રાષ્ટ્રીયકૃત બેન્કોએ બે વર્ષમાં મોટા માથાના 3.25લાખ કરોડ માફ કર્યા!
- બેન્કોના દેવા માંડવાળીથી દોઢ લાખ કરોડનો નફો ખોટમાં ફેરવાયો!
- બેન્ક વર્કર્સનો વિરોધ : બેન્કોના રાષ્ટ્રીયકરણને કાલે 51 વર્ષ થશે
કેન્દ્રએ પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ વધારી આમ જનતાને ડામ દેવાને બદલે આ રકમ ઉઘરાવવી જરૂરી
રાજકોટ, તા. 17 જુલાઈ 2020, શુક્રવાર
વડાપ્રધાન સ્વ.ઈન્દિરા ગાંધીએ એક મહત્વપૂર્ણ નિર્ણય લઈને તા.૧૯-૭-૧૯૬૯ના ૧૪ મોટી બેન્કોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું. જેના પગલે બેન્ક સર્વિસ ગ્રામ્ય વિસ્તારમાં મળતી થઈ, શખાઓ અનેકગણી વધી ગઈ અને હરિયાળી અને શ્વેત ક્રાંતિમાં મહત્વનું પૂરકબળ મળ્યું. આગામી રવિવાર આ નિર્ણયને ૫૧ વર્ષ પૂરા થશે તે નિમિત્તે બેન્કની આજની આર્થિક સ્થિતિ અંગે બેન્ક કર્મચારી સંગઠને જણાવ્યું કે આ બેન્કોએ જ ઈ.સ.૨૦૧૮-૧૯માં જંગી નફો કર્યો હતો પણ તેમાંથી મોટા મુખ્યત્વે ઉદ્યોગપતિઓ સહિત બે વર્ષમાં જ રૂ।.૩.૨૫ લાખ કરોડ અને કૂલ રૂ।.૬ લાખ કરોડથી વધુ રકમની લોન વસુલવાને બદલે માંડવાળ કરતા બેન્કોની આર્થિક સ્થિતિ કફોડી થઈ રહી છે.
સામાન્યત: સરકારી બેન્કો કોઈ આમ નાગરિકે બે-પાંચ લાખની લોન લીધી હોય અને પચીસ પચાસ રૂપરડી બાકી હોય તોય માફ કરતી નથી બાકી રાખતી નથી પણ મોટા મોથાઓના અબજો રૂ।.માફ કરી દેવાયા છે અને સરકાર આ ગંભીર બાબતને નજર અંદાજ કરી રહી છે.
આ અંગે ગુજરાત બેન્ક વર્કર્સ યુનિયનના મહામંત્રી કે.પી.અંતાણીએ જણાવ્યું કે એસ્સાર, ભુષણ સ્ટીલ, જ્યોતિ સ્ટ્રક્ચર્સ, ઈલેક્ટ્રો સ્ટીલ, મોનેટો ઈસ્પાત, આલોક ઈન્ડસ્ટ્રીઝ એ છ ઉદ્યોગપતિઓને કૂલ રૂ।.૧,૭૫,૮૭૦ કરોડની લોન અપાઈ હતી તેમાં માત્ર રૂ।.૯૪,૫૨૬ કરોડ મેળવવા સમાધાન કરી બાકીની ૪૬ ટકા જેવી જંગી રકમ માંડવાળ કરી છે.
રાષ્ટ્રીય કૃત બેન્કો દર વર્ષે ઓપરેટીવ પ્રોફીટ કરતી રહી છે ઈ.સ.૨૦૧૮-૧૯માં બેન્કોનો નફો રૂ।.૧.૪૯ લાખ કરોડનો હતો પરંતુ, ડુબડ લેણાની જોગવાઈ કરાતા આ નફો રૂ।.૬૬ હજાર કરોડની ખોટમાં ફેરવાઈ ગયો! ઈ.સ.૨૦૧૮માં રૂ।.૧.૨૮ લાખ કરોડ અને ઈ.સ.૨૦૧૯માં ૧.૯૬ લાખ કરોડ મળી રૂ।.૩.૨૫ લાખ કરોડ જેવી જંગી રકમ માંડવાળ કરાઈ છે. કર્મચારીઓ એક સૂરમાં જણાવે છે આ રકમની સરકારે કડક વસુલાત કરાવવી જોઈએ. અને આ અન્વયે બેન્ક રાષ્ટ્રીયકરણ દિવસ નિમિત્તે સોમવાર તા.૨૦ના ગુજરાતના બેન્ક કર્મચારીઓ રાષ્ટ્રીયકૃત બેન્કોનું જતન કરો તેવી માંગ સાથે બિલ્લા ધારણ કરશે. સામાન્ય જનતાના બેન્કોમાં પડેલા નાણાંની રખેવાળીના ઉદ્દેશ સાથે આ દિવસ ઉજવાશે.
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીયકરણ વખતે દેશમાં બેન્કોની શાખા માત્ર ૮૦૦૦ હતી જે આજે ૧,૫૬,૩૨૯ શાખા છે. એ સમયે ગ્રામ્ય વિસ્તારમાં બેન્ક ન્હોતી અને આજે ૫૨ હજારથી વધુ શાખાઓ દેશના ગામડાઓમાં આવેલી છે. મૂળભૂત ક્ષેત્રમાં ધિરાણ નહીવત્ હતું જે આજે ૪૦ ટકાએ પહોંચી ગયું છે. રાષ્ટ્રીયકારણને (નહીં કે ખાનગીકરણને) તેથી વધાવવામાં આવે છે અને બેન્ક કર્મચારીઓ માટે તે ગૌરવવંતો દિવસ છે.