For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રંઘોળામાં 7 સ્થળે ગેરકાયદે બાયોડીઝલનુ વેચાણ કરાતા લાખો રૂપીયાનો મુદ્દામાલ સીઝ

Updated: Nov 17th, 2021


- જિલ્લા પુરવઠા અધિકારી, મામલતદાર સહિતના સ્ટાફે દરોડા પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી 

- બાયોડિઝલના 60,000 લીટરના જથ્થા સહિત રૂ. 47,19,600નો મુદ્દામાલ સીઝ કરાતા ફફડાટ : નમુના પૃથક્કરણ માટે ગાંધીનગર મોકલાશે 


ભાવનગર :Mગેરકાયદે બાયોડીઝલનો વેપાર વધી રહ્યો છે ત્યારે સરકારી તંત્ર દ્વારા કડક પગલા લેવામાં આવી રહ્યા છે. ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના રંઘોળા ખાતે ગેરકાયદે બાયોડીઝલનુ વેચાણ થતુ હોવાથી માહિતી મળતા સરકારી તંત્રએ જુદા જુદા સ્થળે દરોડા પાડી તપાસ હાથ ધરી હતી અને લાખો રૂપીયાનો મુદ્દામાલ સીઝ કર્યો હતો. સરકારી તંત્રએ કાયદેસરની કાર્યવાહી કરતા બાયોડીઝલનુ વેચાણ કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. 

ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાનાં રઘોળામાં ૭ સ્થળે ગત સોમવારે રાત્રીના સમયે ગેરકાયદેસર બાયોડીઝલનું વેચાણ થઇ રહયું હોવાની જાણકારી સરકારી તંત્રને મળી હતી. આ માહિતીના આધારે જિલ્લા પુરવઠા અધિકારી, ઉમરાળાના મામલતદાર સહિતના સ્ટાફે રંઘોળા ખાતે દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં સુરેશભાઈ બચુભાઈ ચાવડા (રંઘોળા ચોકડી), રસિકભાઈ ભાઈશંકરભાઈ પંડયા (ઓમ શકિત ફુડ ડેપો, આરોગ્ય કેન્દ્ર સામે), કુલદિપસિંહ મહાવીરસિંહ ગોહિલ (મઢુલી હોટલ, રંઘોળા ચોકડી), વિપુલભાઈ સુરાભાઈ કુવાડીયા (જય દ્રારકાધીશ હોટલ, રંઘોળા-અમદાવાદ હાઈ-વે), પૃથ્વીરાજસિંહ જયવંતસિંહ ગોહિલ (બજરંગ હોટલ, રંઘોળા), જયેશભાઈ કાળુભાઈ મેર (વૃંદાવન હોટલ, રંઘોળા), દીલીપભાઈ ટીસાભાઈ કોતર (માં કૃપા હોટલની બાજુમાં, રંઘોળા ચોકડી) વગેરે વ્યકિત બાયોડીઝલનો ધંધો કરતા હોવાનુ જાણવા મળેલ છે. 

સમગ્ર રાત્રિ દરમિયાન કરવામાં આવેલ તપાસણીની કાર્યવાહીમાં ટીમ દ્વારા ગેરકાયદેસર બાયોડીઝલનો અંદાજિત ૬૦,૩૦૦ લીટરનો જથ્થો મળીને કુલ રૂ.૪૭,૧૯,૬૦૦/- કિંમતનો જથ્થો સરકાર વતી સીઝ કરવામાં આવ્યો હતો. આ સીઝ કરેલ જથ્થા પૈકી બાયોડીઝલના નમુના પૃથક્કરણ અર્થે અન્ન અને નાગરિક પુરવઠા કચેરી, ગાંધીનગરને મોકલવામાં આવશે. પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ પેઢીના માલીક વિરુદ્ધ મહેસુલી કલેકટર, ભાવનગરની કોર્ટમાં કેસ ચલાવીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ગેરકાયદેસર રીતે બાયોડીઝલનું ખરીદ/વેચાણ કરવુ કાયદેસરનો ગુન્હો બને છે. જિલ્લામાં બાયોડીઝલના ખરીદ/વેચાણ અંતર્ગત કોઇ ગેરરીતિ જણાય તો તાત્કાલિક જિલ્લા પુરવઠા કચેરી, ભાવનગરનો સંપર્ક કરવો અથવા ઇ-મેઇલથી જાણ કરવા જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવેલ છે.  

Gujarat