧૬ લાખના દંડની વસુલાત કરવામાં આવી હતી.
ભારતભરમાં પણ દિનપ્રતિદિન કોરોનાના સંક્રમણ વચ્ચે પોઝીટીવ લોકોની સંખ્યામાં ઉત્તરોતર વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોના સંક્રમણને ખાળવા તંત્ર દ્વારા તકેદારી રૃપ પગલા લઈ જુદા જુદા જાહેરનામાં પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. જ્યારે લોકોએ માસ્ક પહેરવું ફરજિયાત બનાવ્યું છે ગૃહ વિભાગના પરિપત્ર મુજબ જાહેરમાં માસ્ક ન પહેરવા બદલ રૃપિયા ૨૦૦ ના દંડ વસુલવામાં આવી રહ્યો છે. ત્યારે ભાવનગર શહેર અને જિલ્લામાં ભાવનગર પોલીસ, મહાનગરપાલિકા, નગરપાલિકાઓ અને ગ્રામ્ય વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરવામાં આવતા ગઈકાલે માસ્ક ડ્રાઈવ દરમિયાન ૧૫૮૨ લોકો તંત્રની ઝપટે ચડી આવતા તેઓ સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરી દંડની વસુલાત કરવામાં આવી હતી. ગઇકાલ તા.૨૧-૭ના રોજ ભાવનગર મહાપાલિકાએ ડ્રાઇવ દરમિયાન ૧૫૯ કેસ, પોલીસ તંત્રએ ૧૩૭૧ કેસ, નગરપાલિકાની જુદી જુદી કચેરીઓએ ૪૨ કેસ જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં માસ્ક ન પહેરવા સબબ ૧૦ કેસ કરી કુલ એક જ દિવસમાં ૩૧,૬૪,૦૦ના દંડની તંત્રએ વસૂલાત કરી હતી. જ્યારે કોરોનાના કહેર વચ્ચે લોકડાઉન બાદ અનલોક-૧ અને ૨ દરમિયાન હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં કુલ ૫૦,૪૪૮ લોકો સામે દંડાત્મક કાર્યવાહી સાથે કુલ ૧,૦૨,૩૬,૮૦૦ના દંડની વસુલાત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.