Get The App

રાજુલા શહેરના મોટા ભાગના રસ્તાઓ તદ્રન બિસ્માર હાલતમાં

Updated: Jul 22nd, 2024

GS TEAM

Google News
Google News
રાજુલા શહેરના મોટા ભાગના રસ્તાઓ તદ્રન બિસ્માર હાલતમાં 1 - image

- છેલ્લા 2 વર્ષથી ચિફ ઓફિસરની જગ્યા ખાલી 

- સ્ટ્રીટલાઈટો બંધ હોય લોકોને હેરાનગતી, પડતર પ્રશ્નને લઇ કોગ્રેસ સમિતિનું આંદોલનનું અલ્ટીમેટમ

રાજુલા : રાજુલા નગરપાલિકામાં છેલ્લા બે વર્ષથી ચીફ ઓફિસરની જગ્યા ખાલી છે. રાજુલા શહેરમાં નગરપાલિકા સફાઇ, પાણી, લાઇટ સહિત વિવિધ બાબતોને લઇ કામગીરી કરવામાં ન આવતા શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા છે.સ્થાનિક પડતર પ્રશ્નોને લઈને  કોંગ્રેસ સમિતિ દ્વારા આંદોલનનું અલ્ટીમેટમ આપવામાં આવેલ છે. 

રાજુલા નગરપાલિકામાં હાલ વહિવટદારનું શાસન ચાલી રહ્યુ છે. રાજુલા નગરપાલિકામાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ પડી છે પણ વાપરે કોણ તે પ્રશ્ન ઉભો થયો છે. રાજુલાના શહેરી વિસ્તારનાં દરેક વોર્ડમાં ઘણા સમયથી ગંદકીનું સામ્રાજય સર્જાયુ છે તેના પરિણામે રોગચાળાની ભીતી સેવાઈ રહી છે. જેથી દરેક વોર્ડમાં નિયમિત સફાઇ કરવામા આવે તેમજ જંતુનાશક દવાઓનો છંટકાવ કરાવવો અત્યંત જરૂરી છે. શહેરના રાજમાર્ગો તથા શેરીઓના રસ્તાઓ બીસ્માર હાલતમાં થયેલ હોય તેનું તત્કાલ સમારકામ શરૂ કરવામાં આવે સાથોસાથ શહેરના વિવિધ વિસ્તારોની મોટા ભાગની સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં હોય નીશાચરોનો ભય રહે છે જેથી તમામ લાઇટો પુનઃ શરૂ થાય અને રાજુલા શહેરને અંધકારની ગર્તામાંથી સત્વરે બહાર કાઢવાનું કાર્ય થાય તેવી નાગરીકોની પ્રબળ માગણી છે. ખાસ કરીને લોકોને પીવાનાં પાણી માટે ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે. ત્યારે શહેરજનોને નિયમીતપણે પાણી આપવામાં આવે તે સહિત શહેરના વિવિધ પડતર પ્રશ્નોનું તાત્કાલિક ધોરણે દ્વારા નિરાકરણ કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી.રાજુલાના પડતર પ્રશ્નો અંગે કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપ્રત કરાયુ હતુ અને જો આગામી સમયમાં કોઈપણ પ્રશ્નનુ નિરાકરણ કરવામાં નહી આવે તો કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા ગાંધી ચિંન્ધ્યા માર્ગે આંદોલનની ચિમકી ઉચ્ચારાઈ હતી. આ રજુઆત વેળા શહેર કોંગ્રેસ પ્રમુખ રવીરાજભાઇ ધાખડા, રાહુલભાઇ ધાખડા, વિજયભાઈ વાઘ, ગાંગાભાઇ હડિયા, ઉત્સવભાઇ મારુ, રવજીભાઈ મહિડા, આરીફભાઇ સેલોત સહિત લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.