Get The App

જેસરમાં બે હજાર રૂપરડીની ઉઘરાણી માટે યુવકની હત્યા, મોટોભાઈ ગંભીર

Updated: Sep 5th, 2023

GS TEAM


Google News
Google News
જેસરમાં બે હજાર રૂપરડીની ઉઘરાણી માટે યુવકની હત્યા, મોટોભાઈ ગંભીર 1 - image


- બચાવવા વચ્ચે પડેલા ભત્રીજાને ધક્કો મારી પછાડી દીધો

- છરી, ડીસમીસ અને લાકડાના ધોકાથી આડેધડ ઘા ઝીંકી દીધા, હત્યારા શખ્સોને પોલીસે ઝડપી લીધા, સરાજાહેર ખેલાયેલા ખૂની ખેલથી તંગદિલી, પોલીસનો ચાંપતો બંદોબસ્ત

જેસર : જેસરમાં માત્ર બે હજાર રૂપરડીની ઉઘરાણી મામલે છ શખ્સે સરાજાહેર ખૂની ખેલ ખેલી છરી, ડીસમીસ અને લાકડાના ધોકાથી બે સગા ભાઈ ઉપર હુમલો કરી નાનાભાઈની હત્યા કરી નાંખી હતી. જ્યારે મોટાભાઈને ગંભીર હાલતમાં ભાવનગર ખસેડવામાં આવ્યો હતો. બનાવને લઈ જેસરમાં ભારે ચકચાર મચી જવા પામી છે. સ્થિતિ તંગ બની જતાં પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી હત્યારાઓને ગણતરીની કલાકોમાં જ ઝબ્બે કર્યા હતા.

ચકચાર મચાવનારી ઘટના અંગે મળતી વિગત અનુસાર જેસરમાં રહેતા વિક્રમભાઈ મનસુખભાઈ બારૈયા (ઉ.વ.આ.૩૧)એ ગત વર્ષે ગણેશ ઉત્સવ દરમિયાન તુષાર લીંબાભાઈ પરમાર નામના શખ્સ પાસેથી બે હજાર રૂપિયા હાથઉછીના લીધા હતા. દરમિયાનમાં ગઈકાલે રાત્રિના સમયે વિક્રમભાઈ અને તેમના નાનાભાઈ નરસિંહભાઈ ઉર્ફે નાનજીભાઈ મનસુખભાઈ બારૈયા (ઉ.વ.આ.૩૦)ને પૈસાની ઉઘરાણી માટે જેસરમાં ત્રણ ખુણિયા પાસે બોલાવી લીંબા બાલાભાઈ પરમાર, ભરત ઉર્ફે ભોથો બાલાભાઈ પરમાર, કૃણાલ ભરતભાઈ પરમાર, મુન્ના બીજલભાઈ પરમાર, તુષાર લીંબાભાઈ પરમાર અને જયસુખ બાલાભાઈ પરમાર (રહે, તમામ જેસર)એ બોલાચાલી કરી બાકીના પૈસા નહીં આપે તો ગાડી આંચકી લેવાનું કહેતા વિક્રમભાઈએ ગાડી આપવાની ના પાડી હતી. જેથી ઉશ્કેરાયેલા તમામ છ શખ્સે છરી, ડીસમીસ અને લાકડાના ધોકા વડે બન્ને ભાઈ ઉપર આડેધડ ઘા ઝીંકી લોહિયાળ ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. દરમિયાનમાં બન્ને કુટુંબી કાકાને બચાવવા વચ્ચે પડેલા મયુરભાઈ મંગાભાઈ બારૈયાને ધક્કો મારી પછાડી દઈ શખ્સો નાસી ગયા હતા. સરાજાહેર થયેલા હુમલામાં લોહીથી લથપથ હાલતમાં રહેલા રહેલા બન્ને ભાઈને પ્રથમ જેસર અને વધુ સારવાર માટે મહુવા હનુમંત હોસ્પીટલ ખસેડવામાં આવતા નરસિંહભાઈ ઉર્ફે નાનજીભાઈ બાશ્રૈયાને ફરજપરના તબીબે મૃત જાહેર કરતા નજીવી રકમના મામલે થયેલી મારામારીની ઘટના હત્યામાં પરિણમી હતી. જ્યારે તેમના મોટાભાઈ વિક્રમભાઈને મહુવાથી ભાવનગર સર ટી.હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત ગંભીર હોય, બેભાન અવસ્થામાં એસઆઈસીયુ વોર્ડમાં દાખલ કરાયા હતા. ચકચારી ઘટના અંગે મૃતકના કુટુંબી ભત્રીજા મયુરભાઈ મંગાભાઈ બારૈયા (ઉ.વ.૨૨, રહે, રામજી મંદિર શેરી, જેસર)એ હત્યારા લીંબા પરમાર, ભરત ઉર્ફે ભોથો પરમાર, કૃણાલ પરમાર, મુન્ના પરમાર, તુષાર પરમાર અને જયસુખ પરમાર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા જેસર પોલીસે આઈપીસી ૩૦૨, ૩૦૭, ૩૪, ૩૨૪, ૫૦૪, ૫૦૬ (ર) અને જીપીએ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી હત્યારાઓને ગણતરીની કલાકોમાં જ ઝડપી લીધા હોવાનું જાણવા મળ્યું છે.

વધુમાં ઘટનાની જાણ થતાં જ જેસર પોલીસનો કાઠલો સ્થળ પર દોડી ગયો હતો અને સ્થિતિ વધુ તંગ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. બનાવને લઈ ત્રણ ખુણિયા વિસ્તારમાં લોકોની અવર-જવર બંધ રહેતા અજંપા ભરી શાંતિ જોવા મળી હતી. 

Tags :