Get The App

આગામી બુધવાર-ગુરૂવારે 'મહા' વાવાઝોડુ ભાવનગરના દરિયા કિનારે ત્રાટકે તેવી શકયતા

Updated: Nov 5th, 2019

GS TEAM

Google News
Google News
આગામી બુધવાર-ગુરૂવારે 'મહા' વાવાઝોડુ ભાવનગરના દરિયા કિનારે ત્રાટકે તેવી શકયતા 1 - image

ભાવનગર, તા. 05 નવેમ્બર 2019, મંગળવાર

ભાવનગર જિલ્લાના દરિયા કિનારે આવતીકાલ બુધવાર અને ગુરૂવારે મહા વાવાઝોડુ ત્રાટકવાની સંભાવના છે. દરિયા કિનારે મહા વાવાઝોડુ આવવાની સંભાવનાના પગલે હાલ સરકારી તંત્ર સજ્જ થઈ ગયુ છે. NDRFની બે ટીમ ભાવનગરમાં બોલાવવામાં આવી છે અને આ બંને ટીમ દરિયા કિનારે સુરક્ષા માટે ખડેપગે રહેશે. દરિયા કિનારાના ગામોમાં અધિકારીઓની ટીમ હાજર રહેશે. મહા વાવાઝોડાના પગલે પુરઝડપે પવન અને ભારે વરસાદ પડવાની સંભાવના છે. આ ઉપરાંત દરિયામાં ઉચ્ચા મોજા ઉછળશે તેમ જાણવા મળેલ છે.

મહા વાવાઝોડુ આગામી તા. 6 અને 7 નવેમ્બરે ભાવનગર જિલ્લાના દરિયા કિનારે ત્રાટકે તેવી સંભાવનાના પગલે સરકારી તંત્રએ સાવચેતીના પગલા લેવાનુ શરૂ કરી દીધુ છે. જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાએ મહાપાલિકા, જિલ્લા પંચાયત, મામલતદાર, પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ, ફાયર વિભાગ સહિતના કર્મચારીઓને સજ્જ રહેવા આદેશ કરેલ છે. ભાવનગર જિલ્લામાં દરિયા કિનારે સુરક્ષા માટે NDRFની બે ટીમ બોલાવવામાં આવી છે, જેમાં એક ટીમ આજે મંગળવારે સવારે આવી ગઈ છે અને તે ટીમ ભાવનગર દરિયા કિનારે ફરજ પર છે, જયારે બીજી ટીમ આવતીકાલે બુધવારે આવી જશે તેમ જિલ્લા કલેકટરે જણાવેલ છે.

NDRFની બે ટીમમાં 46 કર્મચારીઓ ફરજ બજાવશે. દરિયા કિનારાના 42 ગામે ત્રણ અધિકારીઓની ટીમ હાજર રહેશે અને 8 ગામ વચ્ચે એક અધિકારીને રીપોર્ટીંગ કરવાનુ રહેશે. હાલ ભાવનગર જિલ્લામાં ખાસ અસર નહી થાય તેવી શકયતા છે તેથી હજુ ગ્રામજનોનુ સ્થળાંતર કરવામાં આવ્યુ નથી. 42 ગામમાં આશરે 28 હજાર લોકો વસવાટ કરે છે અને વાવાઝોડાની અસર તીવ્ર હશે તો ગ્રામજનોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવશે.

જિલ્લાની શાળાઓમાં હાલ રજા છે તેથી શાળાઓ અને વાડી-હોલ ખાલી રાખવામાં આવ્યા છે, જો જરૂર જણાશે તો તેમાં લોકોનુ સ્થળાંતર કરવામાં આવશે. મહા વાવાઝોડાના પગલે આશરે 70 થી 80 કિલોમીટરની ઝડપે પવન ફૂકાશે અને ભારે વરસાદ પડવાની સંભાવના છે. આશરે દોઢ ઇંચ વરસાદ પડે તેવી શકયતા છે. આ ઉપરાંત દરિયામાં આશરે 10 મીટર સુધી ઉચ્ચા મોજા ઉછળે તેવી સંભાવના હોવાનુ સરકારી સુત્રોએ જણાવેલ છે. સરકારી તંત્ર હાલ સજ્જ છે અને વાવાઝોડુ ત્રાટકે તો લોકોને ખાસ કોઈ મૂશ્કેલી ન પડે તે માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી હોવાનો સરકારી તંત્રએ દાવો કર્યો છે.

શહેર અને જિલ્લામાં સુચના માટે રીક્ષા ફેરવાશે

ભાવનગર જિલ્લાના દરિયા કિનારે મહા વાવાઝોડુ આવવાની સંભાવનાના પગલે સરકારી તંત્રને સજ્જ રાખવામાં આવ્યુ છે અને જિલ્લાના ગામોમાં સુચના આપવા માટે રીક્ષા દોડાવવામાં આવશે તેમ સરકારી તંત્રએ જણાવેલ છે. મહા વાવાઝોડામાં સરકારી તંત્ર સુચના આપી શકે તે માટે રીક્ષા દોડાવશે. આ ઉપરાંત ટેલીકોમ કંપનીઓને પણ જરૂરી વ્યવસ્થા રાખવા સુચના આપવામાં આવી છે.

અલંગ અને મીઠાના અગરમાં કામ ઠપ્પ

ભાવનગર જિલ્લામાં અલંગ અને મીઠાના અગરનુ કામ બંધ રાખવા જિલ્લા કલેકટરે જણાવેલ છે. જિલ્લા કલેકટરે આજે અલંગ અને મીઠાના ઉદ્યોગપતીઓ સાથે બેઠક કરી હતી. મહા વાવાઝોડા દરમિયાન જરૂર હશે તો અલંગના મજુરોને જીએમબી દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવશે. મીઠાના અગર ત્રણ દિવસ બંધ રાખવા અધિકારીએ જણાવેલ છે.

દરિયા કાંઠાના ધાર્મિક સ્થળો  ર્શાનાર્થીઓ માટે બંધ

મહા વાવાઝોડાની સંભાવનાના પગલે આવતીકાલ બુધવારથી શુક્રવાર સુધી ભાવનગર જિલ્લાના દરિયા કિનારે આવેલ ધાર્મિક સ્થળો દર્શાનાર્થીઓ માટે બંધ રહેશે, જેમાં ગોપનાથ, મહુવા ભવાની મંદિર, કોળીયાક સહિતના ધાર્મિક સ્થળોનો સમાવેશ થાય છે તેમ જિલ્લા કલેકટરે માહિતી આપતા જણાવેલ છે. ત્રણ દિવસ કોઈ દર્શાનાર્થીઓએ દરિયા કિનારે જવુ નહી તેમ જણાવવામાં આવેલ છે.
Tags :