મગન ઝાલાવાડીયાના બારદાન કૌભાંડનો પર્દાફાશ, 8 સામે ગુનો
-મગફળી કૌભાંડના સૂત્રધારે રેકર્ડ સાથે ચેડા કરી આચર્યું બારદાન કૌભાંડ
-આગથી બચી ગયેલા 34800 બારદાન બારોબાર વેંચી 10 લાખ ગુજકોટના અમદાવાદના મેનેજર મનોજ વ્યાસને આપ્યા હતા
રાજકોટ, તા. ૧૯ ઓગષ્ટ 2018, રવિવાર
જેતપુરના પેઢલા ગામના રાજ્યભરમાં ઉહાપોહ જગાવનાર મગફળી કૌભાંડના મુખ્ય સૂત્રધારોમાંથી એક ગુજકોટના સૌરાષ્ટ્ર ઝોનનાં મેનેજર મગન ઝાલાવાડીયાનું બારદાન કૌભાંડ બહાર આવ્યું છે. તેણે રાજકોટના જૂના માર્કેટ યાર્ડમાં ૧૪ કરોડના બારદાનમાં લાગેલી ભેદી આગ વખતે બચી ગયેલા ૩૪,૮૦૦ બારદાન બારોબાર વેંચી ૧૫.૮૦ લાખનું કૌભાંડ આચર્યું હતું. આ કૌભાંડમાં તેની સાથે ગુજકોટનાં અમદાવાદના મેનેજર મનોજ વ્યાસ ઉપરાંત વેવાઈ કાનજી દેવજીભાઈ ઢોલરીયા, વેપારીઓ સહિત આઠ આરોપીઓની સંડોવણી ખુલી છે. હાલ મગન ઝાલાવડીયા સિવાયના તમામ સાત આરોપીઓની પોલીસે ઘનિષ્ઠ પુછપરછ આદરી છે.
જેતપુરના પેઢલા ગામના મગફળી કૌભાંડમાં રિમાન્ડ દરમિયાન મગન ઝાલાવાડીયાએ બારદાન કૌભાંડની કબુલાત આપી હતી. જેના આધારે ગઈકાલે રાત્રે ગોંડલ ડિવિઝનના સીપીઆઈ વી.આર. વાણિયાએ સરકાર તરફે ફરિયાદી બની બી ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરાવતા પોલીસે કુલ આઠ આરોપીઓ વિરુદ્ધ ગુનાઈત કાવતરુ, છેતરપીંડી, બોગસ દસ્તાવેજો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરવો, પુરાવાનો નાશ કરવા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
આ સમગ્ર બારદાન કૌભાંડની પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ, ગુજકોટ દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદ કરવામાં આવતી મગફળી સહિતની જણસોને ભરવા માટે કોલકતા ખાતેની કુલ ૧૩૨ ટ્રકો ભરી ૨૫,૧૫,૬૫૦ બારદાન ખરીદવામાં આવ્યા હતા. જેમાંથી ત્રણ ટ્રકમાં ૪૯,૫૦૦ બારદાન તુવેરની ખરીદી માટે મોકલી આપવામાં આવ્યા હતા.
બાકીના રાજકોટના જૂના માર્કેટ યાર્ડ ખાતે રાખવામાં આવેલા બારદાનના જથ્થામાં આગ લાગી હતી. ગઈ તા. ૧૩મી માર્ચે સાંજે શેડ નંબર ૧ અને ૨માં ભભૂકી ઉઠેલી આગમાં એવું જાહેર કરવામાં આવ્યું કે, અંદાજે ૧૯,૩૯,૨૫૦ બારદાન સળગી ગયા છે. જેની કિંમત આશરે ૧૩.૮૨ કરોડ થાય છે. આ આગમાં ૫,૨૬,૯૦૦ બારદાન બચી ગયા હતા.
આ બચી ગયેલા બારદાનને ગુજકોટના સૌરાષ્ટ્ર ઝોનના મેનેજર મગન ઝાલાવાડીયાએ અમદાવાદ ગુજકોટની ઓફિસના મેનેજર મનોજ વ્યાસ સાથે મળી નરેન્દ્ર બાલધાના ગોંડલ પાટીદળ રોડ પર સ્થિત, મનસુખ હરજી રંગાણીનાં તરઘડી ખાતેના અને લાલજી કાનજી રંગાણીનાં તરઘડી ખાતે આવેલા ગોડાઉનમાં ટ્રાન્સફર કરવાનું નક્કી કર્યા બાદ બંનેની યોજના મુજબ આ બારદાનનો જથ્થો ત્રણેય ગોડાઉનમાં ટ્રાન્સફર કરવાનું શરૃ કરાયું હતું.
ત્યાર બાદ યોજના મુજબ મગન ઝાલાવાડીયાના મળતીયાઓમાં મનસુખ લીંબાસીયા અને તેના વેવાઈ કાનજી ઢોલરીયો બચી ગયેલા બારદાનના બે ટ્રકો ગોંડલના નરેન્દ્ર બાલધાના ગોડાઉનની બિલ્ટી બનાવી ત્યાં મોકલવાને બદલે સરધાર અને ત્રંબા ખાતે કાનજી ઢોલરીયાના પરિચિત જય ખૂંટની સરધાર ગામ પાસે આવેલી વાડી તથા રફાળા ગામની બાજુમાં જામવાડી ખાતે વિઠ્ઠલ કોળીની વાડીએ બારોબાર ઉતરાવી લીધા હતા.
જેના ભાગરૃપે મનસુખ તથા કાનજીએ ઓફિસમાં કામ કરતા નિરજને બંને ટ્રકની એન્ટ્રી રજીસ્ટરમાં કરવાની ના પાડી દીધી હતી. આમ છતાં નિરજે રજીસ્ટરમાં નોંધ કરી હતી. જેની મનસુખને જાણ થતાં તેણે મગન ઝાલાવાડીયાને વાત કરતા તેણે તે રજીસ્ટર મંગાવી તેના પાના ફાડી નાખ્યા હતા અને નવી તારીખમાં નવી નોંધો લખી નાખી હતી. આ પછી સરધાર અને રફાળાની વાડીમાં ઉતરાવાયેલા બારદાનનો જથ્થો ફરીથી બે ટ્રકમાં ભરાવી નરેન્દ્ર બાલધાના ગોડાઉનમાં મોકલી અપાયો હતો. જે અંગે નવી બિલ્ટી તથા નવી નોંધ રજીસ્ટરમાં કરી નખાઈ હતી.
યોજનાના ભાગરૃપે જે આઠ ટ્રકોમાં બચી ગયેલા બારદાન લઈ જવાયા હતા. તેમાંથી પાંચ ટ્રકો લાલજી રંગાણીના તરઘડી ખાતેના ગોડાઉન ખાતે મોકલી અપાયા હતા. બાકીના ત્રણ ટ્રક બારદાન મગન ઝાલાવાડીયાના તરઘડી ખાતેના પનામ એગ્રો ટેકમાં મોકલી દેવાયા હતા. આ આઠેય બારદાનના ટ્રકો નિરજે લાલજી રંગાણીના ગોડાઉનમાં ઉતારાયાની નોંધ રજીસ્ટરમાં કરી હતી.
આ બાબત પણ મગન ઝાલાવાડીયાના ધ્યાને આવતા તેણે ફરીથી રજીસ્ટર મંગાવી નિરજની હાજરીમાં જ તેના પાના ફાડી નાખ્યા હતા અને નવેસરથી નવી એન્ટ્રી કરાવી હતી. જેમાં આઠ ટ્રકમાંથી પાંચ ટ્રક લાલજીના તરઘડીના ગોડાઉનમાં મોકલાયાની નોંધ કરાવાઈ હતી. આ રીતે પોતાની પેઢીમાં જે ત્રણ બારદાનના ટ્રક ઉતાર્યા હતા તેને બારોબાર વેંચી રોકડા કરવાનું કારસ્તાન આચર્યું હતું.
જેના ભાગરૃપે મગન ઝાલાવાડીયાએ તરઘડીની પોતાની પેઢી ખાતેથી ત્રણેય ટ્રકોમાં આવેલા અંદાજે ૩૪ હજાર બારદાન મનસુખ લીંબાસીયા મારફતે રાજકોટનાં લાતી પ્લોટનાં આશાપુરા ટ્રેડર્સના મહેશ પ્રધાન ભાનુશાળી અને સાગર ટ્રેડર્સના અરવિંદ પરોજભાઈ ઠક્કરને વેંચી નાખી કુલ ૧૫.૮૦ લાખની રોકડી કરી લીધી હતી. જેમાંથી ૧૦ લાખ ગુજકોટની અમદાવાદ ઓફિસના મેનેજર મનોજ વ્યાસને પહોંચાડી દીધા હતા. બાકીની રકમ પોતાની પાસે રાખી લીધી હતી. પાછળથી પરેશે મગનના કહ્યા મુજબની રજીસ્ટરમાં આ ટ્રકો રવાના થયાની ખોટી એન્ટ્રીઓ કરી અને અગાઉની એન્ટ્રીઓ સુધારી હતી.
આ કૌભાંડ અંગે પોલીસે મગન ઝાલાવાડીયા (રહે. તરઘડી), મનસુખ બાબુભાઈ લીંબાસીયા (રહે. તરઘડી), ગુજકોટની અમદાવાદ ઓફિસના મેનેજર મનોજ વ્યાસ, બારદાન ખરીદનાર મહેશ અને અરવિંદ ઉપરાંત, કાનજી ઢોલરીયા, પરેશ હંસરાજ સંખાપરા અને નિરજ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
પોલીસે જણાવ્યું કે મગન ઝાલાવાડીયાનો આ ગુનામાં કબ્જો મેળવી ધરપકડ કરાશે. બાકીના સાતેય આરોપીઓની હાલ પુછપરછ ચાલુ છે. તેમની મગન પછી ધરપકડો કરવામાં આવશે.
મગન ઝાલાવાડીયાની બારદાનમાં આગમાં ભૂમિકા હોવાની પોલીસને શંકા
રાજકોટના જૂના માર્કેટ યાર્ડ ખાતે ગુજકોટ દ્વારા ખરીદવામાં આવેલા અંદાજે ૧૪ કરોડના બારદાનમાં ગઈ તા. ૧૩મી માર્ચે ભેદી રીતે આગ લાગી હતી. આ કેસને પાંચેક મહિના જેવો સમય વીતી જવા છતાં પોલીસ હજુ આગ કઈ રીતે લાગી તે શોધી શકી નથી.
એટલું જ નહીં પાંચ માસ વીતી જવા છતાં એફએસએલનો રિપોર્ટ પણ પોલીસ મેળવી શકી નથી. પોલીસને મગન ઝાલાવાડીયાની બારદાન કૌભાંડ સંડોવણી બહાર આવ્યા બાદ તેની આગ લગાડવામાં પણ કોઈ ભૂમિકા હોવાની શંકા ગઈ છે.
આ જ કારણથી બારદાન વેંચી નાખવાના કૌબાંડમાં તેની ધરપકડ બાદ પોલીસ આ મુદ્દે પણ તેની ધનિષ્ઠ પુછપરછ કરશે તેમ પત્રકાર પરિષદમાં શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે, આગની ઘટનાનો રિપોર્ટ અગ્રતાથી આપવા એફએસએલને કહેવાયું છે. સંભવતઃ અઠવાડીયામાં પોલીસને રિપોર્ટ મળી જશે. આગ લગાડવામાં મગન ઝાલાવડીયાની કોઈ ભૂમિકા હતી કે કેમ તેની ઉપરાંત આગને નિયંત્રણમાં આવવામાં ક્યા કારણથી વધુ સમય લાગ્યો તે સહિતના તમામ મુદ્દે પોલીસ ઉંડાણથી તપાસ કરશે.
પત્રકાર પરિષદમાં હાજર એસપી બલરામ મીણાએ જણાવ્યું કે ગોંડલ અને શાપરમાં મગફળીના જથ્થામાં આગ કઈ રીતે લાગી તેની હજુ તપાસ ચાલુ છે.
આજે બારદાનમાં આગ લાગ્યાની ઘટનાની તપાસનો ફરીથી ધમધમાટ શરૃ થયો હતો. જેના ભાગરૃપે પોલીસ કમિશનર સહિતનાં અધિકારીઓએ સ્થળ વિઝીટ કરી હતી. આ ઉપરાંત આ કેસની તપાસમાં ક્રાઈમ બ્રાંચ સહિતની ટીમોનું ગઠન કરી જુદી જુદી કામગીરી સોંપી દેવાઈ છે. બારદાનના જથ્થાનો વીમો લેવાયો હતો પરંતુ તે હજુ ચુકવાયો નથી તેની પણ પોલીસે જણાવ્યું હતું.