રાજકોટમાં કુદરતી હરિયાળી ત્યાં અર્બન ફોરેસ્ટ માટે રૂા.7.68 કરોડનો ખર્ચ!
- મહામારીમાં'ય મનનો મેલ ધોવાયો નહીં
- વિવેક નેવે કે મલાઈનો મોહ ? આજી ડેમ પાસે શાંતિ છે ત્યાં શાંતિપૂર્ણ સ્થળ બનાવવા થિયેટર, પ્લેગ્રાઉન્ડનો જંગી ખર્ચ!
અર્બન ફોરેસ્ટ એટલે કે ગુજરાતમાં શહેરી જંગલમાં આવું બધુ હોય? કમિશનર,મેયરે તેનો જવાબ દેવો જોઈએ
રાજકોટ, તા. 8 જુલાઈ, 2020, બુધવાર
રાજકોટના આજી ડેમ વિસ્તાર કે જ્યાં સીત્તેર વર્ષથી જળાશય હોય આજુબાજુ કુદરતી રીતે જ હરિયાળી ખિલેલી રહે છે, ઘનિષ્ઠ વૃક્ષો ઉગી જાય છે ત્યાં ૪૭ એકરની જમીનમાં પર્યાવરણપ્રેમીઓને સાથે રાખી થોડા લાખ રૂ।.માં સુઆયોજિત વૃક્ષારોપણ ,રસ્તા કરીને નયનરમ્ય, કુદરતી વન નિર્માણ થઈ શકે છે તેના બદલે પ્રજાની તિજોરીમાંથી કરોડો ઉસેડી શકાય તેવા શંકાસ્પદ ઈરાદે ત્યાં અર્બન ફોરેસ્ટના નામે અધધધ રૂ।.૭.૬૮ કરોડના જંગી ખર્ચે વિકાસ (કોનો?) કરવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત કરાઈ છે. આજી ડેમ સ્થળે વિતેલા ચાલીસેક વર્ષમાં અનેકવાર વૃક્ષારોપણ થયું છે, ઉદ્યાન પણ વિકસાવાયું છે અને આ માટે ત્યાં કુદરતી અનુકૂળતા છે. પરંતુ, ઓછા ખર્ચમાં રસકશ ન હોય તે રીતે આ તદ્દન બીનજરૂરી અને પ્રજા માટે ખર્ચની દ્રષ્ટિએ બોજરૂપ પ્રોજેક્ટ મુકાયો છે.
એટલું જ નહીં, સામાન્ય વિવેક બુધ્ધિથી પર સ્પેશિયલ સિટી એન્જિનિયર (શેમાં સ્પેશિયલ?)ના અભિપ્રાયના આધારે થયેલી આ દરખાસ્તમાં આ જંગી રકમ કઈ વસ્તુ માટે કેટલો ખર્ચ થશે તે વિગત તો આજે જારી કરાઈ નથી પરંતુ, એક તરફ તેનો ઉદ્દેશ એવો દર્શાવાયો છે કે આ સ્થળે શાંતિપૂર્ણ અને સ્વાસ્થ્યપ્રદ વાતાવરણની અનુભૂતિ થાય તે માટે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અને બીજી તરફ ત્યાં ઓપન એર થિયેટર, (ત્યાં જંગલમાં ફિલ્મ જોવા જવાનું છે?) એક્ઝીબીશન એરિયા, પ્લે ગ્રાઉન્ડ, ગઝેબો, એડમીન ઓફિસ, પ્લે ગ્રાઉન્ડ સાયકલ ટ્રેક (ત્યાં સાયકલ ચલાવવા લોકો જશે?) વગેરે બનાવવા આ ખર્ચ કરાઈ રહ્યાનું જણાવાયું છે!
મહામારીના આ કપરાં કાળ પછી પણ મનપાના કેટલાક સત્તાધીશોના મનનો મેલ ધોવાયો ન હોય તેમ આ સ્થળે પ્રકૃતિ અને પંખીઓ માટે શુ જોઈએ તેની કાં તો સમજ નથી અથવા નાણાં ઉડાડવામાં એટલા ગળાડૂબ છે કે તે દિશામાં વિચારાતું જ નથી. આ સ્થળે જો વિકાસ કરવો હોય, અને તે પણ પર્યાવરણને ધ્યાને લઈને સ્વાસ્થ્યપ્રદ અને શાંતિપૂર્ણ સ્થળ કરવું હોય તો ત્યાં ઓછા ખર્ચમાં ઉગાડી શકાતા હજારો વૃક્ષો આયોજનબધ્ધ રીતે વાવવાની અને લોકોને ત્યાં જતા કરવા હોય તો માટે રસ્તા, લાઈટ, સાદી બેઠક વ્યવસ્થા, પાણી,ટોઈલેટની જરૂર છે. અવાજ-ઘોંઘાટ કે બાંધકામ બીલકૂલ ન થાય તે આવા સ્થળ માટે જરૂરી છે. તેમ થાય તો ત્યાં પંખીઓ આવી શકે, આશરો મેળવી શકે અને પર્યાવરણની રક્ષા થાય તેમ છે.
દરખાસ્તની પ્રાપ્ત વિગતો જોતા તે માત્ર પર્યાવરણ માટે કે અર્બન ફોરેસ્ટ માટે નહીં પણ કોઈ એજન્સીને કરોડો રૂ।.ચૂકવી શકાય તેવો મલિન ઈરાદો હોવાની ગંધ આવી રહી છે. મનપામાં હજુ જેમનો અંતરાત્મા જીવે છે તે અધિકારીઓ અને પદાધિકારીઓએ આવા પ્રોજેક્ટોને બ્રેક મારીને જો પર્યાવરણમાં રસ હોય તો ખર્ચ સમગ્ર શહેરના ૧૬૩ ચો.કિ.મી. એરિયામાં વૃક્ષો વાવવા માટે કરવો જોઈએ તો જ શહેરનું પર્યાવરણ સારૂ થશે.
કોઈના બંગલામાં રૂપિયાના ઝાડનું જંગલ થાય તેવા નહીં પણ શહેરમાં વૃક્ષો ઘટાટોપ ખિલે તેવા પ્રોજેકટની શહેરને જરૂર છે અન્યથા આવી દરખાસ્તો અંગે સત્તા પાસે શાણપણ નક્કામુ ગણીને મૌન સેવી લેવાય તો પણ કુદરતને જવાબ દેવાની પોતાની પધ્ધતિ હોય છે.