ગણપતિ વિસર્જન માટે આજી ડેમ ગયેલા મામા-ભાણેજ ડૂબી ગયા
પરિવારના સભ્યોની નજર સામે
પરિવારના મોભીએ નાનાભાઇને બચાવી લીધા પરંતુ પોતાને અને ભાણેજને બચાવી ન શક્યા, પરિવારમાં કાળો કલ્પાંત
રાજકોટ: રાજકોટના આજી ડેમમાં આજે બપોરે ગણપતિ વિસર્જનમાં ગયેલા મામા-ભાણેજના પરિવારના ચાર-ચાર સભ્યોની નજર સામે ડૂબી જવાથી મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ હતી. પરિવારના મોભી નાના ભાઈ અને ભાણેજને બચાવવા ગયા હતા. ત્યારે પોતે ડૂબી ગયા હતા. સાથે ભાણેજનું પણ ડૂબી જતા મોત નિપજતાં પરિવાર ઉપર આભ તૂટી પડયું હતું.
કોઠારીયા રોડ પરના હુડકો ચોકડી પાસે આવેલા મણીનગરમાં રહેતા બાવાજી પરિવારના છ સભ્યો આજે બપોરે પાંચમાં દિવસે ગણપતિ વિસર્જન માટે આજી ડેમમાં ગયા હતા. આજી ડેમમાં મોગલ માતાજીના મંદિરના પાછળના ભાગે ગણપતિ વિસર્જન કરી રહ્યા હતા ત્યારે મોટા ખાડાને કારણે હર્ષગીરી કલ્પેશ ગોસાઇ (ઉ.વ.૧૯) અને તેના મામા રાજવન ગોપાલવન ગોસ્વામી (ઉ.વ.૨૮) ડૂબવા લાગતા રાજવનના મોટાભાઈ કેતનવન (ઉ.વ.૩૩) બંનેને બચાવવા ગયા હતા.
જેણે નાનાભાઈ રાજવનને બચાવી લેતા તે સલામત રીતે બહાર નીકળી ગયો હતો. પરંતુ ભાણેજ હર્ષગીરી બહાર નહીં નીકળી શકતા તેને બચાવવાનો પ્રયાસ કરવા જતાં પોતે પણ ડૂુબવા લાગ્યો હતો. થોડીવારમાં જ બંને ઊંડા પાણીમાં ગરક થઇ ગયા હતાં. કોઇએ જાણ કરતાં ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર પહોંચ્યા હતાં.
તત્કાળ શોધખોળ કરતાં સૌથી પહેલા હર્ષગીરી અને ત્યારબાદ તેના મામા કેતનવનનો મૃતદેહ જ હાથ લાગ્યો હતો. હર્ષગીરી નાનપણથી જ બંને મામા કેતનવન અને રાજવન સાથે રહેતો હતો. તેણે ગ્રેજ્યુએશન પૂરું કરી લીધું હતું. ગોસ્વામી પરિવારે પોતાના ઘરે ગણપતિ બેસાડયા હતાં. જેથી આજે પાંચમાં દિવસે વિસર્જન માટે કેતનવન, પત્ની પૂજાબેન, રાજવન, પત્ની સ્નેહાબેન, માતા પુષ્પાબેન અને ભાણેજ હર્ષગીરી સાથે ગણપતિ વિસર્જન માટે વાહનમાં આજી ડેમ સુધી ગયા હતા.
તે વખતે આ ઘટના બનતા પરિવારના સભ્યો આઘાતથી સ્તબ્ધ થઇ ગયા હતાં. જાણ થતાં આજી ડેમ પોલીસે સ્થળ પર જઇ જરૂરી કાર્યવાહી કરી હતી. ગોસ્વામી બંધુઓને કોઠારીયા રોડ પર બેટરીની દુકાન છે. જેનો ભોગ લેવાયો તે કેતવવનને સંતાનમાં એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.