માસ્કનાં કેસો, વાહન ડિટેઈન કરી પ્રજાને સવા કરોડનો 'ડામ'
- રાજકોટમાં વાહનો ડિટેઈન કરવામાં પોલીસ તંત્રનો અતિરેક
- કોરોનાકાળમાં પોલીસનાં આકરા દંડથી આર્થિક સંકડામણ સામે ઝઝૂમતા લોકોની હાલત કફોડી
રાજકોટ, તા. 10 જુલાઈ, 2020, શુક્રવાર
શહેરમાં હાલ કોરોના કાળમાં પોલીસે મુખ્યત્વે ક્યાંય સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન થતું નથી તે જોવાનું છે તેને બદલે ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાથી પોલીસ હાલ બધા કામ પડતા મૂકી વાહન ચેકિંગના નામે લોકો પાસેથી આકરા દંડ વસુલવામાં લાગી ગઈ છે.
છેલ્લા એક જ અઠવાડિયામાં પોલીસે મુખ્યત્વે માસ્ક વગરના અને જાહેરમાં થૂંકતા ૫૨,૨૨૯ લોકોને દંડી ૧ કરોડ ૪ લાખનો દંડ વસુલ કર્યો છે. માસ્ક નહીં પહેરવાથી અને જાહેરમાં થૂંકવાથી કોરોના ફેલાય છે અને પોલીસ આ બંને બાબતે કડકાઈ દાખવી લોકોને દંડે તેમાં કોઈને વાંધો કે વિરોધ ન હાઈ શકે, પરંતુ કોરોના અને વાહન ચેકિંગને શું સંબંધ છે તે કોઈને સમજાતું નથી.
પોલીસ લોકડાઉનથી અનલોક-૨ સુધી વાહન ચેકિંગના નામે લોકોને દંડી રહી છે. છેલ્લા દસ જ દિવસમાં પોલીસે ૪,૬૫૨ વાહનો ડિટેઈન કર્યા છે. જો પ્રત્યેક વાહનચાલક પાસેથી રૂા.૫૦૦ લેખે દંડ વસુલાયો હોય તો પણ આ દંડની રકમ ૨૩ લાખ આસપાસ છે. જે હાલ કોરોના જેવા સંકટકાળમાં આમ પ્રજા માટે ધગધગતા ડામ સમાન છે.
ટ્રાફિક પોલીસ જ નહીં પરંતુ દરેક પોલીસ મથકનો સ્ટાફ પણ વધુને વધુ વાહનો ડિટેઈન કરી દંડ વસુલી રહ્યો છે. છેલ્લા દસ દિવસમાં પોલીસે માસ્ક અને વાહન ડિટેઈનની કામગીરી કરી એકંદરે ૧.૨૫ કરોડની માતબર રકમનો દંડ વસુલ કરી લીધો છે. કોરોનાના કપરા કાળમાં હાલ ગરીબ, શ્રમિક અને મધ્યમ વર્ગના લોકોની આર્થિક સ્થિતિ તંગ છે ઉપરથી પોલીસ દ્વારા વસુલાતો રૂા.૫૦૦, રૂા.૨૦૦નો દંડ તેમની માટે પડયા પર પાટુ સમાન બની ગયો છે.
પરંતુ ઉચ્ચ પોલીસ અધિકારીઓને તેની કાઈ પડી નથી. તેમણે તો વધુને વધુ દંડ વસુલી અને વાહનો ડિટેઈન કરવાની કામગીરી દ્વારા પોતે કેટલી સારી કામગીરી કરી રહ્યા છે તેનો રેકોર્ડ બનાવવામાં જ રસ છે.
શહેરમાં છેલ્લા ઘણાં સમયથી વાહન ચેકિંગનાં નામે પોલીસ કોઈ વાહનચાલકોને અટકાવી જો લાયસન્સ હોય તો આરસીબુક અને તે પણ હોય તો પીયુસી કે બીજા દસ્તાવેજોની માગ કરી કોઈપણ નિયમનાં ભંગ બદલ મેમો ફટકારીને જ જંપે છે. વારંવાર ઉચ્ચ પોલીસ અધિકારીઓ પોલીસનો હેતુ વાહન ચેકિંગથી માત્ર દંડ વસૂલવાનો નથી એવું ગાઈ-વગાડીને કહેતા રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે પોલીસને વાહન ચેકિંગના નામે માત્ર દંડ વસુલવામાં જ રસ હોય તેવું લોકો અનુભવી રહ્યા છે.
પોલીસ માટે રૂા.૨૦૦, રૂા.૫૦૦ની કિંમત ન હોય તે સમજી શકાય તેવી બાબત છે, પરંતુ આમ પ્રજા કે જેની કોરોનાને કારણે આર્થિક સ્થિતિ કથળી ગઈ છે તેની માટે રૂા.૨૦૦, રૂા.૫૦૦ નો દંડ આકરા બોજ સમાન બની ગયો છે.
શહેરમાં સતત પોલીસ વાહન ચેકિંગ કરે તો તેની સામે પણ કોઈને કોઈ વાંધો ન હોઈ શકે પરંતુ વાહન ચેકિંગનો એકમાત્ર હેતુ લોકો પાસેથી દંડ વસુલવાનો હોય તેવું વલણ હાલ અપનાવવામાં આવી રહ્યું છે.
છેલ્લા દસ દિવસમાં પોલીસે આમ પ્રજાન દંડી કેટલી 'સિદ્ધી' મેળવી છે તેની યાદી પોલીસ દ્વારા આજે જારી કરવામાં આવી છે જે મુજબ છેલ્લા દસ દિવસમાં જાહેરનામા ભંગના ૬૦૯ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વારંવાર માસ્ક પહેર્યા વગર નીકળતા ૨૩૭ શખ્સો વિરૂદ્ધ ગુના દાખલ કરવામાં આવ્યા છે.